Bhagavad Gita: Chapter 1, Verse 4-6

અત્ર શૂરા મહેષ્વાસા ભીમાર્જુનસમા યુધિ ।
યુયુધાનો વિરાટશ્ચ દ્રુપદશ્ચ મહારથઃ ॥ ૪॥
ધૃષ્ટકેતુશ્ચેકિતાનઃ કાશિરાજશ્ચ વીર્યવાન્ ।
પુરુજિત્કુન્તિભોજશ્ચ શૈબ્યશ્ચ નરપુઙ્ગવઃ ॥ ૫॥
યુધામન્યુશ્ચ વિક્રાન્ત ઉત્તમૌજાશ્ચ વીર્યવાન્ ।
સૌભદ્રો દ્રૌપદેયાશ્ચ સર્વ એવ મહારથાઃ ॥ ૬॥

અત્ર—અહીં, શૂરા:—શક્તિશાળી યોદ્ધા, મહા-ઈષુ-આસા:—મહાન ધનુર્ધર, ભીમ-અર્જુન-સમા:—ભીમ અને અર્જુન સમાન, યુધિ—યુદ્ધકળામાં, યુયુધાન:—યુયુધાન, વિરાટ:—વિરાટ, ચ—અને, દ્રુપદ:—દ્રુપદ, ચ—વળી, મહારથ:—મહાન યોદ્ધા,જે એકલા દસ હજાર સામાન્ય યોદ્ધા સમાન બળ ધરાવતા હોય, ધૃષ્ટકેતુ:—ધૃષ્ટકેતુ, ચેકિતાન:—ચેકિતાન, કાશીરાજ:—કાશીરાજ, ચ—અને, વીર્યવાન—પરાક્રમી, પુરુજિત—પુરુજિત, કુંતીભોજ:—કુંતીભોજ, ચ—તથા, શૈબ્ય:—શૈવ્ય, ચ—તથા, નર-પુંગવ:—ઉત્તમ પુરુષ, યુધામન્યુ:—યુધામન્યુ, ચ—અને, વિક્રાંત:—પરાક્રમી, ઉત્તમૌજા:—ઉત્તમૌજા, ચ—અને, વીર્ય-વાન—મહાશક્તિશાળી, સૌભદ્ર:—સુભદ્રાનો પુત્ર, દ્રૌપદેયા:—દ્રૌપદીના પુત્રો, ચ—અને, સર્વે—સર્વ, એવ—નિશ્ચિતરૂપે, મહા-રથ:—મહાન યોદ્ધા, જે એકલા દસ હજાર સામાન્ય યોદ્ધાઓ સમાન બળ ધરાવતા હોય.

Translation

BG 1.4-6: પાંડવોની આ સેનામાં ભીમ અને અર્જુન સમાન બળશાળી યુદ્ધ કરવાવાળા મહારથી યુયુધાન, વિરાટ અને દ્રુપદ જેવા અનેક શૂરવીર ધનુર્ધારીઓ છે. તેમની સાથે ધૃષ્ટકેતુ, ચેકિતાન, કાશીના પરાક્રમી રાજા, પુરુજિત, કુંતીભોજ અને શૈવ્ય બધા મહાન સેનાનાયક છે. તેમની સેનામાં પરાક્રમી યુધામન્યુ, શૂરવીર ઉત્તમૌજા, સુભદ્રા અને દ્રૌપદીના પુત્રો પણ છે, જે સર્વ નિશ્ચિતરૂપે મહાશક્તિશાળી યોદ્ધાઓ છે.

Commentary

પોતાની સન્મુખ તોળાઈ રહેલા સંકટને જોઇને, દુર્યોધનને પાંડવો દ્વારા એકત્ર કરવામાં આવેલી સેના વાસ્તવિકતાથી ઘણી વધારે વિશાળ પ્રતીત થવા લાગી. પોતાની ચિંતા વ્યક્ત કરવા માટે દુર્યોધને એ તરફ નિર્દેશ કર્યો કે પાંડવોની સેના તરફથી મહારથીઓ (મહાન યોદ્ધા, જે એકલા દસ હજાર સામાન્ય યોદ્ધાઓ સમાન બળ ધરાવતા હોય) યુદ્ધ કરવા માટે ઉપસ્થિત છે. દુર્યોધને પાંડવોની સેનાના એવા અસાધારણ મહા પરાક્રમી યોદ્ધાઓનો ઉલ્લેખ કર્યો કે, જેઓ અર્જુન અને ભીમની સમાન બળશાળી મહાન સેનાનાયક હતા, જેમને યુદ્ધમાં પરાજિત કરવા કઠિન થઇ જશે.