Bhagavad Gita: Chapter 5, Verse 22

યે હિ સંસ્પર્શજા ભોગા દુઃખયોનય એવ તે ।
આદ્યન્તવન્તઃ કૌન્તેય ન તેષુ રમતે બુધઃ ॥૨૨॥

યે—જે; હિ—ખરેખર; સંસ્પર્શ-જા:—ઇન્દ્રિયજન્ય પદાર્થના સ્પર્શથી; ભોગા:—સુખો; દુઃખ—દુ:ખ; યોનય:—સ્ત્રોત; એવ—ખરેખર; તે—તેઓ છે; આદ્ય-અન્તવન્ત:—પ્રારંભ અને અંતને અધીન; કૌન્તેય—અર્જુન, કુંતીપુત્ર; ન—કદી નહીં; તેષુ—તેઓમાં; રમતે—આનંદ લે છે; બુધ:—બુદ્ધિશાળી મનુષ્ય.

Translation

BG 5.22: ભૌતિક ઇન્દ્રિયોના સંસર્ગથી ઉત્પન્ન થનારા સુખોપભોગ, સંસારી મનોવૃત્તિ ધરાવતા લોકો માટે દેખીતી રીતે આનંદપ્રદ હોય છે પણ ખરેખર દુઃખનું ઉદ્ભવસ્થાન છે. હે કુંતીપુત્ર! આવા સુખોનો આદિ અને અંત હોય છે અને તેથી જ્ઞાની પુરુષો તેમાં આનંદ લેતા નથી.

Commentary

ઇન્દ્રિય વિષયોના સંસર્ગથી ઇન્દ્રિયો સુખદ સંવેદનો ઉત્પન્ન કરે છે. મન જે છઠ્ઠી ઇન્દ્રિય સમાન છે તે સન્માન, પ્રશંસા, સંજોગો, સફળતા, વગેરેમાંથી સુખની શોધ કરે છે. આ સર્વ શારીરિક તથા માનસિક સુખોને ભોગ (માયિક સુખ) તરીકે ઓળખવામાં આવે છે. આવા લૌકિક સુખો નિમ્નલિખિત કારણોસર આત્માને સંતુષ્ટિ પ્રદાન કરતા નથી.

૧. લૌકિક સુખો સીમિત હોય છે અને તેથી અંતર્ગત રીતે મનુષ્યમાં ઉણપની ભાવના કાયમ રહે છે. કોઈ વ્યક્તિ લખપતિ બની જતાં સુખનો અનુભવ કરે છે, પરંતુ તે જ લખપતિ કરોડપતિને જોઈને અસંતુષ્ટ થઈ જાય છે અને વિચારે છે, “જો મારી પાસે એક કરોડ હોત તો હું પણ સુખી હોત.” તેનાથી વિપરીત, ભગવાનનો આનંદ અસીમિત છે અને તેથી તે પૂર્ણ તૃપ્તિ પ્રદાન કરે છે.

૨. સાંસારિક સુખો ક્ષણિક હોય છે. એકવાર તે સમાપ્ત થઈ જાય તો વ્યક્તિ પુન: દુઃખદ લાગણીઓમાં સરી પડે છે. ઉદાહરણ તરીકે, મદિરાપાન કરતો વ્યક્તિ રાત્રિ દરમ્યાન મદિરાનું સેવન કરીને સુખની અનુભૂતિ કરે છે, પરંતુ બીજા દિવસની સવારે તેનો હેંગઓવર તેને દારુણ મસ્તિષ્ક પીડા આપે છે. પરંતુ, ભગવાનનો આનંદ શાશ્વત છે અને એકવાર પ્રાપ્ત થયા પશ્ચાત્ તે સદા  માટે રહે છે.

૩. સાંસારિક સુખ જડ કે અચેતન હોય છે અને તેથી તેનો સદા હ્રાસ થતો હોય છે. જયારે લોકો એકેડેમી એવોર્ડ પ્રાપ્ત નવીન ચલચિત્ર જુએ છે,તો અતિ ખુશ થઈ જાય છે, પરંતુ જો તેમને મિત્રને સાથ આપવા આ ચલચિત્ર બીજી વાર જોવું પડે તો તેમનો આનંદ કરમાઈ જાય છે; અને જો અન્ય કોઈ મિત્ર તેને ત્રીજી વખત આ જ ચલચિત્ર જોવા માટે આગ્રહ કરે તો તે કહેશે, “મને કોઈપણ સજા આપો, પણ મને પુન: આ ચલચિત્ર જોવા માટે કહેશો નહીં.” માયિક પદાર્થોથી પ્રાપ્ત થયેલું સુખ ધીમે ધીમે ઘટતું જાય છે. અર્થશાસ્ત્રમાં તેને ઘટાયમાન વળતરના સિદ્ધાંત (સમ સીમાંત ઉપયોગિતા હ્રાસ નિયમ—law of Diminishing Returns) તરીકે ઓળખવામાં આવે છે.  પરંતુ ભગવદ્-આનંદ ચેતન છે; તે સત્-ચિત્-આનંદ (શાશ્વત નિત્ય નવાયમાન દિવ્ય આનંદ) છે. તેથી, વ્યક્તિ ભગવાનના એક જ દિવ્ય નામનું દિવસ દરમ્યાન સતત રટણ કરે છે અને તેમાંથી નિત્ય-નવાયમાન ભક્તિ-યુક્ત તૃપ્તિનું આસ્વાદન કરે છે.

કોઈપણ મિષ્ટાન્નનું આસ્વાદન કરી રહેલો સમજુ માણસ તે આરોગવાનું છોડીને કાદવ આરોગતો નથી. એ જ પ્રમાણે, જયારે વ્યક્તિ દિવ્ય આનંદનું આસ્વાદન કરવાનો પ્રારંભ કરે છે, ત્યારે મન માયિક સુખો પ્રત્યેની અભિરુચિ ગુમાવવા લાગે છે. જે લોકો વિવેકબુદ્ધિથી સંપન્ન છે, તેઓ માયિક સુખની ઉપરોક્ત ત્રણેય ક્ષતિઓને સમજે છે અને તેમની ઇન્દ્રિયોને એવા માયિક સુખ પ્રત્યે આકર્ષિત થતાં અટકાવે છે. શ્રીકૃષ્ણ આગામી શ્લોકમાં આના પર ભાર મૂકે છે.