Bhagavad Gita: Chapter 5, Verse 2

શ્રીભગવાનુવાચ ।
સંન્યાસઃ કર્મયોગશ્ચ નિઃશ્રેયસકરાવુભૌ ।
તયોસ્તુ કર્મસંન્યાસાત્કર્મયોગો વિશિષ્યતે ॥૨॥

શ્રીભગવાન્ ઉવાચ—પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા; સંન્યાસ—ત્યાગ; કર્મયોગ:—ભક્તિયુક્ત કર્મ; ચ—તથા; નિ:શ્રેયસ-કરૌ—પરમ લક્ષ્ય તરફ દોરી જનાર; ઉભૌ—બંને; તયો:—તે બંનેમાં; તુ—પરંતુ; કર્મ-સંન્યાસાત્—કર્મોનો ત્યાગ; કર્મ-યોગ:—ભક્તિયુક્ત કર્મ; વિશિષ્યતે—શ્રેષ્ઠ છે.

Translation

BG 5.2: પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા: કર્મ સંન્યાસ (કર્મોનો પરિત્યાગ) તેમજ કર્મયોગ (ભક્તિયુક્ત કર્મ) આ બંને માર્ગ પરમ લક્ષ્ય તરફ દોરી જાય છે. પરંતુ કર્મ સંન્યાસ કરતાં કર્મયોગ અધિક શ્રેષ્ઠ છે.

Commentary

આ શ્લોકમાં શ્રીકૃષ્ણ કર્મ સંન્યાસ તેમજ કર્મયોગની તુલના કરે છે. આ અતિ ગહન શ્લોક છે; તેથી તેનો એક સમયે એક શબ્દ આપણે સમજીએ.

કર્મ યોગી તે છે, જે આધ્યાત્મિક તેમજ સામાજિક બંને પ્રકારના ઉત્તરદાયિત્ત્વનું પાલન કરે છે. સામાજિક ઉત્તરદાયિત્ત્વનું પાલન શરીરથી કરે છે, જયારે મન ભગવાનમાં અનુરક્ત રહે છે. જગદ્ગુરુ કૃપાળુજી મહારાજ કહે છે:

સોચુ મન યહ કર્મ મમ સબ લખત હરિ ગુરુ પ્યારે (સાધન ભક્તિ તત્ત્વ)

“પ્રિય સાધક! સદા ચિંતન કરો કે તમારા સર્વ કર્મ હરિ અને ગુરુ જોવે છે.” આ કર્મયોગની સાધના છે, જેના દ્વારા આપણે સ્વયંને ધીરે ધીરે શારીરિક ચેતનામાંથી આધ્યાત્મિક ચેતના તરફ ઉન્નત કરીએ છીએ.

કર્મ સંન્યાસ એવા ઉન્નત આત્માઓ માટે છે, જેઓ દૈહિક અવસ્થાથી ઉપર ઊઠી ચૂક્યા છે. કર્મ સંન્યાસી એ છે જે ભગવાનમાં સંપૂર્ણ લીન થઈ જવાથી સામાજિક ઉત્તરદાયિત્ત્વોનો પરિત્યાગ કરે છે અને આધ્યાત્મિક ઉત્તરદાયિત્ત્વ (ભગવાનની ભક્તિયુક્ત સેવા)માં વ્યસ્ત રહે છે. કર્મ સંન્યાસીનો આ ભાવ રામાયણમાં લક્ષ્મણ દ્વારા એ સમયે સુંદર રીતે અભિવ્યક્ત કરવામાં આવ્યો છે, જયારે તેમને શ્રી રામ તેના સામાજિક ઉત્તરદાયિત્વનું પાલન કરવાનું કહે છેઃ

મોરે સબઈ એક તુમ્હ સ્વામી, દીનબંધુ ઉર અંતર્યામી  (રામાયણ)

લક્ષ્મણ રામને કહે છે: “તમે મારા સ્વામી, પિતા, માતા, મિત્ર અને સર્વસ્વ છો. હું મારી પૂર્ણ શક્તિઓથી કેવળ તમારા પ્રત્યેનું ઉત્તરદાયિત્ત્વ નિભાવીશ. તેથી કૃપા કરીને મને મારા કોઈપણ દૈહિક ઉત્તરદાયિત્વ અંગે કંઈ ન કહો.”

જેઓ કર્મ સંન્યાસની સાધના કરે છે, તેઓ પોતાને શરીર માનતા નથી. પરિણામે તેઓ તેમના દૈહિક ઉત્તરદાયિત્વનાં પાલનને આવશ્યક ગણતા નથી. આવા કર્મ સંન્યાસી તેમનો સંપૂર્ણ સમય તથા શક્તિ આધ્યાત્મિકતાને સમર્પિત કરી દે છે, જયારે કર્મયોગીએ તેમના સમયને સંસારી તેમજ આધ્યાત્મિક ઉત્તરદાયિત્વ વચ્ચે વિભાજીત કરવો પડે છે. આ દૃષ્ટિએ કર્મ સંન્યાસી અધિક ગતિથી ભગવાન તરફ આગળ વધે છે, જયારે કર્મયોગીઓ સંસારી ઉત્તરદાયિત્વના ભાર સાથે સંકળાયેલા રહે છે.

આ શ્લોકમાં શ્રીકૃષ્ણ કર્મ-સંન્યાસની અપેક્ષાએ કર્મયોગની પ્રશસ્તિ કરે છે તથા અર્જુનને આ જ માર્ગનું અનુસરણ કરવાનો ઉપદેશ આપે છે. તેનું કારણ છે કે કર્મ સંન્યાસના માર્ગમાં કેટલાક ભયસ્થાનો રહેલાં છે. જો તેઓ પોતાના ઉત્તરદાયિત્ત્વોનો ત્યાગ કરીને મનને ભગવાનમાં અનુરક્ત કરી શકે નહીં તો તેઓ અહીં કે તહીં ક્યાંયના રહેતા નથી. ભારતમાં, આવા હજારો સાધુઓ છે જેઓ માને છે કે તેઓ વિરક્ત થઈ ગયા છે અને તેથી તેમણે સંસારનો ત્યાગ કર્યો છે. પરંતુ તેમનું મન હજી ભગવાનમાં અનુરક્ત થયું હોતું નથી. પરિણામે, તેઓ આધ્યાત્મિક માર્ગનાં દિવ્ય આનંદની અનુભૂતિ કરી શકતા નથી. તેથી, સાધકો જેવા ભગવા વસ્ત્રો ધારણ કરીને તેઓ ચરસ-ગાંજાનું સેવન વગેરે જેવાં પાપયુક્ત દુષ્કર્મોમાં લિપ્ત થઈ જાય છે. કેવળ અજ્ઞાની વ્યક્તિ તેમના આળસ્યને સંસારથી વિરક્તિ માનવાની ભૂલ કરી શકે છે.

બીજી બાજુ, કર્મયોગી તેમના સાંસારિક ઉત્તરદાયિત્વનું પાલન અને આધ્યાત્મિક સાધના બંને કરે છે. તેથી જો તેમનું  મન આધ્યાત્મિકતામાંથી વિચલિત થઈ જાય તો કમ-સે-કમ તેઓ પાસે તેમના કર્તવ્યોના પાલનનો વિકલ્પ રહે છે. આ પ્રમાણે અધિકાંશ લોકો માટે કર્મયોગ એ સુરક્ષિત માર્ગ છે, જયારે કર્મ-સંન્યાસનું અનુસરણ કેવળ નિપુણ ગુરુના માર્ગદર્શનમાં જ કરવું જોઈએ.