Bhagavad Gita: Chapter 5, Verse 13

સર્વકર્માણિ મનસા સંન્યસ્યાસ્તે સુખં વશી ।
નવદ્વારે પુરે દેહી નૈવ કુર્વન્ન કારયન્ ॥૧૩॥

સર્વ—સર્વ; કર્માણિ—કર્મોને; મનસા—મનથી; સંન્યસ્ય—ત્યાગીને; આસ્તે—રહે છે; સુખમ્—સુખમાં; વશી—સ્વ-નિયંત્રણ; નવ-દ્વારે—નવ દ્વારવાળા; પુરે—નગરમાં; દેહી—શરીરધારી આત્મા; ન—નહીં; એવ—નિશ્ચિત; કુર્વન્—કંઈપણ કરતો; ન—નહીં; કારવન્—કરાવતો.

Translation

BG 5.13: જે દેહધારી જીવાત્માઓ આત્મ-સંયમી અને વિરક્ત હોય છે, તેઓ સ્વયંને કર્તા કે કારણ માનવાના વિચારનો પરિત્યાગ કરીને નવ દ્વારવાળા નગરમાં સુખપૂર્વક રહે છે.

Commentary

શ્રીકૃષ્ણ શરીરની તુલના તેમાં સ્થિત નવ છિદ્રોને આધારે નવ દ્વારના નગર સાથે કરે છે. આત્મા આ નગરના રાજા સમાન છે, જેનું સંચાલન અહંકાર, બુદ્ધિ, મન, ઇન્દ્રિયો અને પ્રાણ-શક્તિ દ્વારા કરવામાં આવે છે. જ્યાં સુધી સમય મૃત્યુના રૂપમાં આવીને આ સ્થૂળ હાડપિંજર છીનવી લેતો નથી ત્યાં સુધી શરીર પરનું આ શાસન ચાલુ રહે છે. પરંતુ, આ શાસનકાળ દરમ્યાન પણ પ્રબુદ્ધ યોગીઓ સ્વયંને શરીર માનતા નથી કે શરીરના સ્વામી પણ માનતા નથી. પરંતુ તેઓ શરીર ધારણ કરીને, તેના દ્વારા થતી સર્વ ક્રિયાઓને ભગવદ્-સબંધી માને છે. મનથી સર્વ કર્મોનો ત્યાગ કરીને આવા પ્રબુદ્ધ જીવાત્માઓ સુખપૂર્વક તેમના શરીરમાં સ્થિત રહે છે. આને સાક્ષીભાવ અર્થાત્ આસપાસ બનતી સમસ્ત ઘટનાઓનું અનાસક્ત ભાવથી નિરીક્ષણ કરવાનું વલણ પણ કહે છે.

આ શ્લોકમાં આપવામાં આવેલી ઉપમા શ્વેતાશ્વતર ઉપનિષદ્દમાં પણ આપવામાં આવી છે:

                        નવદ્વારે પુરે દેહી હંસો લેલાયતે બહિઃ

                       વશી સર્વસ્ય લોકસ્ય સ્થાવરસ્ય ચરસ્ય ચ (૩.૧૮)

“આ શરીર નવ દ્વારથી બનેલું છે — બે કર્ણ, એક મુખ, બે નાસિકાઓ, બે નેત્રો, ગુદા અને જનનેન્દ્રિય. માયિક ચેતનાથી યુક્ત જીવાત્મા સ્વયંનું આ નવ દ્વારવાળા નગર સાથે તાદાત્મ્ય સાધીને શરીરમાં નિવાસ કરે છે. આ જ શરીરમાં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન પણ નિવાસ કરે છે કે જેઓ આ જગતના સર્વ પ્રાણીઓના નિયંત્રક છે. જયારે આત્મા તેનો સંબંધ ભગવાન સાથે જોડી દે છે ત્યારે તે શરીરમાં હોવા છતાં ભગવાનની સમાન જ મુક્ત થઈ જાય છે.

આગામી શ્લોકમાં, શ્રીકૃષ્ણ ઘોષિત કરે છે કે દેહધારી આત્મા ન તો કર્તા છે કે ન તો કોઈ ક્રિયાનું કારણ છે. તો એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે  કે શું ભગવાન આ સંસારનાં સર્વ કર્મોનું વાસ્તવિક કારણ છે? આ પ્રશ્નનો ઉત્તર આવતા શ્લોકમાં આપવામાં આવ્યો છે.