સંન્યાસસ્તુ મહાબાહો દુઃખમાપ્તુમયોગતઃ ।
યોગયુક્તો મુનિર્બ્રહ્મ નચિરેણાધિગચ્છતિ ॥૬॥
સંન્યાસ:—વૈરાગ્ય; તુ—પરંતુ; મહાબાહો—બળવાન ભુજાઓવાળા; દુ:ખમ્—દુઃખ; આપ્તુમ્—પ્રાપ્ત કરે છે; અયોગત:—કર્મયોગ વિના; યોગ-યુક્ત:—કર્મયોગમાં પરોવાયેલો; મુનિ:—મુનિ; બ્રહ્મ—બ્રાહ્મણ; ન ચિરેણ—વિલંબ વિના; અધિગચ્છતિ—જાય છે.
Translation
BG 5.6: ભક્તિયુક્ત કર્મ (કર્મયોગ) વિના સંપૂર્ણ વૈરાગ્ય (કર્મ સંન્યાસ) કઠિન છે, હે મહાભુજાઓવાળા અર્જુન! પરંતુ જે મુનિ કર્મયોગમાં નિપુણ હોય છે, તે શીઘ્રતાથી પરમેશ્વરને પ્રાપ્ત કરે છે.
Commentary
હિમાલયની ગુફાઓમાં નિવાસ કરીને યોગી કદાચ એમ માની લે કે તેણે વૈરાગ્ય પ્રાપ્ત કરી લીધો છે, પરંતુ તે વૈરાગ્યની કસોટી એ જયારે નગરમાં પાછો ફરે છે ત્યારે થાય છે. ઉદાહરણ તરીકે, એક સાધુએ ગઢવાલનાં પર્વતોમાં નિવાસ કરીને ૧૨ વર્ષ સુધી તપશ્ચર્યા કરી. પશ્ચાત્ તે હરિદ્વારમાં પવિત્ર કુંભમેળામાં ભાગ લેવા પર્વત પરથી નીચે આવ્યો. મેળાની દોડધામ અને ધક્કામુક્કીમાં કોઈએ અજાણતાં તેનાં જોડા તે સાધુના ઉઘાડા ચરણ પર મૂકી દીધા. સાધુ ક્રોધિત થઈ ગયો અને ત્રાડ પાડીને કહ્યું, “તું આંધળો છે? શું તું જોઈ નથી શકતો કે તું ક્યાં જઈ રહ્યો છે?” પશ્ચાત્ તેને પોતાના ઉપર ક્રોધને હાવી થયેલો જોઈને પશ્ચાતાપ થયો, “પર્વતોમાં બાર વર્ષો સુધી કરેલી તપશ્ચર્યા નગરમાં આવીને એક દિવસમાં ધોવાઈ ગઈ.” આ જગત એક કર્મસ્થળ છે, જ્યાં આપણા વૈરાગ્યનું પરીક્ષણ થાય છે.
આ શ્લોકમાં શ્રીકૃષ્ણ કહે છે કે આ સંસારમાં પોતાના કર્તવ્યોનું પાલન કરતાં-કરતાં મનુષ્યે ક્રોધ, લોભ અને કામનાઓથી ઉપર ઊઠતાં શીખવું જોઈએ. તેનાથી વિપરીત, જો કોઈ પહેલાં કર્તવ્યોનો પરિત્યાગ કરી દે તો મનને શુદ્ધ કરવું અતિ કઠિન થઈ જાય છે અને શુદ્ધ મન વિના વાસ્તવિક વિરક્તિ એ દૂરોગામી સ્વપ્ન સમાન બની જાય છે.
આપણે સૌ આપણી પ્રકૃતિને અનુસાર કાર્ય કરીએ છીએ. અર્જુન યોદ્ધા હતો અને જો તેણે કૃત્રિમ રીતે તેના ઉત્તરદાયિત્ત્વનો પરિત્યાગ કરી દીધો હોત અને તે નિવૃત્ત થઈને વનમાં જતો રહ્યો હોત તો પણ તેની પ્રકૃતિ તેને ત્યાં પણ કાર્ય કરવા વિવશ કરત. ત્યાં પણ તે થોડા આદિવાસીઓને એકત્રિત કરીને સ્વયંને તેમનો રાજા ઘોષિત કરી દેત. તેના બદલે, તેની પ્રાકૃતિક વૃત્તિ અને પ્રતિભાનો ઉપયોગ તે ભગવદ્-સેવામાં કરે તે અધિક લાભદાયી રહે. એથી પરમેશ્વર તેને ઉપદેશ આપે છે કે, “યુદ્ધ કરવાનું ચાલુ રાખ, પરંતુ એક પરિવર્તન કર. પૂર્વે તું યુદ્ધભૂમિમાં રાજ્યને બચાવવાની ધારણા સાથે પ્રવેશ્યો હતો. હવે, તેના બદલે, તારી સેવા નિષ્કામ ભાવથી ભગવાનને સમર્પિત કરી દે. આ રીતે તું કુદરતી રીતે મનને શુદ્ધ કરી શકીશ અને આંતરિક રીતે વાસ્તવિક વૈરાગ્ય પ્રાપ્ત કરી શકીશ.”
નરમ અને કાચું ફળ તેનાં વૃક્ષને કે જે તેને ધારણ કરે છે અને પોષણ આપે છે, તેને મજબૂત રીતે પકડી રાખે છે. પરંતુ એ જ ફળ જયારે પૂર્ણપણે પાકી જાય છે ત્યારે તેના પોષક વૃક્ષ સાથેનો સંબંધ તોડી નાખે છે. એ જ પ્રમાણે, કર્મયોગી ભૌતિક જગતમાંથી અનુભવ પ્રાપ્ત કરે છે, જે જ્ઞાનરૂપે પરિપક્વ થાય છે. જેમ ગાઢ નિંદ્રા તેના માટે જ સંભવ છે, જે કઠિન પરિશ્રમ કરે છે; તેમ ગહન ધ્યાન તેને જ પ્રાપ્ત થાય છે, જેણે કર્મયોગ દ્વારા પોતાના મનને શુદ્ધ કર્યું હોય છે.