જ્ઞાનેન તુ તદજ્ઞાનં યેષાં નાશિતમાત્મનઃ ।
તેષામાદિત્યવજ્જ્ઞાનં પ્રકાશયતિ તત્પરમ્ ॥૧૬॥
જ્ઞાનેન્—દિવ્ય જ્ઞાન દ્વારા; તુ—પરંતુ; તત્—તે; અજ્ઞાનમ્—અજ્ઞાન; યેષામ્—જેમના; નાશિતમ્—નષ્ટ કરાય છે; આત્માન:—આત્માની; તેષામ્—તેમના; આદિત્ય-વત્—સૂર્ય સમાન; જ્ઞાનમ્—જ્ઞાન; પ્રકાશયતિ—પ્રગટ કરે છે; તત્—તે; પરમ્—પરમાત્મા.
Translation
BG 5.16: પરંતુ તેઓ કે જેમનું આત્મા અંગેનું અજ્ઞાન દિવ્ય જ્ઞાન દ્વારા નષ્ટ થઈ ગયું છે, તેમના માટે તે જ્ઞાન પરમ તત્ત્વને એ રીતે પ્રગટ કરી દે છે જેમ સૂર્યથી દિવસમાં સર્વ પ્રકાશિત થઈ જાય છે.
Commentary
રાત્રિનો અંધકાર દૂર કરવામાં સૂર્યની શક્તિ અતુલ્ય છે. રામાયણ કહે છે:
રાકાપતિ ષોડ઼સ ઉઅહિં તારાગન સમુદાઇ
સકલ ગિરિન્હ દવ લાઇઅ બિનુ રબિ રાતિ ન જાઇ
“વાદળરહિત નભમાં પૂર્ણ ચંદ્ર અને સર્વ દૃશ્યમાન તારાગણના મિશ્રિત પ્રકાશ છતાં પણ રાત્રિ જતી નથી. પરંતુ જે ક્ષણે સૂર્ય ઉદય થાય છે, રાત્રિ ત્વરિત પ્રસ્થાન કરી જાય છે.” સૂર્યનો પ્રકાશ એવો હોય છે કે અંધકાર તેની સમક્ષ ટકી શકતો નથી. ભગવદ્-જ્ઞાનનો પ્રકાશ પણ અજ્ઞાનના અંધકારને નષ્ટ કરવા માટે સમાનરૂપે પ્રભાવશાળી હોય છે.
અંધકાર ભ્રમનું સર્જન કરવા માટેનું પ્રમુખ કારણ છે. સિનેમા હોલના અંધકારમાં પડદા ઉપર ફેંકાતો પ્રકાશ વાસ્તવિકતાને ભ્રમમાં પરિવર્તિત કરે છે અને લોકો તેને માણવામાં લીન થઈ જાય છે. પરંતુ જયારે સિનેમા હોલમાં બધી બત્તીઓ ચાલુ કરી દેવામાં આવે છે ત્યારે ભ્રમ દૂર થઈ જાય છે અને લોકો તેમના કલ્પનાના તરંગોમાંથી જાગૃત થઈ જાય છે અને તેમને સમજાય છે કે તેઓ તો કેવળ ચલચિત્ર જોઈ રહ્યાં હતાં. એ જ પ્રમાણે, અજ્ઞાનના અંધકારમાં આપણે આપણા શરીર સાથે તાદાત્મ્ય સાધીને સ્વયંને પોતાના કર્મોના કર્તા અને ભોક્તા માની લઈએ છીએ. જયારે ભગવાનના દિવ્ય જ્ઞાનનો પ્રકાશ તેજસ્વી રીતે ઝળહળવાનું પ્રારંભ કરે છે, ત્યારે ભ્રમ ત્વરિતતાથી પાછા પગલે ભાગે છે અને આત્મા નવ દ્વાર-યુક્ત નગરમાં નિવાસ કરતો હોવા છતાં તેની વાસ્તવિક તથા આધ્યાત્મિક ઓળખ પ્રત્યે જાગૃત થઈ જાય છે. ભગવાનની માયિક શક્તિ (અવિદ્યા શક્તિ)ના અંધકારથી આચ્છાદિત હોવાના કારણે આત્માનું પતન થયું હતું. જયારે ભગવાનની આધ્યાત્મિક શક્તિ (વિદ્યા શક્તિ) આત્માને દિવ્ય જ્ઞાનના પ્રકાશથી પ્રકાશિત કરી દે છે ત્યારે આ ભ્રમ નષ્ટ થઈ જાય છે.