બાહ્યસ્પર્શેષ્વસક્તાત્મા વિન્દત્યાત્મનિ યત્સુખમ્ ।
સ બ્રહ્મયોગયુક્તાત્મા સુખમક્ષયમશ્નુતે ॥૨૧॥
બાહ્ય-સ્પર્શેષુ—બાહ્ય ઇન્દ્રિય સુખ; અસક્ત-આત્મા—અનાસક્ત આત્મા; વિન્દતિ—પામે છે; આત્મનિ—આત્મામાં; યત્—જે; સુખમ્—સુખ; સ:—તે; બ્રહ્મ-યોગ યુક્ત-આત્મા—યોગ દ્વારા ભગવાન સાથે ઐક્ય પામેલા; સુખમ્—સુખ; અક્ષયમ્—અક્ષય; અશ્નુતે—અનુભવે છે.
Translation
BG 5.21: જે મનુષ્યો બાહ્ય ઇન્દ્રિય સુખો પ્રત્યે આસક્ત નથી, તેઓ દિવ્ય આનંદની અનુભૂતિ સ્વયંમાં જ કરે છે. યોગ દ્વારા ભગવાન સાથે ઐક્ય હોવાના કારણે તેઓ અનંત સુખનો અનુભવ કરે છે.
Commentary
વૈદિક શાસ્ત્રો પુન: પુન: વર્ણન કરે છે કે ભગવાન અનંત દિવ્ય આનંદનો મહાસાગર છે.
આનન્દો બ્રહ્મેતિ વ્યજાનાત્ (તૈત્તિરીય ઉપનિષદ્દ ૩.૬)
“ભગવાનને આનંદ જાણો.”
કેવલાનુભવાનન્દ સ્વરૂપઃ પરમેશ્વરઃ (ભાગવતમ્ ૭.૬.૨૩)
“ભગવાનનું સ્વરૂપ દિવ્ય આનંદથી નિર્મિત છે.”
આનન્દ માત્ર કર, પાદ, મુખોદરાદિ (પદ્મ પુરાણ)
“ભગવાનના હસ્ત, ચરણ, મુખ, ઉદર વગેરે સર્વ આનંદનું બનેલું છે.”
જો આનન્દ સિન્ધુ સુખરાસી (રામાયણ)
“ભગવાન આનંદ અને સુખનો મહાસાગર છે.”
આ સર્વ શાસ્ત્રીય મંત્રો અને શ્લોકો ભારપૂર્વક જણાવે છે કે દિવ્ય આનંદ એ ભગવાનની પ્રકૃતિ છે. જે યોગીઓ તેમના ઇન્દ્રિય, મન અને બુદ્ધિને ભગવદ્દ-પરાયણ કરી દે છે તેમને અંદર સ્થિત ભગવાનનાં આ અનંત આનંદની અનુભૂતિ થવાનો પ્રારંભ થઈ જાય છે.