Bhagavad Gita: Chapter 5, Verse 25

લભન્તે બ્રહ્મનિર્વાણમૃષયઃ ક્ષીણકલ્મષાઃ ।
છિન્નદ્વૈધા યતાત્માનઃ સર્વભૂતહિતે રતાઃ ॥૨૫॥

લભન્તે—પ્રાપ્ત કરે છે; બ્રહ્મ-નિર્વાણમ્—માયિક જીવનથી મુક્તિ; ઋષય:—પવિત્ર ઋષિઓ; ક્ષીણ-કલ્મષા:—જેમનાં પાપ ધોવાઈ ગયા છે; છિન્ન—ઉચ્છેદિત; દ્વૈધા:—દ્વિધાઓ; યત્-આત્મન:—જેમનું મન અનુશાસિત છે; સર્વ-ભૂત—સર્વ જીવંત પ્રાણીઓ માટે; હિતે—કલ્યાણમાં; રતા:—આનંદ પામે છે.

Translation

BG 5.25: તે પવિત્ર ઋષિઓ કે જેમના પાપ ધોવાઈ ગયા છે, જેમના સંશયો નાશ પામ્યા છે, જેમના મન અનુશાસિત છે અને જે સર્વ પ્રાણીઓના કલ્યાણ માટે સમર્પિત છે, તેઓ ભગવાનને પ્રાપ્ત કરે છે અને માયિક જીવનમાંથી મુક્ત થઈ જાય છે.

Commentary

પૂર્વવર્તી શ્લોકમાં શ્રીકૃષ્ણે સાધુઓની એ અવસ્થાનું વર્ણન કર્યું, જેમાં તેઓ તેમના અંત:કરણમાં ભગવદ્-સુખની અનુભૂતિ કરે છે. આ શ્લોકમાં, તેઓ સાધુઓની એ અવસ્થાનું વર્ણન કરે છે જેમાં તેઓ સર્વ પ્રાણીઓના કલ્યાણ માટે વ્યસ્ત હોય છે. રામાયણ કહે છે:

                  પર ઉપકાર બચન મન કાયા, સંત સહજ સુભાઉ ખગરાયા

“કરુણાનું લક્ષણ એ સંતોનો અંતર્ગત સહજ સ્વભાવ છે. તેનાથી પ્રેરિત થઈને, તેઓ તેમના વચન, મન અને શરીરનો ઉપયોગ અન્યના કલ્યાણ અર્થે કરે છે.”

માનવ કલ્યાણ એ પ્રશંસનીય કાર્ય છે. આમ છતાં, જે કલ્યાણકારી યોજનાઓ કેવળ શારીરિક માવજત પૂરતી સીમિત હોય છે, તે અલ્પકાલીન કલ્યાણમાં પરિણમે છે. એક વ્યક્તિ ભૂખી છે; તેને આહાર આપવામાં આવ્યો અને તેની ભૂખની સંતુષ્ટિ થઈ ગઈ. પરંતુ ચાર જ કલાકોમાં તે પુન: ભૂખ્યો થઈ ગયો. આધ્યાત્મિક કલ્યાણ સીધેસીધું સર્વ પ્રકારના માયિક કષ્ટોનાં મૂળ સુધી જાય છે અને આત્માની ભગવદ્-ચેતનાને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કરે છે. તેથી, સર્વશ્રેષ્ઠ કલ્યાણકારી પ્રવૃત્તિ મનુષ્યને તેની ચેતના ભગવાન સાથે એક કરવામાં સહાય કરવાની છે. આ પ્રકારના કલ્યાણકારી કાર્યમાં સિદ્ધ જીવાત્માઓ શુદ્ધ મનથી સંલગ્ન રહે છે. આ પ્રકારની કલ્યાણકારી પ્રવૃત્તિ ભગવાનની કૃપાને આકર્ષિત કરે છે, જે તેમને આ માર્ગ પર અધિક ઉન્નત કરે છે. અંતે, જયારે તેઓ મનની સંપૂર્ણ પવિત્રતા પ્રાપ્ત કરી લે છે અને ભગવદ્ શરણાગતિમાં પૂર્ણતા પ્રાપ્ત કરી લે છે ત્યારે તેઓ મુક્તિ પામીને આધ્યાત્મિક લોક અને દિવ્ય લોકમાં ગમન કરે છે.

આ પ્રમાણે, આ અધ્યાયમાં અહીં સુધી શ્રીકૃષ્ણએ કર્મયોગની પ્રશંસા કરી છે. હવે તેઓ શેષ શ્લોકમાં કર્મ સંન્યાસ અંગે વર્ણન કરીને પ્રગટ કરે છે કે તેઓ પણ આ અંતિમ લક્ષ્યને પ્રાપ્ત કરી શકે છે.