Bhagavad Gita: Chapter 5, Verse 11

કાયેન મનસા બુદ્ધ્યા કેવલૈરિન્દ્રિયૈરપિ ।
યોગિનઃ કર્મ કુર્વન્તિ સઙ્ગં ત્યક્ત્વાત્મશુદ્ધયે ॥૧૧॥

કાયેન—શરીરથી; મનસા—મનથી; બુદ્ધયા—બુદ્ધિથી; કેવલૈ:—કેવળ; ઇન્દ્રિયૈ:—ઇન્દ્રિયોથી; અપિ—પણ; યોગિન:—યોગીઓ; કુર્વન્તિ—કરે છે; સંગમ્—આસક્તિ; ત્યકત્વા—ત્યજીને; આત્મ—આત્માની; શુદ્ધયે—શુદ્ધિ માટે.

Translation

BG 5.11: યોગીજનો અનાસક્ત થઈને શરીર, મન, બુદ્ધિ તથા ઇન્દ્રિયો દ્વારા કેવળ આત્મશુદ્ધિના હેતુ માટે કર્મ કરે છે.

Commentary

યોગીઓ એ સમજે છે કે સુખની પ્રાપ્તિ માટે માયિક કામનાઓનો પીછો કરવો એ રણમાં મૃગજળની પાછળ દોડવા સમાન નિરર્થક છે. આ સત્યને જાણીને તેઓ તેમની સર્વ સ્વાર્થી કામનાઓનો ત્યાગ કરી દે છે તથા તેમના સર્વ કાર્યો એ ભગવાનના સુખ અર્થે કરે છે કે જેઓ એકમાત્ર ભોક્તારં યજ્ઞ તપસામ્ (સર્વ કાર્યોના પરમ ભોક્તા) છે. આ શ્લોકમાં, શ્રીકૃષ્ણ સમર્પણ (સર્વ કાર્યોનું ભગવાનને સમર્પણ) ની વિભાવનાને અલગ શૈલીથી રજૂ કરે છે. તેઓ કહે છે કે પ્રબુદ્ધ યોગીઓ તેમના અંત: કરણની શુદ્ધિના હેતુથી સર્વ કાર્યો કરે છે. તો પછી આ કાર્યો ભગવાનને સમર્પિત છે તેમ કેવી રીતે કહી શકાય?

વાસ્તવમાં ભગવાન આપણી પાસેથી કોઈ વસ્તુની અપેક્ષા રાખતા નથી. જે કંઈ અસ્તિત્વમાન છે તે સર્વના તેઓ પરમ સ્વામી છે તથા સ્વયં સર્વ-સંપન્ન અને સંપૂર્ણ છે. એક નગણ્ય આત્મા સર્વશક્તિમાન ભગવાનને શું સમર્પિત કરી શકે કે જે ભગવાન પાસે ઉપલબ્ધ ન હોય? તેથી, ભગવાનને કંઈ પણ ધરાવતી વખતે આમ બોલવાનો રિવાજ છે: “ત્વદિયં વસ્તુ ગોવિન્દ તુભ્યમેવ સમર્પિતં” “હે ભગવાન! હું તમને તમારી જ વસ્તુ પાછી ધરાવું છું.” સમાન ભાવની અભિવ્યક્તિ કરતાં યમુનાચાર્ય કહે છે:

                                મમ નાથ યદસ્તિ યો ઽસ્મ્યહં

                               સકલલં તદ્ધી તવૈવ માધવ

                               નિયતસ્વમ્ ઇતિ પ્રબુદ્ધધીરથ વા

                              કિં નુ સમર્પયામિ તે (શ્રી સ્તોત્ર રત્ન, ૫૦)

“હે વિષ્ણુ ભગવાન, ભાગ્યદેવીના સ્વામી! જયારે હું અજ્ઞાની હતો ત્યારે હું આપને ઘણી વસ્તુઓ આપવાના મનોરથ કરતો હતો. પરંતુ હવે જયારે મને જ્ઞાન પ્રાપ્ત થયું છે તો મને જ્ઞાત થયું છે કે મારી પાસે જે કંઈ છે, તે તો પહેલાથી સર્વ આપનું જ છે. તો પછી હું આપને શું અર્પિત કરી શકું?”

આમ છતાં, એક પ્રવૃત્તિ છે જે આપણા હાથમાં છે અને ભગવાનના હાથમાં નથી; તે છે આપણા પોતાના હૃદય (મન અને બુદ્ધિ)ની શુદ્ધિ. જયારે આપણે આપણા અંત:કરણને શુદ્ધ કરીને તેને ભગવાનની ભક્તિમાં પરોવી દઈએ છીએ, ત્યારે તે અન્ય કોઈ પણ ચીજ કરતાં ભગવાનને અધિક સુખ અર્પે છે. આ સત્યને જાણીને મહાન યોગીઓ તેમના અંત:કરણની શુદ્ધિને સ્વાર્થપૂર્તિ માટે નહીં, પરંતુ ભગવાનના સુખ માટે પ્રધાન લક્ષ્ય તરીકે સ્થાપિત કરે છે.

આમ, યોગીઓ સમજે છે કે તેઓ ભગવાનને જે સર્વોત્તમ વસ્તુ સમર્પિત કરી શકે છે તે, તેમના પોતાના અંત:કરણની શુદ્ધિ છે અને તેઓ તેની પ્રાપ્તિ માટે કાર્ય કરે છે. રામાયણમાં આ સિદ્ધાંતને વર્ણવતો એક ખૂબ સૂચક પ્રસંગ છે.  ભગવાન રામે લંકાના યુદ્ધ સમયે જયારે સુગ્રીવને થોડોક ભયભીત થયેલો જોયો ત્યારે તેને આ પ્રમાણે સાંત્વના આપી:

                     પિશાચાન્ દાનવાન્ યક્ષાન્ પૃથિવ્યાં ચૈવ રાક્ષસાન્

                    અઙ્ગુગ્રેણ તાન્હન્યા મિચ્છન્ હરી ગણેશ્વરઃ (વાલ્મીકિ રામાયણ)

ભગવાન રામે કહ્યું: “ જો હું, પરમેશ્વર, કેવળ મારા ડાબા હાથની કનિષ્ઠ અંગુલીને સહેજ વાળું,તો રાવણ અને કુંભકર્ણ તો શું, આ જગતનાં સર્વ અસુરોનું મૃત્યુ થઈ જાય.” સુગ્રીવે ઉત્તર આપ્યો: “હે મારા પ્રભુ! જો એમ જ છે તો પછી રાવણનો વધ કરવા માટે આટલી મોટી સેના એકત્રિત કરવાની શું આવશ્યકતા છે?” ભગવાને ઉત્તર આપ્યો: “તે કેવળ તમને સૌને તમારા પોતાના અંત:કરણની શુદ્ધિ અર્થે ભગવદ્-સેવામાં વ્યસ્ત થવાના અવસર પ્રદાન કરવા માટે છે. તેથી એમ ના માનશો કે આ દાનવોનો વિનાશ કરવા મને તમારી સહાયની આવશ્યકતા છે.”

આપણે પ્રાપ્ત કરેલી શુદ્ધિ એ આપણી શાશ્વત સંપત્તિ છે. તે આવતા જન્મમાં આપણી સાથે આવે છે, જયારે અન્ય સર્વ માયિક સંપત્તિ પાછળ છૂટી જાય છે. તેથી, અંતિમ વિશ્લેષણમાં આપણા જીવનની સફળતા અને નિષ્ફળતાનો નિર્ણય અંત:કરણની શુદ્ધિની પ્રાપ્તિ માટે કરેલા પ્રયત્નોની સીમાને આધારે થાય છે. આ દૃષ્ટિકોણને આધારે, ઉન્નત યોગીઓ વિપરીત સંજોગોનું સ્વાગત કરે છે, કારણ કે તેઓ તેમને અંત:કરણની શુદ્ધિના અવસરો તરીકે જોવે છે. સંત કબીરે કહ્યું:

                          નિન્દક નિયરે રાખિયે આંગન કુટી છબાય

                         નિત સાબુન પાની બિના નિર્મલ કરે સુભાય

“જો તમે શીઘ્રતાથી અંત:કરણને શુદ્ધ કરવાની ઈચ્છા ધરાવતા હો તો નિંદકની સંગત વધારો. જયારે તમે તેમના કટુવચનો સહન કરશો ત્યારે તમારું હૃદય સાબુ અને જળ વિના શુદ્ધ થઈ જશે.” આમ, જયારે અંત:કરણની શુદ્ધિ એ કર્મોનો પ્રધાન ઉદ્દેશ્ય બની જાય છે ત્યારે પ્રતિકૂળ પરિસ્થિતિઓનું સ્વાગત આત્મ-ઉત્થાન અર્થે ભગવાન-પ્રદત્ત અવસરના રૂપમાં કરવામાં આવે છે. પરિણામે મનુષ્ય સફળતા અને નિષ્ફળતા બંને પ્રત્યે સમભાવ રહે છે. ભગવાનના સુખાર્થે કર્મ કરવાથી અંત:કરણ શુદ્ધ થાય છે અને અંત:કરણ શુદ્ધ થવાથી આપણે સહજતાથી આપણા સર્વ કર્મના ફળો ભગવાનને સમર્પિત કરીએ છીએ.