યોગયુક્તો વિશુદ્ધાત્મા વિજિતાત્મા જિતેન્દ્રિયઃ ।
સર્વભૂતાત્મભૂતાત્મા કુર્વન્નપિ ન લિપ્યતે ॥૭॥
યોગ-યુક્ત:—ભગવદ્-ચેતનાથી યુક્ત; વિશુદ્ધ-આત્મા—શુદ્ધ બુદ્ધિ યુક્ત; વિજિત-આત્મા—જેણે મન પર વિજય પ્રાપ્ત કર્યો છે; જિત-ઇન્દ્રિય:—ઇન્દ્રિયોને જીતનારો; સર્વભૂત-આત્મ-ભૂત-આત્મા—જે આત્માઓનાં આત્માનું સર્વ પ્રાણીઓમાં દર્શન કરે છે; કુર્વન્—પાલન; અપિ—છતાં; ન—કદી નહીં; લિપ્યતે—લિપ્ત થાય છે.
Translation
BG 5.7: જે વિશુદ્ધ ચિત્ત ધરાવે છે અને જે મન તથા ઇન્દ્રિયોને વશમાં રાખે છે, એવા કર્મયોગીઓ સર્વ આત્માઓનાં આત્માનું સર્વ પ્રાણીઓમાં દર્શન કરે છે. એવો મનુષ્ય સર્વ પ્રકારના કર્મોનું પાલન કરતો હોવા છતાં કદાપિ લિપ્ત થતો નથી.
Commentary
વૈદિક સાહિત્યમાં આત્મા શબ્દનો ઉપયોગ અનેક પ્રકારે થયો છે: ભગવાન માટે, આત્મા માટે, મન માટે અને બુદ્ધિ માટે. આ શ્લોક આ સર્વ પ્રકારના ઉપયોગનું પ્રતિક છે. શ્રીકૃષ્ણ કર્મયોગીને યોગયુક્ત (ભગવદ્-ચેતના યુક્ત) તરીકે વર્ણવે છે. તેઓ કહે છે કે આવા ઉદાત્ત આત્માના ત્રણ લક્ષણો છે: ૧. વિશુદ્ધાત્મા: વિશુદ્ધ બુદ્ધિ ધરાવનાર, ૨. વિજિતાત્મા: જેણે મન પર વિજય પ્રાપ્ત કર્યો છે, અને ૩. જિતેન્દ્રિય: જેણે ઇન્દ્રિયોને વશમાં કરી લીધી છે.
આવો વિશુદ્ધ બુદ્ધિ ધરાવતો કર્મયોગી, સર્વ પ્રાણીઓમાં ભગવાનનું દર્શન કરે છે અને પ્રત્યેક પ્રાણી સાથે આસક્ત થયા વિના સમ્માન-પૂર્ણ વ્યવહાર કરે છે. તેઓના કર્મ સ્વ-સુખની કામનાથી પ્રેરિત ન હોવાના કારણે તેમનું જ્ઞાન ઉત્તરોત્તર પારદર્શક થઈ જાય છે. કામનાઓ સમાપ્ત થઈ જવાના કારણે ઇન્દ્રિય, મન તથા બુદ્ધિ જે ઇન્દ્રિયોના સુખાર્થે લાલાયિત હતાં તે નિયંત્રણમાં આવી જાય છે. આ સાધનો હવે ભગવદ્-સેવાર્થે તત્પર રહે છે. આવી ભક્તિયુક્ત સેવા આંતરિક રીતે અનુભૂતાત્મક જ્ઞાન તરફ દોરી જાય છે. આ પ્રમાણે, કર્મયોગ પ્રાકૃતિક રીતે આત્મજ્ઞાનનાં વિવિધ સોપાનો સરળતાથી પ્રાપ્ત કરાવે છે અને તેથી તે કર્મ સંન્યાસથી ભિન્ન નથી.