Bhagavad Gita: Chapter 5, Verse 24

યોઽન્તઃસુખોઽન્તરારામસ્તથાન્તર્જ્યોતિરેવ યઃ ।
સ યોગી બ્રહ્મનિર્વાણં બ્રહ્મભૂતોઽધિગચ્છતિ ॥૨૪॥

ય:—જે; અન્ત:-સુખ:—અંદરથી સુખી; અન્ત:-આરામ:—અંદર રમણ કરનારો; તથા—અને; અન્ત:-જ્યોતિ:—અંદરના પ્રકાશથી પ્રકાશિત; એવ—નિશ્ચિત; ય:—જે; સ:—તે; યોગી—યોગી; બ્રહ્મ-નિર્વાણમ્—ભૌતિક જીવનથી મુક્તિ; બ્રહ્મ-ભૂત:—ભગવાન સાથે એક થઈને; અધિગચ્છતિ—પ્રાપ્ત કરે છે.

Translation

BG 5.24: જે લોકો તેમના અંતરમાં સુખી છે, ભગવાનના આનંદનું અંતરમાં આસ્વાદન કરે છે; અને અંતરજ્યોતિથી પ્રકાશિત છે, તેવા યોગીઓ ભગવાન સાથે ઐક્ય સાધે છે અને માયિક જીવનમાંથી મુક્ત થઈ જાય છે.

Commentary

“અંતર-જ્યોતિ” એ દિવ્ય જ્ઞાન છે, જે આપણે ભગવાનને શરણાગત થઈએ છીએ ત્યારે અનુભૂતિના સ્વરૂપમાં ભગવદ્-કૃપા દ્વારા પ્રકટ થાય છે. યોગદર્શન કહે છે:

                               ઋતમ્ભરા તત્ર પ્રજ્ઞા  (૧.૪૮)

સમાધિની અવસ્થામાં વ્યક્તિની બુદ્ધિ પરમ સત્યની અનુભૂતિથી તૃપ્ત થઈ જાય છે.

અર્જુનને કામ અને ક્રોધના આવેગો સામે ટક્કર ઝીલવાની આવશ્યકતા અંગે ઉપદેશ આપીને, શ્રીકૃષ્ણ તેના અભ્યાસ માટેના ગોપનીય સાધનો પ્રગટ કરે છે. યોઽન્ત: સુખો  અર્થાત્ “એ વ્યક્તિ જે આંતરિક રીતે પ્રસન્ન છે.” એક પ્રકારની પ્રસન્નતા એ છે, જે આપણે બાહ્ય પદાર્થોમાંથી પ્રાપ્ત કરીએ છીએ અને અન્ય પ્રકારની પ્રસન્નતા એ છે, જે આપણે મનને ભગવાનમાં તલ્લીન કરી દઈએ છીએ ત્યારે અંદરથી અનુભવીએ છીએ. જો આપણને આંતરિક પ્રસન્નતાનો અનુભવ થશે નહીં, તો આપણે બાહ્ય પ્રલોભનોનો સદા માટે પ્રતિકાર કરી શકીશું નહીં. પરંતુ જયારે ભગવદ્-આનંદ અંત:કરણમાં પ્રવાહિત થવા લાગે છે ત્યારે તેની તુલનામાં બાહ્ય ક્ષણભંગુર સુખો તુચ્છ લાગવા માંડે છે અને તેનો સરળતાથી ત્યાગ કરી શકાય છે.

સંત યમુનાચાર્ય કહે છે:

                             યદાવધિ મમ ચેતઃ કૃષ્ણ-પદારવિન્દે

                            નવ-નવ-રસ-ધામનુદ્યત રન્તુમ્ આસીત્

                           તદાવધિ બત નારી-સઙ્ગમે સ્મર્યમાને

                          ભવતિ મુખ-વિકારઃ સુષ્ટુ નિષ્ઠીવનં ચ

“જ્યારથી મેં શ્રીકૃષ્ણના ચરણ-કમળનું ધ્યાન કરવાનો પ્રારંભ કર્યો છે, ત્યારથી હું નિત્ય-વર્ધમાન આનંદની અનુભૂતિ કરી રહ્યો છું. ભૂલથી પણ સંભોગના સુખનો વિચાર મારા મનમાં પ્રવેશે છે, તો હું એ વિચારને થૂંકીને અરુચિથી મારા અધરને મરોડી દઉં છું.”