Bhagavad Gita: Chapter 5, Verse 1

અર્જુન ઉવાચ ।
સંન્યાસં કર્મણાં કૃષ્ણ પુનર્યોગં ચ શંસસિ ।
યચ્છ્રેય એતયોરેકં તન્મે બ્રૂહિ સુનિશ્ચિતમ્ ॥૧॥

અર્જુન ઉવાચ—અર્જુને કહ્યું; સંન્યાસમ્—સંન્યાસ; કર્મણામ્—સર્વ કર્મોના; કૃષ્ણ—હે શ્રીકૃષ્ણ; પુન:—ફરી; યોગમ્—કર્મયોગ; ચ—પણ; શંસસિ—પ્રશંસા કરો છો; યત્—જે; શ્રેય:—અધિક કલ્યાણકારી; એતયો:—આ બંનેમાં; એકમ્—એક; તત્—તે; મે—મારે માટે; બ્રૂહિ—કૃપા કરી કહો; સુ-નિશ્ચિતમ્—નિશ્ચિતપણે.

Translation

BG 5.1: અર્જુને કહ્યું: હે શ્રીકૃષ્ણ! તમે કર્મ સંન્યાસ (કર્મ ત્યાગનો માર્ગ)ની પ્રશંસા કરી અને તમે કર્મયોગ (ભક્તિયુક્ત કર્મ)નો પણ ઉપદેશ આપ્યો. કૃપા કરીને નિશ્ચિતપણે મને કહો કે આ બંનેમાંથી અધિક શ્રેયકર કયો માર્ગ છે?

Commentary

આ અર્જુનના સોળ પ્રશ્નોમાંથી પાંચમો પ્રશ્ન છે. શ્રીકૃષ્ણ કર્મોના ત્યાગ અને ભક્તિયુક્ત કર્મ બંનેની પ્રશંસા કરે છે. અર્જુન આ સંદિગ્ધ લાગતા ઉપદેશને કારણે મૂંઝવણ અનુભવે છે અને આ બંનેમાંથી તેના માટે કયો માર્ગ અધિક શ્રેયકર છે, તે સમજવાની ઈચ્છા ધરાવે છે. આ પ્રશ્નના સંદર્ભની સમીક્ષા કરી લઈએ.

પ્રથમ અધ્યાયમાં અર્જુનના દુ:ખની પ્રકૃતિનું વર્ણન કરવામાં આવ્યું અને શ્રીકૃષ્ણ માટે તેને આનુષંગિક આધ્યાત્મિક જ્ઞાનનો પ્રારંભ કરવા ઉચિત પરિસ્થિતિનું નિર્માણ થયું. દ્વિતીય અધ્યાયમાં, શ્રીકૃષ્ણે અર્જુન સમક્ષ ‘સ્વ’નું વિજ્ઞાન પ્રગટ કર્યું અને સમજાવ્યું કે આત્મા અવિનાશી હોવાથી યુદ્ધમાં કોઈનું મૃત્યુ થતું નથી. અત: તે અંગે શોક કરવો એ મૂર્ખતા છે. પશ્ચાત્ તેઓ અર્જુનને સ્મરણ કરાવે છે કે યોદ્ધા તરીકે તેનું કર્મ (સામાજિક કર્તવ્ય) છે કે તે યુદ્ધમાં ધર્મના પક્ષે રહીને યુદ્ધ કરે. પરંતુ, કર્મ મનુષ્યને ફળના બંધનમાં બાંધે છે, તેથી શ્રીકૃષ્ણ અર્જુનને તેના કર્મનાં ફળો ભગવાનને સમર્પિત કરવા પ્રોત્સાહિત કરે છે. તેથી તેના કર્મો ‘કર્મ યોગ’ અર્થાત્ ‘કર્મ દ્વારા ભગવાન સાથેનું જોડાણ’ બની જશે.

તૃતીય અધ્યાયમાં પૂર્ણ પુરુષોત્તમ ભગવાને કહ્યું કે પોતાના કર્તવ્યનું પાલન કરવું એ મનુષ્ય માટે આવશ્યક છે, કારણ કે તે મનને શુદ્ધ કરવામાં સહાય કરે છે. પરંતુ તેઓએ એમ પણ કહ્યું કે જે વ્યક્તિએ અંત:કરણને શુદ્ધ કરી લીધું છે, તેના માટે કોઈપણ સામાજિક કર્તવ્યનું પાલન કરવું આવશ્યક હોતું નથી. (શ્લોક ૩.૧૩)

ચતુર્થ અધ્યાયમાં પરમાત્માએ વિવિધ પ્રકારના યજ્ઞો (ભગવાનના સુખ માટે કરવામાં આવેલા કર્મો)નું વર્ણન કર્યું. તેમણે નિષ્કર્ષ આપતા કહ્યું કે જ્ઞાનયુક્ત યજ્ઞ દ્રવ્યાત્મક કર્મકાંડી યજ્ઞ કરતાં અધિક શ્રેષ્ઠ છે. તેમણે એ પણ કહ્યું કે સર્વ યજ્ઞોનો અંત મનુષ્યના ભગવાન સાથેના સંબંધ અંગેના જ્ઞાનમાં પરિણમે છે. અંતે, શ્લોક ૪.૪૧માં તેમણે કર્મ સંન્યાસનો સિદ્ધાંત પ્રસ્તુત કર્યો, જેમાં કર્મકાંડી અનુષ્ઠાનો તેમજ સામાજિક કર્તવ્યોનો ત્યાગ કરીને મનુષ્ય તન, મન અને આત્માથી ભક્તિ-સેવામાં પરોવાય છે.

આ ઉપદેશો અર્જુનને વ્યાકુળ કરી દે છે. તે માને છે કે કર્મ સંન્યાસ તેમજ કર્મયોગ બંને વિપરીત પ્રકૃતિ ધરાવે છે અને તે બંનેનું એકસાથે પાલન કરવું સંભવ નથી. તેથી, તે શ્રીકૃષ્ણ સમક્ષ સંશય વ્યક્ત કરે છે.