Bhagavad Gita: Chapter 5, Verse 17

તદ્બુદ્ધયસ્તદાત્માનસ્તન્નિષ્ઠાસ્તત્પરાયણાઃ ।
ગચ્છન્ત્યપુનરાવૃત્તિં જ્ઞાનનિર્ધૂતકલ્મષાઃ ॥૧૭॥

તત્-બુદ્ધય:—ભગવદ્-પરાયણ બુદ્ધિવાળા; તત્-આત્માન:—જેમનું હૃદય (મન ને બુદ્ધિ) સંપૂર્ણ રીતે ભગવદ્ મય હોય છે તેઓ; તત્-નિષ્ઠા:—જેમની શ્રદ્ધા ભગવાનમાં દૃઢ થયેલી હોય છે; તત્-પરાયણા:—જેઓ ભગવાનને પરમ લક્ષ્ય અને કેવળ આશ્રય તરીકે પામવા પ્રયાસ કરે છે; ગચ્છન્તિ—જાય છે; અપુન:-આવૃત્તિમ્—પાછો ફરતો નથી; જ્ઞાન—જ્ઞાન દ્વારા; નિર્ધૂત—નિવારણ થવું; કલ્મષા:—દોષ.

Translation

BG 5.17: તેઓ જેમની બુદ્ધિ ભગવાનમાં દૃઢ થયેલી છે, જેઓ ભગવાનમાં પૂર્ણતયા તલ્લીન રહે છે, જેઓ સંપૂર્ણ રીતે ભગવાનમાં દૃઢ શ્રદ્ધા રાખીને તેમને પરમ લક્ષ્ય માનીને ભગવદ્-મય થઈ જાય છે, તેવા મનુષ્યો શીઘ્રતાથી એ અવસ્થાએ પહોંચી જાય છે કે જ્યાંથી પુન: પાછા ફરવું પડતું નથી. તેમનું અજ્ઞાન જ્ઞાનના પ્રકાશથી નષ્ટ થઈ જાય છે.

Commentary

જે પ્રમાણે અજ્ઞાન સંસારમાં કષ્ટનું કારણ છે અથવા તો જન્મ અને મરણના નિરંતર ચક્રનું કારણ છે, તે જ પ્રમાણે જ્ઞાનમાં એ શક્તિ રહેલી છે કે તે મનુષ્યને માયાના બંધનમાંથી મુક્ત કરી શકે. આવું જ્ઞાન સદૈવ ભગવદ્-ભક્તિથી યુક્ત હોય છે. આ શ્લોકમાં સંપૂર્ણ ભગવદ્-ચેતના માટે અર્થસૂચક શબ્દોનો ભારપૂર્વક ઉપયોગ થયો છે.

તદ્દબુદ્ધય: અર્થાત્ બુદ્ધિ ભગવદ્ પરાયણ છે.

તદ્દઆત્માન: અર્થાત્ અંત:કરણ (મન અને બુદ્ધિ) સંપૂર્ણપણે ભગવદ્-મય છે.

તન્નિષ્ઠા: અર્થાત્ બુદ્ધિને ભગવાનમાં દૃઢ શ્રદ્ધા છે.

તત્-પરાયણ: અર્થાત્ ભગવાનને પરમ લક્ષ્ય અને એકમાત્ર આશ્રય માનીને પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરવો.

આમ, વાસ્તવિક જ્ઞાનની એ નિશાની છે કે તે ભગવાન તરફ દોરી જાય છે. આવા પ્રેમથી પરિપ્લાવિત થઈને ભક્ત સર્વત્ર ભગવાનનું દર્શન કરે છે.