Bhagavad Gita: Chapter 5, Verse 5

યત્સાઙ્ખ્યૈઃ પ્રાપ્યતે સ્થાનં તદ્યોગૈરપિ ગમ્યતે ।
એકં સાઙ્ખ્યં ચ યોગં ચ યઃ પશ્યતિ સ પશ્યતિ ॥૫॥

યત્—જે; સાંખ્યૈ:—કર્મયોગના અભ્યાસ દ્વારા; પ્રાપ્યતે—પ્રાપ્ત કરાય છે; સ્થાનમ્—સ્થાન; તત્—તે; યોગૈ:—ભક્તિયુક્ત કર્મ દ્વારા; અપિ—પણ; ગમ્યતે—પ્રાપ્ત થાય છે; એકમ્—એક; સાંખ્યમ્—કર્મોનો પરિત્યાગ; ચ—અને; યોગમ્—કર્મયોગ; ચ—અને; ય:—જેને; પશ્યન્તિ—જોવે છે; સ:—તે; પશ્યતિ—વાસ્તવમાં જોવે છે.

Translation

BG 5.5: જે પરમ અવસ્થા કર્મ સંન્યાસની સાધના દ્વારા પ્રાપ્ત થાય છે, તે ભક્તિયુક્ત કર્મ દ્વારા પણ પ્રાપ્ત થાય છે. તેથી, જેઓ કર્મ સંન્યાસ અને કર્મયોગને એકસમાન જોવે છે, તે વાસ્તવમાં વસ્તુને તેના યથાવત્ રૂપે જોવે છે.

Commentary

આધ્યાત્મિક સાધનામાં મનોવૃત્તિ જ પ્રમુખ હોય છે, બાહ્ય પ્રવૃત્તિઓ નહીં. કોઈ તનથી પવિત્ર ધામ વૃન્દાવનમાં નિવાસ કરતું હોય પરંતુ જો મન કલકત્તામાં રસગુલ્લા ખાવાનું ચિંતન કરતું હોય તો એવું માની લેવાશે કે તે કલકત્તામાં જ છે. તેનાથી વિપરીત, જો વ્યક્તિ કલકત્તાના ઘોંઘાટ વચ્ચે રહીને મનને વૃંદાવનના દિવ્ય ધામ તલ્લીન રાખે તો તે ત્યાં નિવાસ કરવાનું ફળ પ્રાપ્ત કરે છે. સર્વ વૈદિક શાસ્ત્રો કહે છે કે આપણી ચેતનાનું સ્તર આપણા મનની અવસ્થા પરથી નિશ્ચિત થાય છે.

                        મન એવ મનુષ્યાણાં કારણં બન્ધ મોક્ષયોઃ (પંચદશી)

“મન જ બંધનનું કારણ છે અને મન જ મોક્ષનું કારણ છે.” જગદ્ગુરુ શ્રી કૃપાળુજી મહારાજ આ જ સિદ્ધાંત પ્રસ્તુત કરે છે:

                   બંધન ઔર મોક્ષ કા, કારણ મનહિ બખાન

                 યાતે કૌનિઉ ભક્તિ કરુ, કરુ મન તે હરિધ્યાન (ભક્તિ શતક દોહા ૧૯)

“બંધન અને મોક્ષ મનની અવસ્થા પર આધારિત છે. તમે ભક્તિનું જે પણ સ્વરૂપ પસંદ કરો, મનને હરિ-ધ્યાનમાં તલ્લીન રાખો.”