Bhagavad Gita: Chapter 5, Verse 20

ન પ્રહૃષ્યેત્પ્રિયં પ્રાપ્ય નોદ્વિજેત્પ્રાપ્ય ચાપ્રિયમ્ ।
સ્થિરબુદ્ધિરસમ્મૂઢો બ્રહ્મવિદ્ બ્રહ્મણિ સ્થિતઃ ॥૨૦॥

ન—કદી નહીં; પ્રહ્રષ્યતે—હર્ષ પામે છે; પ્રિયમ્—મનગમતું; પ્રાપ્ય—પામીને; ન—નહીં; ઉદ્વિજેત્—ઉદ્વેગ પામે છે; પ્રાપ્ય—પામીને; ચ—પણ; અપ્રિયમ્—અપ્રિય; સ્થિર-બુદ્ધિ:—સ્થિર બુદ્ધિ; અસંમૂઢ:—દૃઢતાથી સ્થિત; બ્રહ્મ-વિત્—દિવ્ય જ્ઞાનની દૃઢ સમજ; બ્રહ્મણિ—ભગવાનમાં; સ્થિત:—સ્થિત.

Translation

BG 5.20: ભગવાનમાં સ્થિત, દિવ્ય જ્ઞાનની દૃઢ સમજણ પ્રાપ્ત કરીને તથા મોહથી પ્રભાવિત થયા વિના, તેઓ ન તો સુખદ વસ્તુની પ્રાપ્તિથી હર્ષ અનુભવે છે કે ન તો દુ:ખદ અનુભવનો શોક કરે છે.

Commentary

આ શ્લોકનો વિભાગ—ન તો સુખમાં હર્ષ અનુભવે છે કે દુઃખમાં શોક કરે છે—એ બૌદ્ધ ધર્મની ધ્યાન વિધિ વિપશ્યનાનો ઉત્તમ આદર્શ છે. સ્પષ્ટતા અને પરિશુદ્ધતાની અવસ્થાએ પહોંચવા માટે હાથ ધરાતું આ કઠિન પ્રશિક્ષણ અંતે તો સમભાવ અને સ્વ-કામનાનું દમન કરવા તરફ જ અગ્રેસર કરે છે. જો કે, જયારે આપણે આપણી કામનાઓને ભગવાનને સમર્પિત કરી દઈએ છીએ ત્યારે આ સમાન અવસ્થા સુધી ભગવદ્-ભક્તિથી સહજ રીતે પહોંચી શકાય છે. શ્લોક ૫.૧૭ અનુસાર, જયારે આપણે આપણી ઈચ્છાઓને ભગવાનની ઈચ્છા સાથે એકીકૃત કરી દઈએ છીએ ત્યારે સુખ અને દુઃખ બંનેને તેમની કૃપા માનીને સહર્ષ સ્વીકારી શકીએ છીએ.

એક રોચક કથા આ અભિગમને સુંદર રીતે વર્ણવે છે: એક વખત એક જંગલી ઘોડો ખેતરમાં આવી ચડયો. લોકો તે ખેતરના ખેડૂતને તેના સદનસીબ માટે અભિનંદન  આપવા લાગ્યા. તેણે કહ્યું: “સૌભાગ્ય કે દુર્ભાગ્ય, કોને ખબર? આ બધું તો ભગવાનની ઈચ્છા પર નિર્ભર કરે છે.” થોડા દિવસો પશ્ચાત્, તે ઘોડો જંગલમાં પાછો ભાગી ગયો. ખેડૂતના પડોશીઓએ તેને તેના બદનસીબ માટે દિલાસો આપ્યો. તેણે કહ્યું, “દુર્ભાગ્ય કે સદ્ભાગ્ય, કોણ જાણે છે? આ બધું તો ભગવાનની ઈચ્છા પર નિર્ભર કરે છે.” બીજા થોડા દિવસ વીત્યા અને ઘોડો અન્ય વીસ જંગલી ઘોડાઓ સાથે પાછો આવ્યો. પુન: લોકો ખેડૂતને તેના સદનસીબ માટે અભિનંદન આપવા લાગ્યા. તેણે ડહાપણથી કહ્યું, “સદ્ભાગ્ય કે દુર્ભાગ્ય શું છે? આ તો ભગવાનની ઈચ્છા છે.” થોડા દિવસો પશ્ચાત્ ઘોડા પર સવારી કરતાં ખેડૂતના પુત્રનો પગ ભાંગી ગયો. પડોશીઓ આવ્યા અને શોક વ્યક્ત કર્યો. ખેડૂતે પ્રતિક્રિયા આપતાં કહ્યું, “સુખ કે દુઃખ એ કેવળ ભગવાનની ઈચ્છા છે.”  અન્ય કેટલાક દિવસો પશ્ચાત્ રાજાના સૈનિકો અચાનક શરૂ થયેલા યુદ્ધ માટે નવયુવકોને સેનામાં ભરતી કરવા માટે આવ્યા. પાડોશના બધા નવયુવકોને સેનામાં ભરતી કરી દેવામાં આવ્યા પરંતુ ખેડૂતના પુત્રને છોડી દેવામાં આવ્યો કારણ કે તેનો એક પગ ભાંગેલો હતો.

દિવ્ય જ્ઞાનથી એ સમજણ પ્રાપ્ત થાય છે કે આપણું સ્વહિત ભગવાનને સુખ આપવામાં સમાયેલું છે. તેના કારણે આપણે ભગવદ્-ઈચ્છાને શરણાગત થવા અગ્રેસર થઈએ છીએ. જયારે સ્વેચ્છા દિવ્ય ઈચ્છામાં ભળી જાય છે, ત્યારે મનુષ્યમાં સુખ અને દુઃખને ભગવાનની કૃપા માનીને સહર્ષ સ્વીકાર કરવાની સમતાનો વિકાસ થાય છે. ગુણાતીતતામાં સ્થિત મનુષ્યનું આ લક્ષણ છે.