Bhagavad Gita: Chapter 5, Verse 14

ન કર્તૃત્વં ન કર્માણિ લોકસ્ય સૃજતિ પ્રભુઃ ।
ન કર્મફલસંયોગં સ્વભાવસ્તુ પ્રવર્તતે ॥૧૪॥

ન—નહીં; કર્તૃત્વમ્—કર્તૃત્વાભિમાન; ન—નહીં; કર્માણિ—કર્મો; લોકસ્ય—લોકોના; સૃજતિ—સર્જે છે; પ્રભુ:—ભગવાન; ન—નહીં; કર્મ-ફલ—કર્મોના ફળ; સંયોગમ્—સંબંધ; સ્વભાવ:—પ્રકૃતિ; તુ—પરંતુ; પ્રવર્તતે—કાર્ય કરે છે.

Translation

BG 5.14: ન તો કર્તૃત્વાભિમાન કે ન તો કર્મ કરવાની પ્રકૃતિ ભગવાનમાંથી પ્રાપ્ત થાય છે; ન તો તેઓ કર્મોના ફળનું સર્જન કરે છે. આ સર્વ માયિક પ્રકૃતિના ગુણો દ્વારા કાર્ય કરે છે.

Commentary

આ શ્લોકમાં, પ્રભુ શબ્દનો ઉપયોગ ભગવાન માટે, તેઓ આ વિશ્વના સ્વામી છે એ દર્શાવવા થયો છે. તેઓ સર્વ-શક્તિમાન પણ છે અને સમગ્ર બ્રહ્માંડના નિયંત્રક છે. યદ્યપિ તેઓ બ્રહ્માંડની પ્રવૃત્તિઓનું સંચાલન કરે છે તથાપિ તેઓ અકર્તા રહે છે. ન તો તેઓ આપણા કર્મોના નિર્દેશક છે કે ન તો તેઓ આપણને અમુક ચોક્કસ સત્કર્મ કે દુષ્કર્મ કરીએ, તે અંગે આદેશ આપે છે. જો તેઓ જ આપણા નિર્દેશક હોત તો ઉચિત કે અનુચિત કર્મો અંગેના ઉપદેશનું વિસ્તૃત વર્ણન કરવાની આવશ્યકતા જ ન રહેત. સર્વ શાસ્ત્રોનું સમાપન ત્રણ લાઘવ પંક્તિ સાથે થઈ જતું હોત: “હે આત્માઓ! હું તમારા સર્વ કર્મોનો નિર્દેશક છું. તેથી તમારે એ સમજવાની આવશ્યકતા નથી કે સત્કર્મ કે દુષ્કર્મ શું છે. હું મારી ઈચ્છા અનુસાર તમારી પાસે કર્મ કરાવીશ.”

એ જ પ્રમાણે, આપણા કર્તૃત્વાભિમાનમાં અટકી જવા માટે પણ ભગવાન ઉત્તરદાયી નથી. જો તેમણે હેતુપૂર્વક કર્તૃત્વાભિમાનનું સર્જન કર્યું હોત તો આપણે પુન: આપણા દુષ્કૃત્યો માટે તેમના પર આરોપ મૂકી શકત. પરંતુ વાસ્તવિકતા એ છે કે જીવાત્મા અજ્ઞાનવશ અભિમાન કરે છે. જો જીવાત્મા આ અજ્ઞાનથી દૂર રહેવાનો નિશ્ચય કરી લે તો ભગવાન તેમની કૃપાથી અજ્ઞાન દૂર કરવામાં સહાય કરે છે.

આમ, કર્તૃત્વભિમાનનો પરિત્યાગ કરવો એ જીવાત્માનું ઉત્તરદાયિત્ત્વ છે. આ શરીરનું નિર્માણ માયાના ત્રણ ગુણોથી થયેલું છે અને સર્વ કર્મો આ ગુણો દ્વારા નિષ્પાદિત થાય છે. પરંતુ, અજ્ઞાનવશ જીવાત્મા શરીર સાથે તાદાત્મ્ય સાધીને કર્મોના કર્તાપણાનાં ભ્રમમાં ઉલઝી જાય છે, જે વાસ્તવમાં માયિક પ્રકૃતિ દ્વારા સંપન્ન થયા હોય છે. (શ્લોક સં. ૩.૨૭)