Bhagavad Gita: Chapter 5, Verse 26

કામક્રોધવિયુક્તાનાં યતીનાં યતચેતસામ્ ।
અભિતો બ્રહ્મનિર્વાણં વર્તતે વિદિતાત્મનામ્ ॥૨૬॥

કામ—કામના; ક્રોધ-ક્રોધ; વિમુક્તાનામ્—મુક્ત મનુષ્યો; યતીનામ્—સંતજનોની; યત-ચેતસામ્—આત્મ-અનુભૂત મનુષ્યો જેણે મનને સંપૂર્ણ સંયમમાં રાખ્યું છે; અભિત:—સર્વ બાજુએથી; બ્રહ્મ—આધ્યાત્મિક; નિર્વાણમ્—માયિક જીવનથી મુક્તિ; વર્તતે—હોય છે; વિદિત-આત્મનામ્—આત્મજ્ઞાનીઓની.

Translation

BG 5.26: જેમણે સતત પ્રયાસો દ્વારા ક્રોધ અને વાસના પર વિજય પ્રાપ્ત કર્યો છે, જેમણે તેમનાં મનને વશ કરી લીધું છે અને આત્મજ્ઞાની છે, તેવા સંન્યાસીઓ આ લોક અને પરલોક બંનેમાં માયા શક્તિના બંધનોથી મુક્ત થઈ જાય છે.

Commentary

શ્લોક ૫.૨માં જણાવ્યા અનુસાર, કર્મયોગ અધિકાંશ લોકો માટે સુરક્ષિત માર્ગ છે અને તેથી જ શ્રીકૃષ્ણ અર્જુનને તેનું અનુસરણ કરવા ભારપૂર્વક ઉપદેશ આપે છે. જો કે, જેઓ આ સંસારથી વાસ્તવિક રીતે વિરક્ત હોય, તેને માટે કર્મ સંન્યાસ પણ ઉચિત માર્ગ છે. તેનો એક લાભ એ છે કે આ માર્ગમાં સંસારી કર્તવ્યો તરફ સમય અને શક્તિનું વિપથન થતું નથી અને વ્યક્તિ પોતાને પૂર્ણપણે આધ્યાત્મિક સાધના માટે સમર્પિત કરી શકે છે. ઈતિહાસમાં આવા અનેક સિદ્ધ કર્મ સંન્યાસીઓ થઈ ગયા છે. શ્રીકૃષ્ણ કહે છે કે આવા વાસ્તવિક કર્મ સંન્યાસીઓ પણ ઝડપી પ્રગતિ કરે છે અને સર્વત્ર શાંતિનો અનુભવ કરે છે. કામ અને ક્રોધના આવેગોથી છૂટકારો મેળવીને તથા મનને નિયંત્રિત કરીને તેઓ આ જન્મમાં તેમજ તત્પશ્ચાત્ પણ પરમ શાંતિ પ્રાપ્ત કરે છે.

આપણને સૌને એક એવી ગેરસમજ હોય છે કે આપણા જીવનમાં શાંતિના અભાવ માટે બાહ્ય સંજોગો કારણભૂત છે અને આપણે એ દિવસની આશા સાથે પ્રતીક્ષા કરીએ છીએ કે જયારે મનની શાંતિ માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાશે. પરંતુ, શાંતિ બાહ્ય પરિસ્થિતિ પર નિર્ભર કરતી નથી; તે શુદ્ધ ઇન્દ્રિયો, મન અને બુદ્ધિની ઉપજ છે. સંન્યાસીઓ તેમના મન અને વિચારોથી આંતરિક દિશામાં વળીને બાહ્ય પરિસ્થિતિઓથી સ્વતંત્ર બની જાય છે અને પોતાની અંદર શાંતિનો મહાસાગર પામી લે છે. પશ્ચાત્, આંતરિક સુવ્યવસ્થિત સંરચના દ્વારા તેઓ સર્વત્ર આવી જ શાંતિનો અનુભવ કરે છે અને તેમાં જ મુક્તિ પામી લે છે.