Bhagavad Gita: Chapter 5, Verse 27-28

સ્પર્શાન્કૃત્વા બહિર્બાહ્યાંશ્ચક્ષુશ્ચૈવાન્તરે ભ્રુવોઃ ।
પ્રાણાપાનૌ સમૌ કૃત્વા નાસાભ્યન્તરચારિણૌ ॥૨૭॥
યતેન્દ્રિયમનોબુદ્ધિર્મુનિર્મોક્ષપરાયણઃ ।
વિગતેચ્છાભયક્રોધો યઃ સદા મુક્ત એવ સઃ ॥૨૮॥

સ્પર્શાન્—સંપર્ક (ઇન્દ્રિયો દ્વારા); કૃત્વા—કરીને; બહિ:—બાહ્ય; બાહ્યાન્—બાહ્ય; ચક્ષુ:—આંખો; ચ—અને; એવ—નિશ્ચિત; અંતરે—વચ્ચે; ભ્રુવો:—ભ્રમરોની; પ્રાણ-અપાનૌ—શ્વાસ અને ઉચ્છવાસ; સમૌ—સમ; કૃત્વા—કરીને; નાસ-અભ્યન્તર—નાસિકાની અંદર; ચારિણોઉં—વિચરણ કરતા; યત—સંયમિત; ઇન્દ્રિય—ઇન્દ્રિય; મન:—મન; બુદ્ધિ:—બુદ્ધિ; મુનિ:—મુનિ; મોક્ષ—મોક્ષ; પરાયણ:—સમર્પિત; વિગત—મુક્ત; ઈચ્છા—ઈચ્છાઓ; ભય—ભય; ક્રોધ:—ક્રોધ; ય:—જે; સદા—સદા; મુક્ત:—મુક્ત થયેલો; એવ—નિશ્ચિત; સ:—તે.

Translation

BG 5.27-28: બાહ્ય ઉપભોગના સર્વ વિચારોને બંધ કરીને, દૃષ્ટિને બે ભ્રમરોની મધ્યે કેન્દ્રિત કરીને, નાસિકામાં શ્વાસ અને ઉચ્છવાસના પ્રવાહને સમ કરીને, અને એ રીતે ઇન્દ્રિય, મન અને બુદ્ધિને નિયંત્રિત કરીને યોગી ઈચ્છા, ભય અને ક્રોધથી સ્વતંત્ર બનીને સદૈવ મુક્ત રહે છે.

Commentary

અધિકાંશ વૈરાગીઓ તેમની સંન્યાસની સાધના સાથે અષ્ટાંગ યોગ કે હઠ યોગ પ્રત્યે વિશેષ અભિરુચિ ધરાવતા હોય છે. તેમની આત્યંતિક વિરક્તિ તેમને ભક્તિના માર્ગ કે જેમાં ભગવાનના નામો, રૂપો, લીલાઓ, અને ધામોનું ધ્યાન કરવું આવશ્યક હોય છે, તે પ્રત્યે અરુચિકર બનાવી દે છે. શ્રીકૃષ્ણ અહીં તપસ્વીઓ જે માર્ગ અપનાવે છે, તેનું વર્ણન કરે છે.

તેઓ કહે છે કે આવા તપસ્વીઓ ઇન્દ્રિય વિષયો પ્રત્યેના વિચારોને તેમનાં દૃષ્ટિ અને શ્વાસને નિયંત્રિત કરીને બંધ કરી દે છે. તેઓ તેમની બે ભ્રમરોની મધ્યે ધ્યાન કેન્દ્રિત કરે છે. જો નેત્રો પૂર્ણ રીતે બંધ હોય તો નિંદ્રા હાવી થઇ શકે છે અને જો તે પૂર્ણરૂપે ખુલ્લાં રહે તો આસપાસના વિષયોથી આકર્ષિત થઇ શકે. આ બંનેની અસરના નિવારણરૂપે તપસ્વીઓ અર્ધ ખુલ્લા નેત્રોથી બે ભ્રમરોની મધ્યે ત્રાટક કરે છે અથવા નાસિકાના અગ્રભાગ ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેઓ પ્રાણ (ઉચ્છવાસ) અને અપાન (શ્વાસ) બંનેને ત્યાં સુધી સમરૂપ કરે છે કે જ્યાં સુધી તે યોગિક સમાધિ બની જાય. આં યોગિક પ્રક્રિયા ઇન્દ્રિય, મન અને બુદ્ધિ પર નિયંત્રણ મેળવવા યોગ્ય બનાવે છે. આવા મનુષ્યો માયા શક્તિમાંથી મુક્તિ પ્રાપ્ત કરવાને તેમનું એકમાત્ર લક્ષ્ય બનાવે છે.

આવી તપસ્વી સાધનાઓ આત્મજ્ઞાન તરફ અગ્રેસર કરે છે, બ્રહ્મજ્ઞાન (ભગવદીય જ્ઞાન) તરફ નહીં.  તેથી, આગલા શ્લોકમાં દર્શાવ્યા પ્રમાણે, સંન્યાસનો માર્ગ પણ ભગવદ્-ભક્તિ દ્વારા પરિપૂર્ણ થાય છે.