Bhagavad Gita: Chapter 7, Verse 5

અપરેયમિતસ્ત્વન્યાં પ્રકૃતિં વિદ્ધિ મે પરામ્ ।
જીવભૂતાં મહાબાહો યયેદં ધાર્યતે જગત્ ॥ ૫॥

અપરા—નિકૃષ્ટ; ઈયમ્—આ; ઈત: —આ ઉપરાંત; તુ—પરંતુ; અન્યામ્—અન્ય; પ્રકૃતિમ્—શક્તિ; વિદ્ધિ—જાણ; મે—મારી; પરામ્—ઉત્કૃષ્ટ; જીવ-ભૂતામ્—જીવો; મહા-બાહો—બળવાન ભુજાઓવાળા; યયા—જેના દ્વારા; ઈદમ્—આ; ધાર્યતે—આધાર; જગત—ભૌતિક જગત.

Translation

BG 7.5: આવી ગૌણ મારી અપરા શક્તિ છે. પરંતુ તેનાથી ચડિયાતી, હે મહાભુજાઓવાળા અર્જુન, મારી પરા શક્તિ છે. આ જીવશક્તિ છે, જેમાં શરીરધારી આત્માઓનો સમાવેશ થાય છે જેઓ આ જગતમાં જીવનનો આધાર છે.

Commentary

હવે શ્રીકૃષ્ણ ભૌતિક વિજ્ઞાનના ક્ષેત્રથી પૂર્ણતયા પરે વિષયની ચર્ચા કરે છે. તેઓ સ્પષ્ટ કરે છે કે અગાઉના શ્લોકમાં વર્ણિત આઠ પ્રકારની પ્રકૃતિ એ તેમની ગૌણ અપરા માયિક શક્તિ છે. પરંતુ જે અસ્તિત્ત્વમાં છે, તે આટલું સીમિત નથી. આ ઉપરાંત અધિક શ્રેષ્ઠ આધ્યાત્મિક શક્તિ પણ છે, જે અચેતન પદાર્થોથી પૂર્ણતયા ગુણાતીત છે. આ શક્તિ એ જીવ શક્તિ છે, જે આ જગતમાં સર્વ આત્માઓમાં નિહિત હોય છે.

જીવ અને ભગવાન વચ્ચેના સંબંધનું વર્ણન ભારતનાં અનેક મહાન દાર્શનિકો દ્વારા વિવિધ દૃષ્ટિકોણથી કરવામાં આવ્યું છે. અદ્વૈતવાદી દાર્શનિકો કહે છે:  જીવો બ્રહ્મૈવ નાપર: “આત્મા સ્વયં ભગવાન છે.” પરંતુ આ તર્ક અનેક નિરુત્તર પ્રશ્નો ઉત્પન્ન કરે છે:

૧.ભગવાન સર્વશક્તિમાન છે અને માયા તેમની અનુસેવિકા છે. જો આત્મા ભગવાન છે તો તેના પર માયા કેવી રીતે હાવી થઇ શકે? શું માયા ભગવાન કરતાં પણ અધિક શક્તિશાળી છે?

૨. આપણે સૌ જાણીએ છીએ કે, આત્મા અજ્ઞાનને કારણે પીડાય છે. તેથી, તેને તેના અસ્તિત્વ અને ઉદ્દેશ્ય વિશે પણ ભગવદ્ ગીતા જેવા શાસ્ત્રો અને સંતોનાં પ્રવચનની આવશ્યકતા રહે છે. જે આત્મા પર અજ્ઞાન હાવી થતું હોય તેને ભગવાન કેવી રીતે માની શકાય કે જેઓ સર્વજ્ઞ છે.

૩. આ જગતમાં ભગવાન સર્વત્ર વ્યાપ્ત છે. વેદોમાં આ અંગે અનેક પુનરોક્તિઓ છે. જો આત્મા ભગવાન છે તો આત્મા પણ એક સમયે સર્વત્ર અસ્તિત્વમાન હોવો જોઈએ; તો પછી મૃત્યુ પશ્ચાત્ નર્કમાં કે સ્વર્ગમાં જવાનો પ્રશ્ન જ ક્યાં છે?

૪. આત્માઓ અસંખ્ય છે અને તેઓ સર્વ તેમની વ્યક્તિગત ઓળખાણ ધરાવે છે. પરંતુ ભગવાન એક જ છે. હવે જો આત્મા સ્વયં ભગવાન હોત તો ભગવાન પણ ઘણા બધા હોત.

આ પ્રમાણે આપણે સમજી શકીએ છીએ કે, અદ્વૈતવાદી દાર્શનિકોનો જે દાવો છે કે આત્મા સ્વયં ભગવાન છે તે અર્થહીન છે. બીજી બાજુ, દ્વૈતવાદી દાર્શનિકો કહે છે કે, આત્મા ભગવાનથી પૃથક્ છે. આ મત ઉપરોક્ત કેટલાક પ્રશ્નોનો ઉત્તર સ્પષ્ટ કરે છે પરંતુ આ શ્લોકમાં શ્રીકૃષ્ણ જે કહે છે તેની તુલનામાં આ જ્ઞાન અપૂર્ણ છે. તેઓ કહે છે કે આત્મા એ ભગવાનની આધ્યાત્મિક શક્તિનો અંશ છે.

આ પ્રમાણે, ભગવાન એકમાત્ર પરમ શક્તિમાન છે અને અન્ય સર્વ જે કંઈ અસ્તિત્ત્વમાન છે—આધ્યાત્મિક અને માયિક બંને—તે તેમની વિવિધ ઉત્કૃષ્ટ અને નિકૃષ્ટ શક્તિઓથી રચાયેલું છે.

એક-દેશ-સ્થિતસ્યાગ્નિર્જ્યોત્સના વિસ્તારિણી યથા

પરસ્ય બ્રહ્મણઃ શક્તિસ્તથેદમખિલં જગત્ (વિષ્ણુ પુરાણ ૧.૨૨.૫૩)

“જે પ્રમાણે સૂર્ય એક જ સ્થાને સ્થિત હોય છે પરંતુ તેનો સૂર્યપ્રકાશ સમગ્ર સૌર્ય મંડળમાં વ્યાપ્ત રહે છે, તે જ પ્રમાણે ભગવાન એક જ છે જેઓ તેમની અનંત શક્તિઓથી ત્રણેય લોકમાં વ્યાપ્ત રહે છે.”

ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું:

જીવ-તત્ત્વ — શક્તિ, કૃષ્ણ-તત્ત્વ—શક્તિમાન્

ગીતા-વિષ્ણુપુરાણાદિ તાહાતે પ્રમાણ (ચૈતન્ય ચરિતામૃત, આદિ લીલા, ૭.૧૧૭)

“આત્મા ભગવાનની શક્તિ છે અને ભગવાન પરમ શક્તિમાન છે.”

એકવાર આપણે એ વિભાવનાનો સ્વીકાર કરી લઈએ કે આત્મા એ ભગવાનની શક્તિનું સ્વરૂપ છે, તો સમગ્ર સર્જન અંગેની અદ્વૈતતા બુદ્ધિગ્રાહ્ય બની જાય છે. કોઈપણ શક્તિ એક જ સમયે શક્તિમાનથી સંયુક્ત અને તેનાથી પૃથક્ હોય છે. ઉદાહરણ તરીકે, અગ્નિ અને તેની ગરમી તથા પ્રકાશને પૃથક્ તત્ત્વો માની શકાય છે પરંતુ તેઓનો સમન્વય કરીને તેમને એકસમાન પણ માની શકાય છે. આ પ્રમાણે, આપણે શક્તિ અને શક્તિમાનના પરિપ્રેક્ષ્યથી આત્મા અને ભગવાનને સમાન ગણી શકીએ છીએ પરંતુ આપણે આત્મા અને ભગવાનને ભિન્ન પણ ગણી શકીએ છીએ કારણ કે શક્તિ અને શક્તિમાન એ બે પૃથક્ તત્ત્વો છે.

શ્રીકૃષ્ણના આ તથા અગાઉના શ્લોકના કથનને જગદ્દગુરુ શ્રી કૃપાળુજી મહારાજે અતિ યથાર્થ અને માર્મિક રીતે અભિવ્યક્ત કર્યું છે:

‘જીવુ’ ‘માયા, દુઈ શક્તિ હૈં, શક્તિમાન ભગવાન

શક્તિહિઁ ભેદ અભેદ ભી, શક્તિમાન તે જાન (ભક્તિ શતક દોહા ૪૨)

“આત્મા અને માયા આ બંને ભગવાનની શક્તિ છે. તેથી, તે બંને ભગવાનની સમાન છે અને ભગવાનથી પૃથક્ પણ છે.”

શક્તિ અને શક્તિમાનના ઐક્યની દૃષ્ટિએ સમગ્ર જગત ભગવાનથી અભિન્ન છે. તેથી, એમ કહેવામાં આવ્યું છે કે, સમગ્ર વિશ્વ એ ભગવાનનું વાસ્તવિક સ્વરૂપ છે.

સર્વં ખલ્વિદં બ્રહ્મ (છાંદોગ્ય ઉપનિષદ્દ ૩.૧૪.૧)

“વાસ્તવિક રીતે સર્વ બ્રહ્મ છે.”

ઇશાવાસ્યમિદં સર્વં (ઇશોપનિષદ્દ  ૧)

“સર્વ જે વિશ્વમાં અસ્તિત્ત્વમાન છે, તે ભગવાન છે.”

પુરુષ એવેદં સર્વં (શ્વેતાશ્વર ઉપનિષદ્દ ૩.૧૫)

“જે અસ્તિત્ત્વમાન છે, તે સર્વ પરમ દિવ્ય પરમાત્મા છે.”

વેદના આ સર્વ મંત્રો સૂચવે છે કે આ વિશ્વમાં કેવળ એકમાત્ર ભગવાન જ છે અને અન્ય કંઈ નથી. સાથોસાથ શક્તિ અને શક્તિમાનમાં રહેલા વૈવિધ્યના દૃષ્ટિકોણથી આપણે સમજી શકીએ છીએ કે તે ઐક્યની અંતર્ગત એક વિલક્ષણ વૈવિધ્ય પણ છે. જીવ ભિન્ન છે; માયા ભિન્ન છે; ભગવાન ભિન્ન છે. માયા અચેતન છે, જયારે જીવ ચેતન છે અને ભગવાન એ પરમ ચૈતન્યનો સ્રોત છે, જે જીવ અને માયા બંનેનો આધાર છે. અનેક વૈદિક મંત્રો સૃષ્ટિના ત્રણ તત્ત્વોની ચર્ચા કરે છે:

ક્ષરં પ્રધાનમમૃતાક્ષરં હર:

ક્ષરાત્માનાવિશતે દેવ એક:

તસ્યાભિધ્યાનાદ્દ યોજનાત્ તત્ત્વભાવાદ્દ

ભૂયશ્ચાન્તે વિશ્વમાયાનિવૃત્તિ: (શ્વેતાશ્વર ઉપનિષદ્દ ૧.૧૦)

“ત્રણ તત્ત્વો અસ્તિત્ત્વમાન છે: ૧. માયા, જે નાશવંત છે. ૨. આત્મા, જે અવિનાશી છે. ૩. ભગવાન, જે માયા  અને આત્મા બંનેના નિયંત્રક છે. ભગવાનનું ધ્યાન ધરવાથી, તેમની સાથે તાદાત્મ્ય સાધવાથી અને તેમના જેવા બનવાનો અધિક પ્રયાસ કરવાથી આત્મા સંસારના ભ્રમમાંથી મુક્ત થાય છે.

આપણે જોઈ શકીએ છીએ કે વેદો કેવી રીતે બંને મતો—અદ્વૈત અને દ્વૈત મંત્રો—નું અર્થઘટન કરે છે. જગદ્દગુરુ શ્રી કૃપાળુજી મહારાજ આત્મા અને ભગવાન વચ્ચે એકસાથે જોવા મળતા અકલ્પ્ય ઐક્ય અને ભિન્નતાનું સમર્થન કરે છે.