Bhagavad Gita: Chapter 7, Verse 6

એતદ્યોનીનિ ભૂતાનિ સર્વાણીત્યુપધારય ।
અહં કૃત્સ્નસ્ય જગતઃ પ્રભવઃ પ્રલયસ્તથા ॥ ૬॥

એતત્ યોનીનિ—આ બન્ને શક્તિઓ જેનો સ્ત્રોત છે; ભૂતાનિ—જીવંત પ્રાણીઓ; સર્વાંણિ—સર્વ; ઈતિ—તે; ઉપધારય—જાણ; અહમ્—હું; કૃત્સ્નસ્ય—સમગ્ર; જગત:—સૃષ્ટિ; પ્રભવ:—સ્ત્રોત; પ્રલય:—વિનાશ; તથા—અને.

Translation

BG 7.6: સર્વ જીવંત પ્રાણીઓનો ઉદ્ભવ મારી આ બે શક્તિઓમાંથી થાય છે, તે જાણ. હું સમગ્ર સૃષ્ટિનો સ્રોત છું અને મારામાં જ તે પુન: વિલીન થઈ જાય છે.

Commentary

માયિક ક્ષેત્રનાં દરેક પ્રાણી, આત્મા અને પદાર્થના સંયોગથી અસ્તિત્ત્વમાં આવે છે. પદાર્થ સ્વયં જડ છે; આત્માને શરીરના સ્વરૂપમાં એક વાહકની આવશ્યકતા રહે છે. આ બંને શક્તિઓના સંયોજનથી જીવંત પ્રાણીનો ઉદ્ભવ થાય છે.

ભગવાન આ બંને શક્તિઓનું મૂળ છે; સમગ્ર સૃષ્ટિ તેમનામાંથી પ્રગટ થાય છે. જયારે સૃષ્ટિનું ચક્ર બ્રહ્માના ૧૦૦ વર્ષનાં અંતે પૂર્ણતાના સ્તરે પહોંચે છે, ત્યારે ભગવાન સૃષ્ટિનો વિલય કરી દે છે. સ્થૂળ પાંચ તત્ત્વો સૂક્ષ્મ પાંચ તત્ત્વોમાં વિલીન થાય છે; પાંચ સૂક્ષ્મ તત્ત્વો અહંકારમાં વિલીન થાય છે; અહંકાર મહાનમાં વિલીન થાય છે; મહાન પ્રકૃતિમાં વિલીન થાય છે; પ્રકૃતિ મહા વિષ્ણુના (પરમેશ્વરનું એક સ્વરૂપ) શરીરમાં સ્થિત થાય છે. જે આત્માઓ સૃષ્ટિના ચક્રમાંથી મુક્ત થયા હોતા નથી, તેઓ પણ અપ્રગટ સ્વરૂપે ભગવાનના શરીરમાં નિવાસ કરે છે અને સૃષ્ટિના અન્ય ચક્રની પ્રતીક્ષા કરે છે. જયારે ભગવાન સર્જનનો સંકલ્પ કરે છે, ત્યારે પુન: ચક્રનો પ્રારંભ થાય છે (શ્લોક સં. ૭.૪નાં ભાષ્યમાં વર્ણવ્યા મુજબ) અને વિશ્વ અસ્તિત્વમાં આવે છે. તેથી, ભગવાન સર્વ અસ્તિત્ત્વનો સ્રોત, આધાર અને અંતિમ આશ્રય છે.