Bhagavad Gita: Chapter 7, Verse 7

મત્તઃ પરતરં નાન્યત્કિઞ્ચિદસ્તિ ધનઞ્જય ।
મયિ સર્વમિદં પ્રોતં સૂત્રે મણિગણા ઇવ ॥ ૭॥

મત્ત:—મારાથી પર; પર-તરમ્—શ્રેષ્ઠ; ન—નથી; અન્યત્ કિંઞ્ચિત્—અન્ય કશું; અસ્તિ—છે; ધનંજય—અર્જુન, સંપત્તિનો વિજેતા; મયિ—મારામાં; સર્વમ્—સર્વ; ઈદમ્—જે આપણે જોઈએ છીએ; પ્રોતમ્—ગૂંથેલું; સૂત્રે—દોરામાં; મણિ-ગણા:—મોતીના દાણા; એવ—જેમ.

Translation

BG 7.7: હે અર્જુન, મારાથી શ્રેષ્ઠ અન્ય કંઈ નથી. જેવી રીતે મોતી દોરામાં ગૂંથાયેલાં રહે છે, તેવી રીતે સર્વ મારામાં આશ્રિત છે.

Commentary

શ્રીકૃષ્ણ હવે તેમના સર્વોપરી સ્થાન તથા સર્વ પરના તેમના આધિપત્ય અંગે સમજાવી રહ્યા છે. તેઓ બ્રહ્માંડના સર્જક, નિર્વાહક તેમજ સંહારક છે. તેઓ મૂળ આધાર પણ છે કે જેનામાં સર્વ અસ્તિત્વમાન છે. અહીં સૂત્રમાં ગૂંથાયેલા  મોતીના દાણાની ઉપમા આપવામાં આવી છે. એ જ પ્રમાણે, પ્રત્યેક જીવાત્માને તેમની ઈચ્છા પ્રમાણે કર્મ કરવાનું સ્વાતંત્ર્ય છે પરંતુ તેની સ્વીકૃતિ કેવળ ભગવાન દ્વારા પ્રાપ્ત થાય છે, જે તે સર્વનું સમર્થન કરે છે અને જેમાં તે સર્વ અસ્તિત્વમાન છે. તેથી, શ્વેતાશ્વર ઉપનિષદ્દ કહે છે:

            ન તત્સમશ્ચાભ્યધિકશ્ચ દૃશ્યતે

           પરાસ્ય શક્તિર્વિવિધૈવ શ્રૂયતે (૬.૮)

“ભગવાનની સમકક્ષ કંઈ નથી કે તેમનાથી શ્રેષ્ઠ પણ કંઈ નથી.”

ભગવદ્ ગીતાનો આ શ્લોક એવા ઘણા લોકોના મનના સંદેહનું નિવારણ કરે છે કે જે લોકો એવું માને છે કે શ્રીકૃષ્ણ એ પરમ સત્ય નથી અને તર્ક કરે છે કે એવું કોઈ નિરાકાર તત્ત્વ ચોક્કસ હશે કે જે સ્વયં શ્રીકૃષ્ણનો પણ અંતિમ સ્રોત હશે. પરંતુ આ શ્લોકમાં શ્રીકૃષ્ણ સ્પષ્ટપણે કહે છે કે, જે સાકાર સ્વરૂપમાં શ્રીકૃષ્ણ અર્જુન સમક્ષ ઊભા છે, તે જ શ્રીકૃષ્ણ અંતિમ પરમ સત્ય છે. તેથી, પ્રથમ જન્મેલા બ્રહ્મા પણ શ્રીકૃષ્ણની સ્તુતિ કરે છે:

            ઈશ્વર: પરમ: કૃષ્ણ: સચ્ચિદાનંદ વિગ્રહ:

           અનાદિરાદિર્ ગોવિંદ: સર્વ કારણ કારણમ્ (બ્રહ્મ સંહિતા ૫.૧)

“શ્રીકૃષ્ણ પરમેશ્વર છે, જેઓ સનાતન, સર્વજ્ઞ અને અનંત આનંદ છે. તેઓ આદિ અને અંત રહિત છે, સર્વનું સ્રોત છે અને સર્વ કારણનું કારણ છે.”