Bhagavad Gita: Chapter 7, Verse 3

મનુષ્યાણાં સહસ્રેષુ કશ્ચિદ્યતતિ સિદ્ધયે ।
યતતામપિ સિદ્ધાનાં કશ્ચિન્માં વેત્તિ તત્ત્વતઃ ॥ ૩॥

મનુષ્યાણામ્—મનુષ્યોમાંથી; સહસ્ત્રેષુ—હજારોમાંથી; કશ્ચિત્—કોઈ એક; યતતિ—પ્રયાસ કરે છે; સિદ્ધયે—સિદ્ધિ માટે; યતતામ્—એવી રીતે પ્રયાસો કરનારાઓમાંથી; અપિ—પણ; સિદ્ધાનામ્—સિદ્ધ મનુષ્યોમાંથી; કશ્ચિત્—કોઈ એક; મામ્—મને; વેત્તિ—જાણે છે; તત્ત્વત:—વાસ્તવિક રીતે.

Translation

BG 7.3: સહસ્ર મનુષ્યોમાંથી ભાગ્યે જ કોઈ એક સિદ્ધિ પ્રાપ્ત કરવા પ્રયાસ કરે છે અને સિદ્ધિ પ્રાપ્ત કરનારાઓમાંથી પણ ભાગ્યે જ કોઈ એક જ મને વાસ્તવમાં જાણે છે.

Commentary

આ શ્લોકમાં સિદ્ધિ  શબ્દનો પ્રયોગ સંપૂર્ણતા માટે કરવામાં આવ્યો છે. આ શબ્દમાં અસંખ્ય સૂચિતાર્થો તેમજ અર્થોનો સમાવેશ થાય  છે. અહીં સંસ્કૃત વિષયસૂચિમાંથી સિદ્ધિ શબ્દના કેટલાક અર્થ આપવામા આવ્યા છે: અલૌકિક શક્તિઓની પ્રાપ્તિ, સંસિદ્ધિ, સાફલ્ય, કાર્યપાલન, પરિપૂર્ણતા, સમસ્યાનો ઉકેલ, રસોઈ અથવા તો કોઈ કાર્યની પૂર્ણાહુતિ, રોગનિવારણ, લક્ષ્ય સાધવું, પરિપકવતા, પરમસુખ, દિવ્યાનંદ, અસાધારણ કૌશલ્ય અથવા તો સામર્થ્ય, પૂર્ણતા. શ્રીકૃષ્ણ અધ્યાત્મ માર્ગ પર આ શબ્દનો પ્રયોગ પૂર્ણતાના સંદર્ભમાં કરે છે અને કહે છે, “અર્જુન, અસંખ્ય આત્માઓમાંથી અતિ અલ્પ પ્રમાણમાં લોકો માનવદેહ ધારણ કરે છે. જેમણે માનવદેહ ધારણ કર્યો છે, તેમાંથી કેવળ કેટલાક લોકો જ પૂર્ણતા પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે છે. આવા હજારો સિદ્ધ આત્માઓમાંથી પણ મારી સર્વોપરિતા અને દિવ્ય મહિમાથી પરિચિત હોય એ દુર્લભ છે.”

આધ્યાત્મિક સાધનામાં સિદ્ધિ પ્રાપ્ત કરેલા લોકો પણ શા માટે ભગવાનને વાસ્તવિક રીતે જાણી શકતા નથી? આનું કારણ એ છે કે, ભગવાન પ્રત્યેની પ્રેમ-ભક્તિ વિના તેમને જાણવા કે સમજવા શક્ય નથી. ભક્તિને સંમિલિત કર્યા વિના જે આધ્યાત્મિક સાધકો કર્મ, જ્ઞાન, હઠ યોગ વગેરેની સાધના કરે છે, તેઓ ભગવાનને જાણી શકતા નથી. શ્રીકૃષ્ણ ભગવદ્ ગીતામાં આ સત્યનું પુનરાવર્તન વારંવાર કરે છે:

“યદ્યપિ તેઓ સર્વ-વ્યાપક છે અને સર્વ જીવો તેમનામાં સ્થિત છે, છતાં પણ તેમને કેવળ ભક્તિ દ્વારા જાણી શકાય છે.” ૮.૨૨

“હે અર્જુન, કેવળ અને કેવળ ભક્તિ દ્વારા જ મને મૂળ રૂપમાં જોઈ શકાય છે કે જે રૂપમાં હું તારી સમક્ષ ઊભો છું, અન્ય કોઈપણ સાધન દ્વારા નહિ. એ માર્ગથી તું મને જાણી શકે છે, મારું દિવ્ય દર્શન પણ પ્રાપ્ત કરી શકે છે અને મારા જ્ઞાનના રહસ્યોમાં પ્રવેશ પામી શકે છે.” ૧૧.૫૪

“કેવળ પ્રેમાભક્તિ દ્વારા મનુષ્ય વાસ્તવિક રીતે હું કોણ છું, એ જાણી શકે છે. આ પ્રમાણે ભક્તિ દ્વારા મારું સ્વરૂપ જાણ્યા પશ્ચાત્ વ્યક્તિ મારા દિવ્ય ક્ષેત્રમાં પ્રવેશ પામે છે.” ૧૮.૫૫

આ પ્રમાણે, જે આધ્યાત્મિક સાધકો ભક્તિને તેમની સાધનામાં સમાવિષ્ટ કરતા નથી, તેઓ ભગવાનના સૈદ્ધાંતિક જ્ઞાન પૂરતા સીમિત રહે છે. તેઓ પરમ સત્યનું અનુભવાત્મક જ્ઞાન પ્રાપ્ત કરી શકતા નથી.

અનેક મનુષ્યોમાંથી કોઈ એક તેમને વાસ્તવિક રીતે જાણી શકે છે, એમ કહ્યા પશ્ચાત્ શ્રીકૃષ્ણ હવે તેમની શક્તિનાં માયિક અને આધ્યાત્મિક પરિમાણોના વર્ણન પ્રસ્તુત કરે છે. તેઓ પ્રથમ અપરા પ્રકૃતિનો પરિચય કરાવે છે, કે જે માયિક ઊર્જાનું ક્ષેત્ર છે, જે નિકૃષ્ટ શક્તિ છે અને છતાં ભગવાનની જ શક્તિ છે.