દૈવી હ્યેષા ગુણમયી મમ માયા દુરત્યયા ।
મામેવ યે પ્રપદ્યન્તે માયામેતાં તરન્તિ તે ॥ ૧૪॥
દૈવી—દિવ્ય; હિ—ખરેખર; એષા—આ; ગુણ-મયી—પ્રકૃતિના ત્રણ ગુણોવાળી; મમ—મારી; માયા—ભગવાનની એક શક્તિ, જે ભગવાનના વાસ્તવિક સ્વરૂપને એ જીવાત્માઓથી છુપાવેલું રાખે છે, જેમણે હજી ભગવદ્-પ્રાપ્તિની પાત્રતા મેળવી નથી; દુરત્યયા—પાર કરવી અત્યંત કઠિન; મામ્—મને; એવ—નિશ્ચિત; એ—જે; પ્રપધ્યન્તે—શરણાગત; માયામ્ એતામ્—આ માયા; તરન્તિ—પાર કરે છે; તે—તેઓ.
Translation
BG 7.14: મારી દિવ્ય શક્તિ માયા, જે પ્રકૃતિનાં ત્રણ ગુણોથી બનેલી છે તેને પાર કરવી અતિ દુષ્કર છે. પરંતુ જે લોકો મને શરણાગત થાય છે, તે તેને સરળતાથી પાર કરી જાય છે.”
Commentary
કેટલાક લોકો એવું ઘોષિત કરે છે કે માયિક શક્તિ એ મિથ્યા (અવિદ્યમાન) છે. તેઓ કહે છે કે માયાની અનુભૂતિ કેવળ અજ્ઞાનતાના કારણે થાય છે પરંતુ જો આપણે જ્ઞાનમાં સ્થિત થઈ જઈએ તો માયાનું અસ્તિત્ત્વ સમાપ્ત થઈ જશે. તેઓ દાવો કરે છે કે ભ્રમનું નિવારણ થઈ જશે અને આપણને જ્ઞાન થશે કે આત્મા સ્વયં પરમ વાસ્તવિકતા છે. પરંતુ, ભગવદ્ ગીતાનો આ શ્લોક આ પ્રકારનાં સિદ્ધાંતનો અસ્વીકાર કરે છે. શ્રીકૃષ્ણ કહે છે કે માયા એ ભ્રમ નથી; તે ભગવાનની શક્તિ છે. શ્વેતાશ્વતર ઉપનિષદ્દ પણ વર્ણવે છે:
માયાં તુ પ્રકૃતિં વિદ્યાન્માયિનં તુ મહેશ્વરમ્ (૪.૧૦)
“માયા એ શક્તિ (પ્રકૃતિ) છે, જયારે ભગવાન શક્તિમાન છે.”
રામાયણ કહે છે:
સો દાસી રઘુબીર કી સમુઝેં મિથ્યા સોપી
“કેટલાક લોકો માને છે કે માયા મિથ્યા (અવિદ્યમાન) છે, પરંતુ વાસ્તવમાં તે એ શક્તિ છે, જે ભગવાનની સેવામાં વ્યસ્ત રહે છે.”
અહીં, શ્રીકૃષ્ણ કહે છે કે માયાને પાર કરવી અત્યંત કઠિન છે કારણ કે એ તેમની શક્તિ છે. જો કોઈ માયા પર વિજય પ્રાપ્ત કરી લે તો તેનો અર્થ છે કે તે મનુષ્યે સ્વયં ભગવાન પર વિજય પ્રાપ્ત કરી લીધો. કારણ કે કોઈપણ મનુષ્ય ભગવાનને પરાજિત કરી શકતો નથી. તેથી, કોઈપણ મનુષ્ય માયાને પણ પરાસ્ત કરી શકતો નથી. વળી, મન માયાનું બનેલું હોવાથી કોઈપણ યોગી, જ્ઞાની, તપસ્વી કે કર્મી કેવળ સ્વ-પ્રયત્નો દ્વારા મનને સફળતાપૂર્વક નિયંત્રિત કરી શકતા નથી.
તો અર્જુન પૂછી શકે છે કે, “તો પછી હું કેવી રીતે માયાને પાર કરીશ?” શ્રીકૃષ્ણ આ પ્રશ્નનો ઉત્તર આ શ્લોકની દ્વિતીય પંક્તિમાં આપે છે. તેઓ કહે છે, “અર્જુન, જો તું મને, પરમાત્માને, શરણાગત થઈશ તો મારી કૃપા દ્વારા હું તને માયિક અસ્તિત્વનો મહાસાગર પાર કરાવી દઈશ. હું માયાને સૂચના આપી દઈશ કે આ આત્મા મારો થઇ ગયો છે. મહેરબાની કરીને તેને મુક્ત કરી દે.” જયારે માયિક શક્તિને ભગવાન તરફથી સંકેત મળે છે, ત્યારે તે સરળતાથી એવા જીવાત્માને પોતાના બંધનથી મુક્ત કરી દે છે. માયા કહે છે, “મારું કાર્ય આટલું જ હતું—જીવાત્માને ત્યાં સુધી કષ્ટ આપવું કે જ્યાં સુધી તે હરિ ચરણમાં પહોંચી ન જાય. હવે આ જીવાત્મા ભગવાનને શરણાગત થઈ ગયો છે, તો મારું કાર્ય સમાપ્ત થઈ ગયું છે.”
આ વિષયને જીવનના સામાન્ય ઉદાહરણ દ્વારા સમજો. ધારો કે તમે તમારા મિત્રને મળવાની ઈચ્છાથી તેના ઘરનાં દ્વારે પહોંચો છો. તેના ઘરની બહાર તેણે પાટિયું લટકાવ્યું છે, “કૂતરાથી સાવધાન.” એનો પાળતુ જર્મન શેફર્ડ કૂતરો બગીચામાં ઊભો છે અને પ્રશિક્ષિત ચોકીદારની જેમ ધમકીપૂર્વક તમારી સામે ભસવા લાગે છે. તમે પાછળના દ્વારથી જવાનો નિર્ણય કરો છો. પરંતુ તે અલ્સેશિયન ત્યાં પણ આવી જાય છે અને ઝનૂનથી ઘૂરકવા લાગે છે, જાણે કે તમને ધમકી આપી રહ્યો હોય, “હું જોઉં છું તું કેવી રીતે આ ઘરમાં પ્રવેશ કરે છે!” જયારે તમારી પાસે કોઈ વિકલ્પ બચતો નથી, તો તમે તમારા મિત્રને બોલાવો છે. તે ઘરની બહાર આવે છે અને જોવે છે કે તેનો કૂતરો તમને પજવી રહ્યો છે. તે બૂમ પડે છે, “ના, સ્મોકી! અહીં આવ અને બેસી જા.” હવે તે કૂતરો તુરંત શાંત થઈ જાય છે અને તેના માલિકની પાસે જઈને બેસી જાય છે. હવે તમે નિર્ભય થઈને દ્વાર ખોલીને અંદર પ્રવેશ કરો છે. આ જ પ્રમાણે, માયિક શક્તિ કે જે આપણને પરેશાન કરી રહી છે, તે ભગવાનની દાસી છે. આપણા સ્વ-પ્રયત્નોથી આપણે તેને પાર કરી શકીશું નહીં. તેને પાર કરવાનો માર્ગ છે, ભગવાનને શરણાગત થવું. શ્રીકૃષ્ણ આ શ્લોકમાં આ મુદ્દાને ભારપૂર્વક જણાવે છે. જો આપણે ભગવાનને શરણાગત થઈને આટલી સરળતાથી માયાને પાર કરી શકીએ છીએ તો પછી શા માટે લોકો તેમને શરણાગત થતા નથી? શ્રીકૃષ્ણ આગામી શ્લોકમાં આની સ્પષ્ટતા કરે છે.