Bhagavad Gita: Chapter 7, Verse 10

બીજં માં સર્વભૂતાનાં વિદ્ધિ પાર્થ સનાતનમ્ ।
બુદ્ધિર્બુદ્ધિમતામસ્મિ તેજસ્તેજસ્વિનામહમ્ ॥ ૧૦॥

બીજમ્—બીજ; મામ્—મને; સર્વ-ભૂતાનામ્—સર્વ જીવોનું; વિદ્ધિ—જાણ; પાર્થ—અર્જુન, પૃથા પુત્ર; સનાતનમ્—સનાતન; બુદ્ધિ:—બુદ્ધિ; બુદ્ધિ-મતામ્—બુદ્ધિશાળીઓની; અસ્મિ—(હું) છું; તેજ:—શોભા; તેજસ્વિનામ્—તેજસ્વીઓનું; અહમ્—હું.

Translation

BG 7.10: હે અર્જુન, જાણી લે કે હું સર્વ પ્રાણીઓનું સનાતન બીજ છું. હું બુદ્ધિશાળીઓની બુદ્ધિ છું અને તેજસ્વીઓનું તેજ છું.

Commentary

કારણને તેનાં દ્વારા ઉદ્ભવતી અસરના બીજ તરીકે ઓળખવામાં આવે છે. તેથી, સાગરને વાદળોનું બીજ માની શકાય; વાદળો વર્ષાનું બીજ છે. શ્રીકૃષ્ણ કહે છે કે તેઓ એ બીજ છે કે જેમાંથી સર્વ પ્રાણીઓનું સર્જન થયું છે.

જે કંઈ અસ્તિત્વ ધરાવે છે તે સર્વ ભગવાનની શક્તિનું સ્વરૂપ હોવાથી પ્રતિભાસંપન્ન વ્યક્તિઓમાં પ્રદર્શિત થતી ઉત્તમ વિશેષતાઓ એ સર્વ તેમનામાં ભગવાનની પ્રગટ થતી શક્તિઓ જ છે. બુદ્ધિશાળી વ્યક્તિઓ તેમની તેજસ્વીતાનું પ્રભાવશાળી પ્રમાણ તેમના વિચારો અને સંકલ્પનાઓ દ્વારા અભિવ્યક્ત કરે છે. ભગવાન કહે છે કે તેઓ તે સૂક્ષ્મ શક્તિ છે કે જે તેમના વિચારોને તેજસ્વી અને વિશ્લેષણાત્મક બનાવે છે.

જયારે કોઈ એવી વિશેષ તેજસ્વીતાનું પ્રદર્શન કરે કે જે વિશ્વને સકારાત્મક માર્ગ તરફ દોરી જતી હોય, તો તે ભગવાનની શક્તિ છે કે જે તેમના દ્વારા કાર્ય કરી રહી છે. વિલિયમ શેક્સપિયરે સાહિત્ય જગતમાં એવી વિલક્ષણ પ્રતિભા પ્રદર્શિત કરી કે જે આધુનિક ઈતિહાસમાં અજોડ છે. એ શક્ય છે કે ભગવાને તેની બુદ્ધિને કુશાગ્ર કરી કે જેથી તેનું કાર્ય વિશ્વની મહત્ત્વની ભાષા અંગ્રેજીના સાહિત્યને સમૃદ્ધ કરે. સ્વામી વિવેકાનંદે કહ્યું કે, બ્રિટીશ શાસકોનું કાર્ય વિશ્વને એક ભાષાથી સંગઠિત કરવાનું હતું. બીલ ગેટ્સે વિન્ડો ઓપરેટીંગ સીસ્ટમના વિક્રયમાં એવી પ્રતિભાનું પ્રદર્શન કર્યું કે શેરબજારમાં તેણે ૯૦% જેટલો અધિકાર કબજે કરી લીધો. જો આમ ન થયું હોત અને વિશ્વમાં કોમ્પ્યુટર માટે અનેક ઓપરેટીંગ પ્રણાલીઓ કાર્યાન્વિત હોત તો અતિશય અંધાધૂંધી થઈ જાત, જેમકે વિડીઓ એડીટિંગ માટે  અનેક ફોર્મેટ્સ NTSC, PAL, SECAM વગેરે છે. શક્ય છે કે ભગવાને ઈચ્છા સેવી હોય કે વિશ્વમાં યોગ્ય આંતરક્રિયા માટે એક મુખ્ય ઓપરેટીંગ સીસ્ટમ હોવી જોઈએ અને આ આશયથી તેમણે એક વ્યક્તિની બુદ્ધિને વિચક્ષણ બનાવી દીધી.

અલબત્ત, સંતો સદા તેમના કાર્યના સૌન્દર્ય, તેજસ્વીતા અને જ્ઞાન માટે ઈશ્વર કૃપાનો આભાર માને છે. સંત તુલસીદાસ કહે છે:

            ન મૈં કિયા ન કરી સકૌં, સાહિબ કરતા મોર

           કરત કરાવત આપ હૈં, તુલસી તુલસી શોર

“ન તો મેં રામાયણની રચના કરી છે કે ન તો મારામાં એ રચવાનું સામર્થ્ય છે. ભગવાન મારા કર્તા છે. તેઓ મારા કર્મોનું નિદર્શન કરે છે અને મારા દ્વારા કર્મ કરે છે, પરંતુ સંસાર માને છે કે તુલસીદાસ આ સર્વ કરે છે.” અહીં, શ્રીકૃષ્ણ સ્પષ્ટપણે કહે છે કે તેઓ તેજસ્વીઓની તેજસ્વીતા છે અને બુદ્ધિશાળીઓની બુદ્ધિ છે.