Bhagavad Gita: Chapter 7, Verse 16

ચતુર્વિધા ભજન્તે માં જનાઃ સુકૃતિનોઽર્જુન ।
આર્તો જિજ્ઞાસુરર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ ॥ ૧૬॥

ચતુ:-વિધા:—ચાર પ્રકારના; ભજન્તે—ભજે છે; મામ્—મને; જના:—લોકો; સુ-કૃતિન:—તેઓ જે પવિત્ર છે; અર્જુન—અર્જુન; આર્ત:—સંતપ્ત; જિજ્ઞાસુ:—જ્ઞાન મેળવવા ઉત્સુક; અર્થ-અર્થી—માયિક લાભ મેળવવા ઉત્સુક; જ્ઞાની—તેઓ જે જ્ઞાનમાં સ્થિત છે; ચ—અને; ભરત-ઋષભ—ભરતશ્રેષ્ઠ.

Translation

BG 7.16: હે ભરતશ્રેષ્ઠ, ચાર પ્રકારના પવિત્ર લોકો મારી ભક્તિમાં લીન થાય છે—સંતપ્ત, જિજ્ઞાસુ, સંસારી સંપત્તિના પિપાસુ અને જેઓ જ્ઞાનમાં સ્થિત છે.

Commentary

ચાર પ્રકારના લોકો કે જેઓ ભગવાનને શરણાગત થતા નથી, તેમનું વર્ણન કરીને શ્રીકૃષ્ણ હવે જે તેમનું શરણ ગ્રહણ કરે છે તેવા લોકોને ચાર શ્રેણીઓમાં પ્રસ્તુત કરે છે:

૧. સંતપ્ત. કેટલાક લોકો એવા હોય છે કે જેમનો સંસારી દુઃખોનો ઘડો અતિશય ભરાઈ જાય છે ત્યારે તેઓ એવા નિષ્કર્ષ પર આવે છે કે સંસાર પાછળ દોડવું નિરર્થક છે. તેના કરતાં ભગવાનનું શરણ ગ્રહણ કરવું યોગ્ય છે. એ જ પ્રમાણે, જયારે તેઓ જુએ છે કે સંસારી આધાર તેમની રક્ષા કરવા માટે સમર્થ નથી ત્યારે તેઓ રક્ષણ માટે ભગવાન તરફ વળે છે. દ્રૌપદીની શ્રીકૃષ્ણ પ્રત્યેની શરણાગતિ આ પ્રકારની શરણાગતિનું ઉદાહરણ છે. જયારે કૌરવોની ભરી સભામાં દ્રૌપદીનું વસ્ત્રાહરણ થઈ રહ્યું હતું ત્યારે પ્રથમ તેણે રક્ષણ માટે તેના પતિઓ પર આધાર રાખ્યો. જયારે તેઓ શાંત રહ્યા ત્યારે તેણે સભામાં ઉપસ્થિત પવિત્ર વડીલો—દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, ભીષ્મ અને વિદુર—પર સહાયરૂપ થવાની આશા રાખી. જયારે તેઓ પણ તેની રક્ષા કરવામાં નિષ્ફળ રહ્યા ત્યારે તેણે તેની સાડીનો છેડો દાંતો વચ્ચે જકડી રાખ્યો.  આ અવસ્થા સુધી શ્રીકૃષ્ણ તેને બચાવવા આવ્યા ન હતા. અંતે, જયારે દુ:શાસને એક ઝટકા સાથે તેની સાડી ખેંચી લીધી અને તે તેના દાંતોની પક્કડમાંથી સરકી ગઈ. એ સમયે દ્રૌપદીને રક્ષણ માટે અન્ય કોઈમાં શ્રદ્ધા રહી ન હતી, એટલું જ નહીં, તેને પોતાના બળનો પણ આધાર રહ્યો ન હતો. તે શ્રીકૃષ્ણને સંપૂર્ણ શરણાગત થઈ ગઈ, જેમણે તેને તુરંત રક્ષણ પૂરું પાડયું. તેમણે દ્રૌપદીની સાડીની લંબાઈ વધારીને હસ્તક્ષેપ કર્યો. દુ:શાસન સાડી ખેંચતો જ રહ્યો પરંતુ તે દ્રૌપદીને નિર્વસ્ત્ર કરી શક્યો નહીં.

૨. જ્ઞાનના જિજ્ઞાસુ. કેટલાક લોકો તેમની જ્ઞાનની જિજ્ઞાસાને કારણે ભગવાનનું શરણ ગ્રહણ કરે છે. તેઓએ સાંભળ્યું હોય છે કે અન્ય લોકોને આધ્યાત્મિક ક્ષેત્રમાં દિવ્યાનંદની પ્રાપ્તિ થઈ છે અને આ સાંભળીને તેઓ ખરેખર શું છે, તે જાણવા આતુર હોય છે. તેથી, તેમની જિજ્ઞાસાને તૃપ્ત કરવા તેઓ ભગવાન તરફ વળે છે.

૩. સંસારી સંપત્તિના પિપાસુ. અન્ય પ્રકારના લોકોમાં એ છે જેઓ સ્પષ્ટપણે જાણતા હોય છે કે તેમને શું જોઈએ છીએ પરંતુ તેઓ દૃઢપણે માનતા હોય છે કે તેમને જે જોઈએ છીએ તે કેવળ ભગવાન જ પ્રદાન કરી શકે તેમ છે અને તેથી તેઓ તેમના શરણે જાય છે. ઉદાહરણ તરીકે, ધ્રુવે તેના પિતા ઉત્તાનપાદ કરતાં અધિક શક્તિશાળી બનવાની ઈચ્છાથી ભક્તિનો પ્રારંભ કર્યો હતો. પરંતુ જયારે તેની ભક્તિ પરિપકવ થઈ ગઈ અને અંતે જયારે ભગવાને તેને દર્શન આપ્યાં ત્યારે તેને અનુભૂતિ થઈ કે તે જેની કામના સેવતો હતો તે તો દિવ્ય પ્રેમના અમૂલ્ય રત્નોથી સંપન્ન વ્યક્તિ પાસે તૂટેલા પ્યાલાના ટુકડા માગવા સમાન હતું. પશ્ચાત્ તેણે ભગવાનને શુદ્ધ નિષ્કામ ભક્તિ પ્રદાન કરવા પ્રાર્થના કરી.

૪. તેઓ જે જ્ઞાનમાં સ્થિત છે. અંતે, એવા આત્માઓ છે કે જેમને એ જ્ઞાન પ્રાપ્ત થયું છે કે તેઓ ભગવાનના અતિ સૂક્ષ્મ અંશ છે અને તેમનો સનાતન ધર્મ ભગવાનને પ્રેમ કરવાનો અને તેમની સેવા કરવાનો છે. શ્રીકૃષ્ણ કહે છે કે આ ચતુર્થ પ્રકારના લોકો છે, કે જે ભગવાનની ભક્તિમાં લીન થાય છે.