Bhagavad Gita: Chapter 7, Verse 4

ભૂમિરાપોઽનલો વાયુઃ ખં મનો બુદ્ધિરેવ ચ ।
અહઙ્કાર ઇતીયં મે ભિન્ના પ્રકૃતિરષ્ટધા ॥ ૪॥

ભૂમિ:—પૃથ્વી; આપ:—જળ; અનલ:—અગ્નિ; વાયુ:—વાયુ; ખમ્—આકાશ; મન:—મન; બુદ્ધિ:—બુદ્ધિ; એવ—નિશ્ચિત; ચ—અને; અહંકાર:—અહંકાર; ઇતિ—એમ; ઈયમ્—આ સર્વ; મે—મારી; ભિન્ના—પૃથક; પ્રકૃતિ:—માયિક શક્તિઓ; અષ્ટધા—આઠ પ્રકારની.

Translation

BG 7.4: પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર—આ સર્વ મારી પ્રાકૃત શક્તિના આઠ તત્ત્વો છે.

Commentary

પ્રાકૃત શક્તિ કે જેના દ્વારા આ વિશ્વની રચના થઈ છે, તે અદ્ભુત રીતે જટિલ અને અગાધ છે. તેના વર્ગીકરણ અને શ્રેણીકરણ દ્વારા તેને આપણે આપણી સીમિત બુદ્ધિ માટે થોડીઘણી ગ્રાહ્ય કરી શકીએ છીએ. પરંતુ, આ પ્રત્યેક શ્રેણીઓની અન્ય અસંખ્ય પેટા-શ્રેણીઓ છે. આધુનિક વિજ્ઞાનમાં ઉપયુક્ત વર્ગીકરણની પ્રણાલીમાં પદાર્થને તત્ત્વોના સંયોજનનાં રૂપમાં જોવામાં આવે છે. વર્તમાન સમયમાં ૧૧૮ તત્ત્વો શોધવામાં આવ્યા છે અને તેમનો સામયિક કોષ્ટકમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ભગવદ્ ગીતા તથા સામાન્ય રીતે વૈદિક તત્ત્વજ્ઞાનમાં મૂળભૂત રીતે ભિન્ન-ભિન્ન પ્રકારના વર્ગીકરણોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પદાર્થને પ્રકૃતિ તરીકે અથવા ભગવાનની ઊર્જાના રૂપમાં જોવામાં આવે છે અને આ ઊર્જાના આઠ વિભાગોનો ઉલ્લેખ આ શ્લોકમાં કરવામાં આવ્યો છે. આપણે સમજી શકીએ છીએ કે પાછલી શતાબ્દીના આધુનિક વિજ્ઞાનના પ્રવાહના પ્રકાશમાં આ કેટલું આશ્ચર્યકારક રીતે આંતર્દૃષ્ટિ યુક્ત છે.

૧૯૦૫માં આલ્બર્ટ આઇન્સ્તાઇને તેના એનસ મિરાબિલીસ (Annus Mirabilis papers)માં પ્રથમ વખત સામુદાયિક ઊર્જાની સમકક્ષતાની વિભાવનાનું પ્રતિપાદન કર્યું. તેમણે કહ્યું કે પદાર્થમાં શક્તિમાં રૂપાંતરિત થવાની સંભાવનાને સંખ્યાત્મક રૂપમાં સમીકરણ ઈ=એમસી૨ દ્વારા નિર્ધારિત કરી શકાય છે. આ પ્રકારની સમજૂતીએ પૂર્વેની ન્યુટોનીયનની બ્રહ્માંડની રચના નક્કર પદાર્થોના સંમિશ્રણથી કરવામાં આવી છે, એ વિભાવનાને મૂળભૂત રીતે પરિવર્તિત કરી દીધી. પશ્ચાત્ ૧૯૨૦માં નીલ બોહર તથા અન્ય વૈજ્ઞાનિકોએ પરિમાણ સિદ્ધાંત (quantum theory) પ્રસ્તુત કર્યો; જે પદાર્થની દ્વિ-કણ-તરંગ પ્રકૃતિને એક જથ્થા તરીકે દર્શાવે છે.  ત્યારથી વૈજ્ઞાનિકો એકીકૃત ક્ષેત્ર સિદ્ધાંત અંગે સંશોધન કરી રહ્યા છે, જે બ્રહ્માંડના સર્વ પરિબળો અને પદાર્થોને કેવળ એક ક્ષેત્રની દૃષ્ટિએ સમજવા માટે સંમતિ આપશે.

આધુનિક વિજ્ઞાનના વિકાસ પૂર્વે, ૫૦૦૦ વર્ષ પહેલાં, શ્રીકૃષ્ણે અર્જુન સમક્ષ જે પ્રસ્તુત કર્યું, તે આ એકીકૃત ક્ષેત્ર સિદ્ધાંત સાથે પૂર્ણ રીતે બંધ બેસે છે. તેઓ કહે છે, “અર્જુન, બ્રહ્માંડમાં જે કંઈ અસ્તિત્ત્વ ધરાવે છે, તે મારી પ્રાકૃત શક્તિનું પ્રાગટ્ય છે.” કેવળ એક જ પ્રાકૃત શક્તિ છે; જે આ વિશ્વમાં અસંખ્ય આકાર, સ્વરૂપ અને અસ્તિત્ત્વોમાં પ્રગટ થઈ છે. આ અંગે તૈતરીય ઉપનિષદ્દમાં વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે:

તસ્મદ્વા એતસ્માદાત્મન આકાશ: સંભૂત:. આકાશાદ્વાયુ:. વાયોરગ્રિઃ          અગ્નેરાપ:. અદ્ભ્ય: પૃથ્વીવિ. પૃથિવ્યા ઓષધય:. ઓષધિભયોઽન્નમ.                    અન્નાત્પુરુષઃ. સ વા એષ પુરુષોઽન્નરસમયઃ (૨.૧.૨)

પ્રકૃતિ એ ભૌતિક ઊર્જાનું આદિ સ્વરૂપ છે. જયારે ભગવાન વિશ્વની રચના કરવાની ઈચ્છા કરે છે ત્યારે તેઓ એક દૃષ્ટિપાત કરે છે, જેના દ્વારા તે આંદોલિત થઈને મહાન (વિજ્ઞાન ઊર્જાના આ સૂક્ષ્મ સ્તર સુધી પહોંચી શક્યું નથી, તેથી તેની સમકક્ષ યોગ્ય પર્યાય પ્રાપ્ત નથી.) સ્વરૂપે પ્રગટ થાય છે. મહાનના અધિક પ્રગટીકરણથી જે અન્ય તત્ત્વ અભિવ્યક્ત થાય છે, તે છે અહંકાર. જે પણ વિજ્ઞાનના પરિચિત તત્ત્વો કરતાં સૂક્ષ્મ છે. અહંકારમાંથી પાંચ-તન્માત્રાઓ—સ્વાદ, સ્પર્શ, સુગંધ, દૃશ્ય,અને ધ્વનિ—ની ઉત્પત્તિ થાય છે. તેમનામાંથી પાંચ સ્થૂળ તત્ત્વો—આકાશ, વાયુ, અગ્નિ, જળ,અને પૃથ્વી—ની ઉત્પત્તિ થાય છે.

આ શ્લોકમાં શ્રીકૃષ્ણ તેમની શક્તિના ભિન્ન-ભિન્ન પ્રગટીકરણ તરીકે કેવળ પાંચ સ્થૂળ તત્ત્વોનો જ સમાવેશ કરતા નથી, પરંતુ તેઓ મન, બુદ્ધિ, અને અહંકારને પણ તેમની શક્તિના વિશેષ તત્ત્વો તરીકે સમાવિષ્ટ કરે છે. શ્રીકૃષ્ણ કહે છે કે આ સર્વ કેવળ તેમની પ્રાકૃત શક્તિ, માયા નાં અંગો છે. આનાથી ઉપર છે આત્મા — ભગવાનની ઉચ્ચતર શક્તિ, જે અંગે તેઓ આગામી શ્લોકમાં વર્ણન કરે છે.