Bhagavad Gita: Chapter 7, Verse 21

યો યો યાં યાં તનું ભક્તઃ શ્રદ્ધયાર્ચિતુમિચ્છતિ ।
તસ્ય તસ્યાચલાં શ્રદ્ધાં તામેવ વિદધામ્યહમ્ ॥ ૨૧॥

ય: ય:—જે જે; યામ્ યામ્—જેની જેની; તનુમ્—સ્વરૂપ; ભક્ત:—ભક્ત; શ્રદ્ધયા—શ્રદ્ધાપૂર્વક; અર્ચિતુમ્—પૂજા કરવા; ઈચ્છતિ—ઈચ્છે છે; તસ્ય તસ્ય—તેની તેની; અચલામ્—સ્થિર; શ્રદ્ધામ્—શ્રદ્ધા; તામ્—તેમાં; એવ—નિશ્ચિત; વિદધામિ—આપું છું; અહમ્—હું.

Translation

BG 7.21: દેવતાના જે કોઈપણ સ્વરૂપની ભક્ત શ્રદ્ધાપૂર્વક  આરાધના કરવા ઈચ્છે છે, હું એવા ભક્તની શ્રદ્ધાને તે સ્વરૂપમાં દૃઢ કરું છું.

Commentary

પરમ પુરુષોત્તમ ભગવાનની ભક્તિમાં શ્રદ્ધા હોવી એ શ્રદ્ધાનો સૌથી લાભદાયક પ્રકાર છે, જે વાસ્તવિક જ્ઞાનથી પ્રાપ્ત થાય છે. પરંતુ, જો આપણે સંસારમાં દૃષ્ટિ કરીએ તો આપણને દેવતાઓના અસંખ્ય ભક્તો જોવા મળે છે, જેઓ તેમની ભક્તિમાં દૃઢ અને અવિચળ શ્રદ્ધા સાથે વ્યસ્ત હોય છે. આપણને આશ્ચર્ય થઈ શકે કે આ લોકો આટલી ઉચ્ચ કક્ષાની શ્રદ્ધાનો વિકાસ નિમ્નતર સ્વરૂપની આરાધના દ્વારા કેવી રીતે કરી શકે છે?

શ્રીકૃષ્ણ આ શ્લોકમાં તેનો ઉત્તર આપે છે. તેઓ કહે છે કે, સ્વર્ગીય દેવતાઓ પ્રત્યેની શ્રદ્ધાનું સર્જન પણ તેમના દ્વારા થાય છે. જયારે તેઓ જુએ છે કે લોકો તેમની સાંસારિક કામનાઓની પરિપૂર્તિ માટે દેવતાઓની પૂજા કરવા ઈચ્છે છે ત્યારે તેઓ તેમની શ્રદ્ધાને દૃઢ કરીને તેમની ભક્તિમાં સહાય કરે છે. સ્વર્ગીય દેવતાઓ તેમના ભક્તોમાં શ્રદ્ધા પ્રગટ કરવાનું સામર્થ્ય ધરાવતા નથી. અંદર નિવાસ કરતા પરમાત્મા ભક્તોમાં શ્રદ્ધા પ્રગટ કરે છે. શ્રીકૃષ્ણ શ્લોક નં. ૧૫.૧૫માં જણાવે છે કે, “હું પ્રત્યેક પ્રાણીઓના હૃદયમાં સ્થિત છું અને મારામાંથી સ્મૃતિ, જ્ઞાન અને સમજ  પ્રાપ્ત થાય છે.”

કોઈ એવો પ્રશ્ન કરી શકે કે પરમાત્મા શા માટે સ્વર્ગીય દેવતાઓ પ્રત્યે શ્રદ્ધા જાગૃત કરે છે, જયારે કે એ શ્રદ્ધા અનુચિત સ્થાને અભિવ્યક્ત થાય છે. આ એવું છે કે જે પ્રમાણે માતા-પિતા તેમના બાળકને ઢીંગલી પર સ્નેહવર્ષા કરવાની અનુમતિ આપે છે કે જાણે તે જીવંત બાળક હોય! માતા-પિતા જાણતા હોય છે કે તેમના સંતાનનો ઢીંગલી પ્રત્યેનો અનુરાગ અજ્ઞાનતાના કારણે છે અને છતાં તેઓ સંતાનને તે ઢીંગલીને પ્રેમ કરવા અને તેની સાથે રમવા પ્રોત્સાહિત કરે છે. તેનું કારણ એ છે કે માતા-પિતા જાણે છે કે એનાથી સ્નેહ, પ્રેમ,અને કાળજી જેવા ગુણોનો વિકાસ કરવામાં સહાય થશે, જે બાળક મોટું થશે ત્યારે લાભદાયક બની રહેશે. એ જ પ્રમાણે, જયારે જીવાત્માઓ માયિક સુખો માટે દેવતાઓને ભજે છે ત્યારે ભગવાન તેમની શ્રદ્ધા દૃઢ કરે છે અને અપેક્ષા રાખે છે કે આ અનુભવ આત્માને ઊર્ધ્વગામી બનવામાં સહાયરૂપ થશે. પશ્ચાત્, એક દિવસ આત્મા ભગવાનને સર્વનાં પરમ કલ્યાણનો સ્રોત જાણીને શરણાગત થઈ જશે.