Bhagavad Gita: Chapter 7, Verse 27

ઇચ્છાદ્વેષસમુત્થેન દ્વન્દ્વમોહેન ભારત ।
સર્વભૂતાનિ સમ્મોહં સર્ગે યાન્તિ પરન્તપ ॥ ૨૭॥

ઈચ્છા—ઈચ્છા; દ્વેષ—દ્વેષ; સમુત્થેન—માંથી ઉદ્દભવેલા; દ્વન્દ્વ—દ્વૈત; મોહેન—મોહથી; ભારત—અર્જુન, ભરતવંશી; સર્વ—સર્વ; ભૂતાનિ—જીવો; સમ્મોહમ્—મોહમાં; સર્ગે—જન્મથી; યાન્તિ—પ્રવેશે છે; પરન્તપ—અર્જુન, શત્રુઓના વિજેતા.

Translation

BG 7.27: હે ભરતવંશી, ઈચ્છા અને ઘૃણાનો દ્વન્દ્વ મોહમાંથી ઉદ્ભવે છે. હે શત્રુઓના વિજેતા, આ માયિક ક્ષેત્રના સર્વ જીવો આના દ્વારા  સંમોહિત થાય છે.

Commentary

સમગ્ર સંસાર દ્વૈતથી ભરેલું છે—રાત્રિ અને દિવસ, ઠંડી અને ગરમી, સુખ અને દુઃખ, આનંદ અને કષ્ટ. સૌથી મોટો દ્વૈત જન્મ અને મૃત્યુ છે. તેઓ પરસ્પર જોડાયેલાં છે—જે ક્ષણે જન્મ થાય છે, મૃત્યુ નિશ્ચિત બની જાય છે, જે પુન: જન્મ તરફ લઈ જાય છે. આ જન્મ અને મૃત્યુના બન્ને છેડાની વચ્ચે જીવનની રંગભૂમિ છે. જે કોઈ જીવનમાંથી પસાર થાય છે, તેને માટે આ દ્વૈતતા અનુભવનું અભિન્ન અંગ બની રહે છે.

માયિક ચેતનામાં આપણે એકને ઈચ્છીએ છીએ જયારે અન્યનો તિરસ્કાર કરીએ છે. આ અનુરાગ અને ઘૃણા એ દ્વૈતતાનો અંતર્ગત ગુણ નથી પરંતુ તે આપણા અજ્ઞાનમાંથી ઉત્પન્ન થાય છે. આપણી ભ્રમિત બુદ્ધિ માની લે છે કે, ભૌતિક સુખો આપણા સ્વાર્થની પૂર્તિ કરશે. આપણે એ પણ માની લીધું છે કે, કષ્ટ એ આપણા માટે હાનિકારક છે. આપણને એ બોધ થતો નથી કે ભૌતિક દૃષ્ટિએ સુખકારક પરિસ્થિતિઓ જીવાત્મા પર સાંસારિક મોહના આવરણને અધિક ઘાટું બનાવે છે, જયારે પ્રતિકૂળ પરિસ્થિતિઓ મોહનો નાશ કરવા માટે અને મનને ઉન્નત બનાવવા માટે સમર્થ હોય છે. આ મોહનું મૂળ કારણ અજ્ઞાન છે. આધ્યાત્મિક જ્ઞાનનું લક્ષણ એ છે કે મનુષ્ય રાગ અને દ્વેષ, ગમા અને અણગમાથી ઉપર ઊઠીને, બંને પરિસ્થિતિઓને ભગવાનના સર્જનનું અભિન્ન અંગ સમજીને એનો સહર્ષ સ્વીકાર કરે.