નાહં પ્રકાશઃ સર્વસ્ય યોગમાયાસમાવૃતઃ ।
મૂઢોઽયં નાભિજાનાતિ લોકો મામજમવ્યયમ્ ॥ ૨૫॥
ન—નથી; અહમ્—હું; પ્રકાશ:—પ્રગટ; સર્વસ્ય—બધા માટે; યોગમાયા—ભગવાનની સર્વોચ્ચ દિવ્ય શક્તિ; સમાવૃત:—ઢંકાયેલો; મૂઢ:—મોહિત; અયમ્—આ; ન—નહીં; અભિજાનાતિ—જાણ; લોક:—મનુષ્યો; મામ્—મને; અજમ્—અજન્મા; અવ્યયમ્—અવિનાશી.
Translation
BG 7.25: મારી દિવ્ય યોગમાયાથી આચ્છાદિત હોવાથી હું બધાની સમક્ષ પ્રગટ થતો નથી. તેથી, મૂઢ લોકો જે જ્ઞાનથી રહિત છે, તેઓ જાણતા નથી કે હું અજન્મા અને અવિનાશી છું.
Commentary
તેમની બે શક્તિઓનું શ્લોક નં. ૭.૪ અને ૭.૫માં વર્ણન કર્યા પશ્ચાત્ શ્રીકૃષ્ણ હવે તેમની ત્રીજી શક્તિ—યોગમાયાનો ઉલ્લેખ કરે છે. ભગવાનની આ સર્વોપરી શક્તિ છે.
વિષ્ણુ શક્તિ: પરા પ્રોક્તા ક્ષેત્રજ્ઞાખ્યા તથાઽરા
અવિદ્યા કર્મ સંજ્ઞાન્યા તૃતીયા શક્તિરિષ્યતે (૬.૭.૬૧)
“પરમાત્મા ભગવાન શ્રી વિષ્ણુની ત્રણ પ્રમુખ શક્તિઓ છે—યોગમાયા, જીવ અને માયા.”
જગદ્દગુરુ શ્રી કૃપાલુજી મહારાજ વર્ણન કરે છે:
શક્તિમાન કી શક્તિયાઁ, અગનિત યદપિ બખાન
તિન મહઁ ‘માયા, ‘જીવ અરુ ‘પરા, ત્રિશક્તિ પ્રધાન (ભક્તિ શતક દોહા:૩)
“પરમ શક્તિમાન શ્રીકૃષ્ણની અનંત શક્તિઓ છે. તેમાં યોગમાયા, જીવ અને માયા એ પ્રધાન છે.”
દિવ્ય શક્તિ યોગમાયા, એ ભગવાનની સર્વ-શક્તિમાન શક્તિ છે. તેના ગુણથી તેઓ તેમની દિવ્ય લીલાઓ, દિવ્ય પ્રેમ અને દિવ્ય ધામ પ્રગટ કરે છે. તે જ યોગમાયા શક્તિથી ભગવાન આ સંસારમાં અવતરે છે અને આ પૃથ્વી પર તેમની દિવ્ય લીલાઓ પણ પ્રગટ કરે છે. આ જ યોગમાયા શક્તિથી તેઓ સ્વયંને છુપાવીને રાખે છે. ભગવાન આપણા હૃદયમાં બિરાજમાન હોવા છતાં આપણને તેમની ઉપસ્થિતિનો કોઈ બોધ નથી. જ્યાં સુધી આપણે ભગવાનના દિવ્ય દર્શન માટે પાત્ર ન બનીએ ત્યાં સુધી યોગમાયા તેમની દિવ્યતાને આપણાથી છુપાવીને રાખે છે. તેથી, વર્તમાનમાં આપણે ભગવાનના સાકાર સ્વરૂપને જોઈએ, તો પણ આપણે તેમને ભગવાન તરીકે ઓળખવા માટે સમર્થ થઈ શકતા નથી. જયારે યોગમાયા શક્તિ પોતાની કૃપા આપણાં પર વરસાવે છે, કેવળ ત્યારે જ આપણને દિવ્ય દૃષ્ટિ પ્રાપ્ત થાય છે અને ભગવાનને ઓળખી શકીએ છીએ.
ચિદાનંદમય દેહ તુમ્હારી, બિગત બિકાર જાન અધિકારી (રામાયણ)
“હે ભગવાન, તમારું સ્વરૂપ દિવ્ય છે. જે લોકોનું હૃદય શુદ્ધ થઈ ગયું છે, કેવળ તે લોકો જ તમારી કૃપાથી તમને જાણી શકે છે.”
યોગમાયા શક્તિ નિરાકાર પણ છે અને સાકાર સ્વરૂપે પ્રગટ પણ થાય છે, જેમ કે, રાધા, સીતા, દુર્ગા, કાળી, લક્ષ્મી, પાર્વતી વગેરે. આ સર્વ યોગમાયા શક્તિના દિવ્ય સ્વરૂપો છે અને વૈદિક સંસ્કૃતિમાં બ્રહ્માંડની માતા તરીકે સન્માનિત છે. તેઓ મૃદુતા, કરુણા, ક્ષમા, કૃપા અને અકારણ પ્રેમ જેવા માતૃત્ત્વસભર ગુણો વરસાવે છે. આપણા માટે અધિક અગત્યનું એ છે કે, તેઓ જીવ પર દિવ્ય કૃપા વરસાવે છે અને તેને અલૌકિક જ્ઞાન પ્રદાન કરે છે કે જેના દ્વારા આપણે ભગવાનને જાણી શકીએ છીએ. તેથી, વૃંદાવનમાં ભક્ત ગાય છે, “રાધે રાધે, શ્યામ મિલા દે” - “ હે રાધા, કૃપા કરીને તમારી અનુકંપાની વર્ષા કરો અને મને શ્યામના મિલનમાં સહાય કરો.”
આ પ્રમાણે, યોગમાયા બંને કાર્યો કરે છે—જે જીવોની પાત્રતા નથી, તેવા જીવોથી તે ભગવાનને છુપાવીને રાખે છે અને શરણાગત જીવો પર કૃપા પ્રદાન કરે છે કે જેથી તેઓ ભગવાનને જાણી શકે. જેમણે ભગવાન તરફ પોતાની પીઠ કરી દીધી છે (વિમુખ છે), તેઓ માયાથી આચ્છાદિત રહે છે અને યોગમાયાની કૃપાથી વંચિત રહે છે. જેમણે તેમનું મુખ ભગવાન તરફ કર્યું છે (સન્મુખ છે), તેઓ યોગમાયાના શરણમાં રહે છે અને માયાથી મુક્ત થઈ જાય છે.