ન માં દુષ્કૃતિનો મૂઢાઃ પ્રપદ્યન્તે નરાધમાઃ ।
માયયાપહૃતજ્ઞાના આસુરં ભાવમાશ્રિતાઃ ॥ ૧૫॥
ન—નહી; મામ્—મને; દુષ્કૃતિન:—દુષ્ટ; મૂઢા:—મૂર્ખ; પ્રપધ્યન્તે—શરણાગત; નર-અધમા:—જે તેમની નિકૃષ્ટ પ્રકૃતિને પ્રમાદી રીતે અનુસરે છે; માયયા—ભગવાનની માયિક શક્તિ દ્વારા; અપહૃત જ્ઞાના:—ભ્રમિત બુદ્ધિવાળા; આસુરમ્—આસુરી; ભાવમ્—પ્રકૃતિ; આશ્રિતા:—આશ્રિત.
Translation
BG 7.15: ચાર પ્રકારના લોકો મને શરણાગત થતા નથી—તેઓ જે અજ્ઞાની છે, તેઓ જે મને જાણવાનું સામર્થ્ય ધરાવતા હોવા છતાં પ્રમાદી રીતે તેમની નિકૃષ્ટ પ્રકૃતિનું અનુસરણ કરે છે, તેઓ જેમની બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ છે, તેઓ જે આસુરી પ્રકૃતિ ધરાવે છે.
Commentary
શ્રીકૃષ્ણએ ચાર શ્રેણીના લોકોનું વર્ણન કર્યું છે કે જેઓ તેમને શરણાગત થતા નથી:
૧. અજ્ઞાની. આ એ લોકો છે કે જેઓ આધ્યાત્મિક જ્ઞાનથી વંચિત છે. તેઓ તેમના શાશ્વત આત્મા તરીકેના સ્વરૂપથી અને જીવનનું ધ્યેય કે જે ભગવદ્ પ્રાપ્તિ છે તથા પ્રેમયુક્ત ભક્તિ દ્વારા ભગવાનને શરણાગત થવાની સાધનાથી અજાણ હોય છે. તેમના જ્ઞાનનો અભાવ તેમને ભગવાનને શરણાગત થતાં રોકે છે.
૨. તેઓ કે જે તેમની નિકૃષ્ટ પ્રકૃતિને અનુસરે છે. આ એવા લોકો છે કે જેમને મૂળભૂત આધ્યાત્મિક જ્ઞાન હોય છે તેમજ તેમણે શું કરવું જોઈએ તેનો બોધ પણ હોય છે. આમ છતાં, તેઓ તેમની અધમ પ્રકૃતિની જડતાના દબાણથી શરણાગત થવા માટે પર્યાપ્ત પ્રયાસ કરતા નથી. ધાર્મિક સિદ્ધાંતો મુજબ વ્યક્તિને ક્રિયાશીલ કરવામાં નડતી આ આળસુ વૃત્તિ એ આધ્યાત્મિક માર્ગ ઉપર મોટું ભયસ્થાન છે. સંસ્કૃતમાં કહેવાય છે:
આલસ્ય હિ મનુષ્યાણાં શરીરસ્થો મહાન્ રિપુ:
નાસ્ત્યુદ્યમસમો બન્ધુઃ કૃત્વા યં નાવસીદતિ
“આળસ એ મહાન શત્રુ છે અને તે આપણા શરીરમાં જ નિવાસ કરે છે. ઉદ્યમ એ મનુષ્યનો સારો બંધુ છે, કે જે ક્યારેય પતન થવા દેતો નથી.”
૩. તેઓ જે ભ્રમિત બુદ્ધિ ધરાવે છે. આ એ લોકો છે કે જેઓ તેમની બુદ્ધિ માટે અતિ ગર્વ ધરાવે છે. જો તેઓ સંતો કે શાસ્ત્રોનાં ઉપદેશો સાંભળી પણ લે તો પણ તેને શ્રદ્ધા સાથે સ્વીકારવા તૈયાર હોતા નથી. જો કે બધા જ આધ્યાત્મિક સત્યો તાત્કાલિક સ્પષ્ટ થતા નથી. પ્રથમ આપણને તેની પ્રક્રિયામાં શ્રદ્ધા હોવી જોઈએ અને એ પ્રમાણે સાધનાનો આરંભ કરીએ, કેવળ તો જ આપણે આ ઉપદેશોને અનુભૂતિ દ્વારા સમજી શકીએ. જે લોકો વર્તમાનમાં પ્રત્યક્ષ સ્પષ્ટ ન હોય એવી કોઈપણ બાબતમાં શ્રદ્ધા ધરાવવાનો ઇનકાર કરે છે, તેઓ ભગવાનને શરણાગત થવાનો પણ ઇનકાર કરે છે, કે જે ભગવાન ઇન્દ્રિયોના બોધથી પરે છે. શ્રીકૃષ્ણ આવા લોકોને તૃતીય શ્રેણીમાં મૂકે છે.
૪. જેમની આસુરી પ્રકૃતિ છે. આ એ લોકો છે કે જેઓ જાણે છે કે ભગવાન છે પરંતુ તેઓ સંસારમાં ભગવાનનાં ઉદ્દેશ્યને વિફળ બનાવવા માટે દુષ્ટ અને પ્રતિકૂળ કાર્યો કરે છે. તેમની આસુરી પ્રકૃતિને કારણે તેઓ ભગવાનની પ્રગટ વિભૂતિના સ્વરુપ પ્રત્યે ઘૃણા કરે છે. તેઓ કોઈ ભગવાનની મહિમાનું ગાન કરે કે તેમની ભક્તિમાં લીન થાય તે સાંખી શકતા નથી. દેખીતી રીતે જ, આવા લોકો ભગવાનને શરણાગત થતા નથી.