Bhagavad Gita: Chapter 7, Verse 2

જ્ઞાનં તેઽહં સવિજ્ઞાનમિદં વક્ષ્યામ્યશેષતઃ । યજ્જ્ઞાત્વા નેહ ભૂયોઽન્યજ્જ્ઞાતવ્યમવશિષ્યતે ॥ ૨॥

જ્ઞાનમ્—જ્ઞાન; તે—તને; અહમ્—હું; સ—સહિત; વિજ્ઞાનમ્—વિવેક; ઈદમ્—આ; વક્ષ્યામિ—કહીશ; અશેષત:—પૂર્ણપણે; યત્—જે; જ્ઞાત્વા—જાણીને; ન—નહીં; ઇહ—આ જગતમાં; ભૂય:—આગળ; અન્યત્—અન્ય કશું; જ્ઞાતવ્યમ્—જાણવા યોગ્ય; અવશિષ્યતે—બાકી રહે છે.

Translation

BG 7.2: હવે હું તારી સમક્ષ આ જ્ઞાન અને વિજ્ઞાન પૂર્ણપણે પ્રકટ કરીશ, જે જાણીને આ જગતમાં અન્ય કંઈ જાણવા યોગ્ય શેષ રહેતું નથી.

Commentary

ઇન્દ્રિય, મન અને બુદ્ધિ દ્વારા સંપાદિત કરેલી જાણકારીને જ્ઞાન કહેવામાં આવે છે, જયારે આધ્યાત્મિક સાધનાના પરિણામ સ્વરૂપે જે જાણકારી આંતરદૃષ્ટિરૂપે અંદરથી પ્રગટ થાય છે, તેને વિજ્ઞાન કહેવામાં આવે છે. વિજ્ઞાન એ બૌદ્ધિક જ્ઞાન નથી; તે પ્રત્યક્ષ આનુભવિક સ્પષ્ટતા છે. ઉદાહરણ તરીકે, આપણે શીશીમાં ભરેલા મધની મધુરતાની પ્રશંસા અનેક વખત સાંભળતાં હોઈએ પરંતુ તે કેવળ સૈદ્ધાંતિક જ્ઞાન જ રહે છે. પરંતુ જયારે આપણે શીશીનું ઢાંકણું ખોલીને અંદર રહેલું મધ ચાખીએ ત્યારે આપણને તેની મધુરતાની આનુભવિક સ્પષ્ટતા પ્રાપ્ત થાય છે. એ જ પ્રમાણે, ગુરૂ અને શાસ્ત્રોમાંથી પ્રાપ્ત કરેલી સૈદ્ધાંતિક માહિતી એ જ્ઞાન છે. અને જયારે તે જ્ઞાનનું અનુસરણ કરીને આપણે સાધના દ્વારા મનને શુદ્ધ કરીએ છીએ ત્યારે અનુભૂતિ સ્વરૂપે જે જ્ઞાન આપણી અંદર ઉજાગર થાય છે, તેને વિજ્ઞાન કહે છે.

જયારે વેદવ્યાસજીએ ભક્તિનું સ્વરૂપ, મહિમા અને વિષયનું વર્ણન કરતો મહાન ગ્રંથ ભાગવતમ્ લખવાનો નિર્ણય કર્યો ત્યારે જ્ઞાનના આધારે રચના કરવામાં તેમને સંતુષ્ટિ થતી ન હતી, તેથી પ્રથમ ભક્તિમાં પરાયણ થઈને તેમણે ભગવાનનો અનુભૂતિપૂર્ણ સાક્ષાત્કાર કર્યો:

            ભક્તિ-યોગેન મનસિ સમ્ ક્ પ્રણીહિતેઽમલે

           અપશ્યત્પુરુષં પૂર્વં માયાં ચ તદપાશ્રયામ્ (ભાગવતમ્ ૧.૭.૪)

“ભક્તિયોગ દ્વારા વેદ વ્યાસજીએ લૌકિક ભાવનાઓથી રહિત તેમના મનને પૂર્ણતયા ભગવાન પર કેન્દ્રિત કરીને, ભગવાનને આશ્રિત તેમની બાહ્ય શક્તિ માયા સહિત ભગવાનની પરમ દિવ્યતાનાં સંપૂર્ણ દર્શન અને અનુભૂતિ પ્રાપ્ત કર્યા.” આ અનુભૂતિથી સંપન્ન થયા પશ્ચાત્ તેમણે પ્રસિદ્ધ ગ્રંથની રચના કરી.

શ્રીકૃષ્ણ ઘોષિત કરે છે કે, તેઓ અર્જુનને પરમ પુરુષોત્તમ પરમાત્માના સૈદ્ધાંતિક જ્ઞાનથી પ્રકાશિત પણ કરશે અને તે અંગેનાં આંતરિક જ્ઞાનની પ્રાપ્તિમાં પણ સહાય કરશે. આ જ્ઞાનની અનુભૂતિ પ્રાપ્ત કર્યા પશ્ચાત્ અન્ય કંઈ જાણવાનું શેષ રહેશે નહીં.