Bhagavad Gita: Chapter 1, Verse 34-35

આચાર્યાઃ પિતરઃ પુત્રાસ્તથૈવ ચ પિતામહાઃ ।
માતુલાઃ શ્વશુરાઃ પૌત્રાઃ શ્યાલાઃ સમ્બન્ધિનસ્તથા ॥ ૩૪॥
એતાન્ન હન્તુમિચ્છામિ ઘ્નતોઽપિ મધુસૂદન ।
અપિ ત્રૈલોક્યરાજ્યસ્ય હેતોઃ કિં નુ મહીકૃતે ॥ ૩૫॥

આચાર્યા:—ગુરુજનો; પિતર:—પિતૃઓ; પુત્રા:—પુત્રો; તથા—તથા; એવ—નિશ્ચિત; ચ—પણ; પિતામહા:—પિતામહ; માતુલા:—મામાઓ; શ્વસુરા:—શ્વસુરો; પૌત્રા:—પ્રપૌત્રો; શ્યાલા:—સાળાઓ; સમ્બન્ધિન:—સંબંધીઓ; તથા—તથા; એતાન્—આ; ન—કદાપિ નહીં; હન્તુમ્—હણવા; ઇચ્છામિ—ઈચ્છું છું; ઘ્નત:—માર્યો જાઉં; અપિ—છતાં; ત્રૈ-લોક્ય-રાજ્યસ્ય—ત્રણેય લોકોના રાજ્યના; હેતો:—માટે; કિમ્ નુ—ના વિષે શું કહેવું; મહી-કૃતે—પૃથ્વી માટે.

Translation

BG 1.34-35: ગુરુજનો, પિતૃઓ, પુત્રો, પિતામહો, મામાઓ, પૌત્રો, સસરા, પૌત્રો, સાળાઓ, અને અન્ય સગાંસંબંધીઓ તેમના પ્રાણ અને ધન ત્યજવા તત્પર થઈને અહીં ઉપસ્થિત છે. હે મધુસૂદન! મારા પર તેઓ આક્રમણ પણ કરે તો પણ હું તેમને હણવા નથી ઈચ્છતો. ધૃતરાષ્ટ્રના પુત્રોનો સંહાર કરીને, પૃથ્વીનું તો શું, પણ ત્રણેય લોકોનું રાજ્ય મેળવીને પણ અમને શું પ્રસન્નતા થશે?

Commentary

દ્રોણાચાર્ય અને કૃપાચાર્ય અર્જુનના ગુરુજનો હતા; ભીષ્મ અને સોમદત્ત તેના પિતામહ હતા; ભૂરિશ્રવા (સોમદત્તના પુત્ર) જેવા લોકો તેના પિતાતુલ્ય હતા; પુરુજિત, કુંતીભોજ, શલ્ય, અને શકુનિ તેના મામાઓ હતા; ધૃતરાષ્ટ્રના સો પુત્રો તેના પિતરાઈ ભાઈઓ હતા; લક્ષ્મણ (દુર્યોધનનો પુત્ર) તેના સંતાન સમાન હતો; અર્જુન યુદ્ધસ્થળ પર ઉપસ્થિત તેના સંબંધીઓના વૈવિધ્યનો સંદર્ભ આપી રહ્યો હતો. તેને ‘અપિ’ (જેનો અર્થ છે ‘છતાં પણ’) શબ્દનો બે વાર ઉપયોગ કર્યો. પહેલું, “હું તેમનો સંબંધી અને શુભચિંતક છું તેમ છતાં શા માટે તેઓ મને મારવા ઈચ્છે?” અને બીજું, “યદ્યપિ તેઓ મારો વધ કરવા ઈચ્છે, તથાપિ હું શા માટે તેમને વધ કરવા ઈચ્છું?”