Bhagavad Gita: Chapter 6, Verse 14

પ્રશાન્તાત્મા વિગતભીર્બ્રહ્મચારિવ્રતે સ્થિતઃ ।
મનઃ સંયમ્ય મચ્ચિત્તો યુક્ત આસીત મત્પરઃ ॥૧૪॥

પ્રશાન્ત—શાંત; આત્મા—મન; વિગત-ભી:—ભયરહિત; બ્રહ્મચારી-વ્રતે—બ્રહ્મચર્ય વ્રતમાં; સ્થિત:—સ્થિત; મન:—મન; સંયમ્ય—સંયમિત કરીને; મત્-ચિત્ત:—મારું (શ્રીકૃષ્ણનું) ધ્યાન કર; યુક્ત:—યુક્ત; આસીત—બેસવું જોઈએ; મત્-પર:—મને પરમ ધ્યેય માનીને.

Translation

BG 6.14: આ પ્રમાણે, પ્રશાંત, ભયરહિત અને સ્થિર મનથી તથા બ્રહ્મચર્યમાં ચુસ્ત રહીને જાગૃત યોગીએ એકમાત્ર મને પરમ ધ્યેય માનીને મારું ધ્યાન કરવું જોઈએ.

Commentary

શ્રીકૃષ્ણ ધ્યાનની સફળતા માટે બ્રહ્મચર્યની સાધના ઉપર વિશેષ ભાર મૂકે છે. પ્રાણીઓની સૃષ્ટિમાં જાતીય કામનાઓ પ્રજનનની પ્રક્રિયાને સરળ બનાવે છે અને પ્રાણીઓ એ જ પ્રાથમિક ઉદ્દેશ્યથી તેમાં લિપ્ત થાય છે. પ્રાણીઓની અધિકાંશ જાતિઓમાં મૈથુન માટે એક ચોક્કસ ઋતુ હોય છે; પ્રાણીઓ મૈથુન ક્રિયાઓમાં સ્વેચ્છાનુસાર લિપ્ત થતા નથી. માનવી બુદ્ધિથી મહાન હોવાનાં કારણે અને મૈથુનમાં સ્વેચ્છાથી લિપ્ત થવા અંગેની સ્વતંત્રતા હોવાના કારણે સંતાનોત્પત્તિની પ્રવૃત્તિ સ્વચ્છંદી ભોગવિલાસના સાધનના રૂપમાં વટલાઈ જાય છે. તેથી, વૈદિક શાસ્ત્રો બ્રહ્મચર્યના અભ્યાસ ઉપર વિશેષ ભાર મૂકે છે. મહર્ષિ પતંજલિ કહે છે: બ્રહ્મચર્યપ્રતિષ્ઠાયાં વીર્યલાભ: (યોગ સૂત્ર ૨.૩૮) “બ્રહ્મચર્યની સાધના અતિ શક્તિવર્ધક હોય છે.” 

આયુર્વેદ—ભારતીય ઔષધવિજ્ઞાન, બ્રહ્મચર્યથી થતા સ્વાસ્થ્ય સંબંધી અસાધારણ લાભોના કારણે તેની પ્રશંસા કરે છે. ધન્વન્તરીનો વિદ્યાર્થી આયુર્વેદ (પ્રાચીન ભારતીય ઔષધ વિજ્ઞાન)નો અભ્યાસ પૂર્ણ કરીને તેના શિક્ષકને મળવા ગયો અને પૂછયું: “ હે મુનિ! કૃપા કરીને મને હવે આરોગ્યનું રહસ્ય જણાવો.” ધનવન્તરીએ ઉત્તર આપ્યો: “આ વીર્યની શુક્રાણુ શક્તિ એ વાસ્તવિક રીતે આત્મન છે. આરોગ્યનું રહસ્ય આ મહત્ત્વપૂર્ણ બળના સંરક્ષણમાં રહેલું છે. જે આ મહત્ત્વપૂર્ણ અને મૂલ્યવાન શક્તિનો વ્યય કરે છે, તેનો શારીરિક, માનસિક, નૈતિક અને આધ્યાત્મિક વિકાસ થતો નથી.” આયુર્વેદ પ્રમાણે, રક્તના ચાળીસ બિંદુઓથી એક વીર્ય બિંદુ બને છે. જેઓ તેમના વીર્યનો અપવ્યય કરે છે, તેઓનો પ્રાણ અસ્થિર અને પ્રક્ષુબ્ધ થઈ જાય છે. તેઓ તેમની શારીરિક અને માનસિક ઊર્જાને ક્ષતિ પહોંચાડે છે અને તેમની સ્મરણશક્તિ, મન અને બુદ્ધિ દુર્બળ થઈ જાય છે. બ્રહ્મચર્યના અભ્યાસથી શારીરિક શક્તિ, બૌદ્ધિક સ્પષ્ટતા, પ્રચંડ સંકલ્પ શક્તિ, તીક્ષ્ણ સ્મરણશક્તિ અને પ્રબળ આધ્યાત્મિક શક્તિમાં વૃદ્ધિ થાય છે. તેને કારણે ચક્ષુમાં ચમક અને મુખ પર લાલિમા આવી જાય છે.

બ્રહ્મચર્યની પરિભાષા કેવળ શારીરિક લિપ્તતાના ત્યાગ પૂરતી સીમિત નથી. અગ્નિ પુરાણમાં મૈથુન સંબંધી આઠ પ્રકારની પ્રવૃત્તિઓ નિયંત્રિત કરવાની આવશ્યકતાનું વર્ણન કરવામાં આવ્યું છે: ૧. તે અંગે વિચાર કરવો. ૨. તે અંગે વાત કરવી. ૩. તે અંગે ઉપહાસ કરવો. ૪. તે જોવું. ૫. તે અંગે કામના કરવી. ૬. કોઈને તે માટે આકર્ષિત કરવું. ૭. કોઈને તેમાં રુચિ લેવા લાલાયિત કરવું. ૮. તેમાં લિપ્ત થવું. બ્રહ્મચારી બનવા માટે આ સર્વ બાબતોથી દૂર રહેવું જોઈએ. આ પ્રમાણે, બ્રહ્મચર્ય માટે કેવળ મૈથુન અને સંભોગનો ત્યાગ કરવો પર્યાપ્ત નથી, પરંતુ હસ્તમૈથુન, સમલૈંગિક પ્રવૃત્તિઓ અને અન્ય સર્વ જાતીય પ્રવૃત્તિઓથી બચવાની આવશ્યકતા છે.

હવે શ્રીકૃષ્ણ કહે છે કે ધ્યાનનો વિષય કેવળ ભગવાન હોવા જોઈએ. આ વિષયની આવનારા શ્લોકમાં પુનરુક્તિ થાય છે.