Bhagavad Gita: Chapter 6, Verse 30

યો માં પશ્યતિ સર્વત્ર સર્વં ચ મયિ પશ્યતિ ।
તસ્યાહં ન પ્રણશ્યામિ સ ચ મે ન પ્રણશ્યતિ ॥૩૦॥

ય:—જે; મામ્—મને; પશ્યતિ—જોવે; સર્વત્ર—સર્વત્ર; સર્વમ્—સર્વ; ચ—અને; મયિ—મારામાં; પશ્યતિ—જોવે; તસ્ય—તેને માટે; અહમ્—હું; ન—નહીં; પ્રણશ્યામિ—અદૃશ્ય; સ:—તે; ચ—અને; મે—મને; ન—નહીં; પ્રણશ્યતિ—અદૃશ્ય.

Translation

BG 6.30: જેઓ મને સર્વત્ર અને મારામાં સર્વ પદાર્થોને જોવે છે, તેમનાથી હું કદાપિ દૂર થતો નથી અને તેઓ પણ મારાથી કદાપિ દૂર થતા નથી.

Commentary

ભગવાનને ગુમાવવાનું તાત્પર્ય એ છે કે મન તેમનાથી વિમુખ થઈને ભટકવું અને તેમની સાથે રહેવું અર્થાત્ મનનું તેમનામાં જોડાણ કરવું. મનને ભગવાનમાં જોડવાનો સુગમ માર્ગ એ છે કે પ્રત્યેક પદાર્થને તેમના અનુસંધાનમાં જોતા શીખવું. ઉદાહરણ તરીકે, કોઈએ આપણને દુઃખી કર્યા. મનની એ પ્રકૃતિ છે કે જે આપણને દુઃખી કરે તેના પ્રત્યે આક્રોશ, ઘૃણા વગેરે પ્રકારના મનોભાવો ઉત્પન્ન થાય. પરંતુ, જો આપણે આમ થવાની અનુમતિ આપીશું તો આપણું મન દિવ્ય પ્રદેશમાંથી દૂર થઈ જશે અને મનનું ભગવાન સાથેનું ભક્તિયુક્ત તાદાત્મ્ય અટકી જશે. તેનાથી વિપરીત, જો આપણે જોઈ શકીશું કે પરમાત્મા તે વ્યક્તિની અંદર પણ સ્થિત છે તો આપણે વિચારીશું કે “ભગવાન મારી આ વ્યક્તિ દ્વારા કસોટી કરી રહ્યા છે. તેઓ મારામાં સહનશીલતાનાં ગુણની વૃદ્ધિ કરવા ઈચ્છે છે અને તેથી આ વ્યક્તિને મારી સાથે દુર્વ્યવહાર કરવા પ્રેરિત કરે છે. પરંતુ હું આ ઘટનાથી વિચલિત થઈશ નહીં.” આ પ્રકારે વિચારવાથી આપણે મનને નકારાત્મક મનોભાવોનો શિકાર બનતા અટકાવી શકીશું.

એ પ્રમાણે, મન જયારે મિત્ર કે સંબંધી પ્રત્યે આસક્ત થાય છે ત્યારે પણ તે ભગવાનથી વિમુખ થઈ જાય છે. હવે, જો આપણે મનને તે વ્યક્તિમાં ભગવાનનું દર્શન કરવા મારે પ્રશિક્ષિત કરીશું તો જયારે મન ભટકશે, ત્યારે આપણે વિચારીશું, “શ્રીકૃષ્ણ તે વ્યક્તિમાં સ્થિત છે અને તેથી મને આ આકર્ષણની અનુભૂતિ થાય છે.” આ પ્રમાણે, મન પરમાત્મા પ્રત્યેની તેની નિરંતર પરાયણતાને જાળવી શકશે.

કેટલીકવાર, મન ભૂતકાળના પ્રસંગો અંગે શોક કરે છે. પુન: આ કારણે પણ મન દિવ્ય પ્રદેશમાંથી દૂર થઈ જાય છે કારણ કે શોક મનને ભૂતકાળમાં ઘસડી જાય છે અને પરિણામે વર્તમાનમાં થતું હરિ અને ગુરુ અંગેનું ચિંતન અટકી જાય છે. જો આપણે તે પ્રસંગને ભગવાનના અનુસંધાનમાં જોઈશું તો વિચારીશું કે “ભગવાન હેતુપૂર્વક મારા માટે કષ્ટદાયક અનુભવોની વ્યવસ્થા કરે છે કે જેથી મારામાં વિરક્તિનો વિકાસ થાય. તેઓ મારા કલ્યાણ માટે એટલા બધા ચિંતિત છે કે તે દયાપૂર્વક એવા ઉચિત સંજોગોનું નિર્માણ કરે છે કે જે મારી આધ્યાત્મિક ઉન્નતિ માટે લાભદાયક છે.” આ પ્રમાણે ચિંતન કરીને આપણે આપણા ભક્તિયુક્ત ધ્યાનનું રક્ષણ કરી શકીશું. નારદ મુનિ કહે છે:

            લોકહાનૌ ચિન્તા ન કાર્યા નિવેદિતાત્મ લોકવેદત્વાત્   

(નારદ ભક્તિ દર્શન, સૂત્ર ૬૧)

“જયારે સંસારમાં તમે વિપરીતતા સહન કરો ત્યારે તે અંગે વિલાપ કે ચિંતા કરશો નહીં. તે ઘટનામાં ભગવાનની કૃપાનું દર્શન કરો.” એક યા બીજા પ્રકારે આપણું સ્વ-હિત મનને ભગવાનમાં સ્થિત કરવામાં છે અને તે પરિપૂર્ણ કરવાની સરળ પ્રયુક્તિ છે, પ્રત્યેક પદાર્થમાં અને સર્વત્ર ભગવાનનું દર્શન કરવું. આ સાધન-અવસ્થા છે, જે ધીરે ધીરે સિદ્ધ-અવસ્થા તરફ અગ્રેસર કરશે. જેનો ઉલ્લેખ આ શ્લોકમાં થયો છે, જેમાં આપણે ભગવાનથી કદાપિ દૂર થતા નથી અને ભગવાન આપણાથી કદાપિ દૂર થતા નથી.