યુક્તાહારવિહારસ્ય યુક્તચેષ્ટસ્ય કર્મસુ ।
યુક્તસ્વપ્નાવબોધસ્ય યોગો ભવતિ દુઃખહા ॥૧૭॥
યુક્ત—સાધારણ; આહાર—ભોજન; વિહારસ્ય—મનોરંજન; યુક્ત ચેતસ્ય કર્મસુ—કાર્યમાં સંતુલન; યુક્ત—સંયમિત; સ્વપ્ન અવબોધસ્ય—નિંદ્રા તથા જાગરણ; યોગ:—યોગ; ભવતિ—થાય છે; દુઃખા:—દુઃખ નષ્ટ કરનાર.
Translation
BG 6.17: પરંતુ જે લોકો આહાર લેવામાં અને આનંદપ્રમોદ કરવામાં સંયમિત રહે છે, કાર્ય કરવામાં સંતુલિત રહે છે અને નિંદ્રામાં નિયમિત રહે છે, તે યોગની સાધના દ્વારા સર્વ દુઃખોને નષ્ટ કરી શકે છે.
Commentary
યોગ એ આત્માનું પરમાત્મા સાથેનું મિલન છે. યોગથી વિપરીત ભોગ છે, અર્થાત્ ઇન્દ્રિયજન્ય સુખો પ્રત્યેની લિપ્તતા. અનહદ ભોગવિલાસ શરીરના પ્રાકૃતિક નિયમોનું ઉલ્લંઘન કરે છે અને જેનું પરિણામ રોગ છે. અગાઉના શ્લોકમાં વર્ણન કર્યા પ્રમાણે, જો શરીર રોગી બની જાય છે તો તે યોગની સાધનાને અવરોધે છે. આમ, આ શ્લોકમાં શ્રીકૃષ્ણ કહે છે કે, શારીરિક પ્રવૃત્તિઓમાં સમતોલન જાળવીને અને યોગની સાધના કરવાથી આપણે શરીર અને મન બંનેનાં દુઃખોમાંથી મુક્ત થઈ શકીશું.
શ્રીકૃષ્ણ બાદ અઢી સહસ્ત્રાબ્દી પશ્ચાત્ ગૌતમ બુદ્ધ દ્વારા આ જ ઉપદેશ પુનરાવર્તિત કરવામાં આવ્યો, જયારે તેમણે ઇન્દ્રિયજન્ય ભોગવિલાસ અને તીવ્ર વૈરાગ્ય વચ્ચેના સ્વર્ણિમ મધ્યમ માર્ગની અનુશંસા કરી. આ અંગે એક સુંદર વાર્તા છે. એવું કહેવાય છે કે, પ્રબુદ્ધાવસ્થા પૂર્વે એક સમયે ગૌતમ બુદ્ધે અન્ન અને જળનો ત્યાગ કરી દીધો અને ધ્યાનમાં બેસી ગયા. જો કે, થોડા દિવસો સુધી આ પ્રમાણે સાધના કર્યા પશ્ચાત્ પોષણનાં અભાવે તેઓ દુર્બળ થઈ ગયા અને તેમને ચક્કર આવવા લાગ્યા ત્યારે તેમને પ્રતીત થયું કે, તેમના મનને ધ્યાનમાં સ્થિર કરવું અસંભવ બની ગયું છે. તે સમયે ત્યાંથી કેટલીક ગ્રામીણ મહિલાઓ પસાર થઈ. તેમના માથા પર જળથી ભરેલા ઘડા હતા જે તેઓ સમીપની નદીમાંથી ભરીને લાવી હતી અને તેઓ ગાયન ગાતી હતી. તે ગીતના શબ્દો આ પ્રમાણે હતા: “તાનપુરા (ગીટાર જેવું ભારતીય સંગીત વાદ્ય)ના તારને કસીને બાંધો. પરંતુ એટલું કસીને ના બાંધો કે તાર તૂટી જાય.” તેમના શબ્દો ગૌતમ બુદ્ધના કાનોમાં પ્રવેશ્યા અને તેમણે કહ્યું, “આ અશિક્ષિત ગ્રામીણ મહિલાઓ આવા જ્ઞાનયુક્ત શબ્દો ગાઈ રહી છે. તેમાં મનુષ્યો માટે સંદેશ છે. આપણે પણ આપણા શરીરને (તપશ્ચર્યાની સાધના દ્વારા) કસીને રાખવાનું છે, પરંતુ એટલી હદ સુધી નહિ કે શરીર નષ્ટ થઈ જાય.”
સંયુક્ત રાજ્ય અમેરીકાના સંસ્થાપક, બેન્જામિન ફ્રેન્કલીન (૧૭૦૬ - ૧૭૯૦), કે જેઓ આપકર્મી મનુષ્ય તરીકે અતિ આદરણીય ગણાય છે. તેમણે તેમના ચરિત્રના વિકાસ માટે વીસ વર્ષની આયુથી એક રોજનીશી લખવાનું શરુ કરેલું, જેમાં જે ૧૩ પ્રવૃત્તિઓમાં તેઓ પ્રગતિ કરવા ઈચ્છતા હતા, તે સંબંધી તેમના અનુપાલનનો હિસાબ રાખતા. પ્રથમ પ્રવૃત્તિ હતી, “સંયમ: એવું ન આરોગો કે આળસ ઉત્પન્ન થાય; એવું મદ્યપાન ન કરો કે ઉન્મત્ત થઈ જવાય.”