Bhagavad Gita: Chapter 6, Verse 35

શ્રીભગવાનુવાચ ।
અસંશયં મહાબાહો મનો દુર્નિગ્રહં ચલમ્ ।
અભ્યાસેન તુ કૌન્તેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે ॥૩૫॥

શ્રી ભગવાન ઉવાચ—શ્રી ભગવાન બોલ્યા; અસંશયમ્—નિ:સંદેહ; મહા-બાહો—બળવાન ભુજાઓવાળા; મન:—મન; દુર્નિગ્રહમ્—નિગ્રહ કરવામાં મુશ્કેલ; ચલમ્—ચંચળ; અભ્યાસેન—અભ્યાસ દ્વારા; તુ—પરંતુ; કૌન્તેય—અર્જુન, કુંતીપુત્ર; વૈરાગ્યેણ—વૈરાગ્ય દ્વારા; ચ—અને; ગૃહ્યતે—નિયંત્રણમાં લાવી શકાય છે.

Translation

BG 6.35: શ્રી કૃષ્ણ બોલ્યા: હે મહાબાહુ કુંતીપુત્ર! તું જે કહે છે તે સત્ય છે; મનને નિયંત્રિત કરવું વાસ્તવમાં અતિ કઠિન છે. પરંતુ અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા તેને નિયંત્રિત કરી શકાય છે.

Commentary

શ્રી કૃષ્ણ અર્જુનની ટિપ્પણીનો ઉત્તર તેને ‘મહાબાહો’ તરીકે સંબોધીને આપે છે. જેનો અર્થ છે, મહાભુજાઓ ધરાવનાર. તેઓ કહે છે, “હે અર્જુન, તે અતિ શૌર્યવાન યોદ્ધાઓને યુદ્ધમાં પરાજિત કર્યા છે. શું તું મનને પરાજિત નહીં કરી શકે?”

શ્રીકૃષ્ણ “અર્જુન, તું કેવો બુદ્ધિહીન પ્રશ્ન કરે છે? મનને તો અતિ સરળતાથી નિયંત્રિત કરી શકાય છે.” એમ કહીને સમસ્યાની અવગણના કરતા નથી. પરંતુ તેઓ અર્જુનના કથન સાથે સંમત થાય છે કે મનને નિયંત્રિત કરવું વાસ્તવમાં કઠિન છે. જો કે, વિશ્વમાં એવા ઘણાં વિષયો છે કે જે સિદ્ધ કરવા કઠિન છે અને છતાં આપણે નિર્ભય બનીને આગળ વધતા રહીએ છીએ. ઉદાહરણ તરીકે, ખલાસીઓ જાણતા હોય છે કે દરિયો ખેડવો જોખમી છે અને ભયંકર વાવાઝોડાની સંભાવનાઓ છે. છતાં, કિનારે અટકી રહેવા માટે તેઓ જોખમને પર્યાપ્ત કારણ માનતા નથી. તેથી, શ્રીકૃષ્ણ અર્જુનને ખાતરી આપે છે કે, વૈરાગ્ય અને અભ્યાસ દ્વારા મનને નિયંત્રિત કરી શકાય છે.

વૈરાગ્ય અર્થાત્ વિરક્તિ. આપણે જોઈએ છીએ કે મન તેની આસક્તિના વિષયો પ્રત્યે આકર્ષિત થાય છે, અતીતની આદતને કારણે એ જ દિશામાં વારંવાર દોડી જાય છે. આસક્તિનું ઉન્મૂલન કરવાથી મનનું નિરર્થક ભટકવાનું જડમૂળથી નષ્ટ થઈ જાય છે.

અભ્યાસ અર્થાત્ સાધના અથવા તો જૂની આદતમાં પરિવર્તન કરીને નવીન આદતનો વિકાસ કરવા માટે કરવામાં આવતા સંયુક્ત અને નિરંતર પ્રયાસો. અભ્યાસ એ સાધકો માટે અતિ મહત્ત્વનો શબ્દ છે. માનવ પ્રયાસોના બધા જ ક્ષેત્રોમાં અભ્યાસ એવી ચાવી છે, જે પારંગતતા તથા પ્રાવિણ્યનાં દ્વાર ખોલી નાખે છે. સામાન્ય ભૌતિક ક્રિયા ટાઈપીંગનાં દૃષ્ટાંતથી આ વાત સમજીએ. સૌ પ્રથમ વાર લોકો ટાઈપીંગ શરુ કરે છે ત્યારે એક મીનીટમાં એકાદ શબ્દ ટાઈપ કરી શકે છે. પરંતુ વર્ષો સુધી ટાઈપીંગ કર્યા પશ્ચાત્, મિનિટના ૮૦ શબ્દોની ઝડપે તેમની આંગળીઓ કી બોર્ડ પર જાણે ઉડતી હોય એવું લાગે છે. આ દક્ષતા કેવળ અભ્યાસ દ્વારા પ્રાપ્ત થાય છે. એ જ પ્રમાણે, જક્કી અને અશાંત મનને અભ્યાસ દ્વારા પરમેશ્વરનાં ચરણ કમળોમાં સ્થિત કરવા પ્રયત્ન કરવો જોઈએ. મનને સંસારથી વિમુખ કરવું—આ વૈરાગ્ય છે અને મનને ભગવાનમાં સ્થિત કરવું—આ અભ્યાસ છે. મહર્ષિ પતંજલિ પણ સમાન ઉપદેશ જ આપે છે:

           અભ્યાસ વૈરાગ્યાભ્યાં તન્નિરોધ: (યોગદર્શન ૧.૧૨)

“નિરંતર અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા મનની વ્યાકુળતાને નિયંત્રિત કરી શકાય છે.”