Bhagavad Gita: Chapter 6, Verse 7

જિતાત્મનઃ પ્રશાન્તસ્ય પરમાત્મા સમાહિતઃ ।
શીતોષ્ણસુખદુઃખેષુ તથા માનાપમાનયોઃ ॥૭॥

જિત-આત્મન:—જેણે મનને જીતી લીધું છે; પ્રશાન્તસ્ય—શાંતિ પ્રાપ્ત કરનાર; પરમ-આત્મા—ભગવાન; સમાહિત:—અડગ; શીત—ઠંડીમાં; ઉષ્ણ—ગરમી; સુખ—સુખ; દુ:ખેષુ—દુઃખમાં; તથા—તેમજ; માન—માન; અપમાનયો:—તથા અપમાનમાં.

Translation

BG 6.7: યોગીઓ કે જેમણે મન પર વિજય પ્રાપ્ત કર્યો છે, તેઓ ઠંડી અને ગરમી, સુખ અને દુઃખ, માન અને અપમાનની દ્વૈતતાથી ઉપર ઉઠી જાય છે. આવા યોગીઓ ભગવાનની ભક્તિમાં શાંતિમય અને અડગ રહે છે.

Commentary

શ્રીકૃષ્ણ શ્લોક સં. ૨.૧૪માં સમજાવે છે કે, ઇન્દ્રિયો અને ઇન્દ્રિયના વિષયો વચ્ચેનો સંપર્ક મનને ઠંડી અને ગરમી, સુખ અને દુઃખનો અનુભવ કરાવે છે. જ્યાં સુધી મન નિયંત્રિત થતું નથી, ત્યાં સુધી મનુષ્ય ઇન્દ્રિયસુખોના બોધથી તેનો પીછો કરે છે અને તેની પીડાના બોધને કારણે તેનાથી પીછેહઠ કરે છે. યોગી કે જેણે મન પર વિજય પ્રાપ્ત કર્યો છે, તે આ ક્ષણભંગુર બોધને અવિનાશી આત્માથી પૃથક્ શારીરિક ઇન્દ્રિયોના કાર્ય રૂપે જોઈ શકવા સક્ષમ હોય છે અને એ પ્રમાણે તેનાથી અચળ રહે છે. આવા ઉન્નત યોગીઓ ઠંડી અને ગરમી, સુખ અને દુઃખ જેવી દ્વૈતતાથી ઉપર ઊઠી જાય છે.

કેવળ બે ક્ષેત્રો છે કે જેમાં મન નિવાસ કરે છે—એક માયાનું ક્ષેત્ર છે અને અન્ય ભગવાનનું ક્ષેત્ર છે. જો મન ઇન્દ્રિયજન્ય દ્વૈતતાઓથી ઉપર ઉઠી જાય છે તો તે સરળતાથી ભગવાનમાં તલ્લીન થઈ શકે છે. શ્રીકૃષ્ણ કહે છે કે, સિદ્ધ યોગીનું મન સમાધિમાં અર્થાત્ ભગવાનના ગહન ધ્યાનમાં સ્થિત રહે છે.