Bhagavad Gita: Chapter 6, Verse 6

બન્ધુરાત્માત્મનસ્તસ્ય યેનાત્મૈવાત્મના જિતઃ ।
અનાત્મનસ્તુ શત્રુત્વે વર્તેતાત્મૈવ શત્રુવત્ ॥૬॥

બન્ધુ:—મિત્ર; આત્મા—મન; આત્માન:—જીવનો; તસ્ય—તેનો; યેન—જેના વડે; આત્મા—મન; એવ—નિશ્ચિત; આત્મના—જીવાત્મા; જિત:—જીત્યો; અનાત્મના:—જે મનને સંયમિત ન કરી શક્યો તેના; તુ—પરંતુ; શત્રુત્વે—શત્રુતાના કારણે; વર્તેત—રહે છે; આત્મા—મન; એવ—જેમ; શત્રુ-વત્—શત્રુની જેમ.

Translation

BG 6.6: જેમણે મન પર વિજય પ્રાપ્ત કર્યો છે, તેમના માટે મન એ મિત્ર છે. જે લોકો આમ કરવામાં નિષ્ફળ નીવડે છે, તેમના માટે મન શત્રુ સમાન કાર્ય કરે છે.

Commentary

આપણી વિચાર-શક્તિ અને ઊર્જાનો અધિકાંશ ભાગ આપણે એવા લોકો સાથે સંઘર્ષ કરવામાં વેડફી નાખીએ છીએ, જેમને આપણે શત્રુ તરીકે જોઈએ છીએ અથવા તો જે આપણા માટે સંભવત: હાનિકારક છે. વૈદિક શાસ્ત્રો કહે છે કે આપણા સૌથી મોટા શત્રુઓ—કામ, ક્રોધ, લોભ, મોહ વગેરે— આપણા મનમાં જ નિવાસ કરે છે. આ આંતરિક શત્રુઓ, બાહ્ય શત્રુઓ કરતાં અધિક વિનાશક છે. બાહ્ય અસુરો કદાચ આપણને થોડા સમય માટે ઈજા પહોંચાડી શકે પરંતુ આપણા પોતાના મનની અંદર બેઠેલા અસુરોમાં આપણા જીવનને નિરંતર દુ:ખદ અને કંગાળ બનાવવા માટેની ક્ષમતા રહેલી છે. આપણે એવા લોકોને જાણીએ છીએ, જેમની પાસે આ વિશ્વની સર્વ અનુકૂળતાઓ છે, પરંતુ તેઓ દુ:ખમય જીવન જીવે છે, કારણ કે તેમનું મન સતત હતાશા, ઘૃણા, ઉદ્વેગ, ચિંતા અને તણાવ દ્વારા તેમને યાતના આપતું રહે છે.

વૈદિક તત્ત્વજ્ઞાન વિચારોની જટિલતા ઉપર વિશેષ ભાર મૂકે છે. માંદગી કેવળ વિષાણુઓ કે જીવાણુઓને કારણે થતી નથી, પરંતુ આપણે મનમાં સંઘરેલી નકારાત્મકતાને કારણે પણ થાય છે. જો આકસ્મિક રીતે કોઈ તમારા ઉપર પત્થર ફેંકે તો તેને કારણે થોડી ક્ષણો સુધી પીડા થાય છે અને બીજા દિવસે તમે કદાચ એ ભૂલી પણ જાવ છો. પરંતુ, જો કોઈ કંઈ અપ્રિય બોલે તો તે તમારા મનને વર્ષો સુધી ખિન્ન રાખે છે. આ વિચારોનો પ્રચંડ પ્રભાવ છે. બૌદ્ધ ગ્રંથ, ધમ્મપદમાં (૧.૩)માં આ સત્યને બુદ્ધે પણ સ્પષ્ટ રીતે વ્યકત કર્યું છે:

“મને અપમાનિત કરવામાં આવ્યો! મને દુ:ખી કરવામાં આવ્યો! મને પીટવામાં આવ્યો! મને લૂંટવામાં આવ્યો!

જે લોકો આવા વિચારોનો સંગ્રહ કરે છે, તેમનું દુઃખ ક્યારેય સમાપ્ત થતું નથી.

મને અપમાનિત કરવામાં આવ્યો! મને દુ:ખી કરવામાં આવ્યો! મને પીટવામાં આવ્યો! મને લૂંટવામાં આવ્યો!

આવા વિચારોનો સંગ્રહ ના કરનારા લોકોનો ક્રોધ સમાપ્ત થઈ જાય છે.”

જયારે આપણે ઘૃણાની પુષ્ટિ કરીએ છીએ ત્યારે આપણા નકારાત્મક વિચારો તે ઘૃણાના નિમિત્ત કરતાં આપણને પોતાને અધિક નુકસાન કરે છે. આ અંગે વિચક્ષણ રીતે કહેવામાં આવ્યું છે: “ક્રોધ એ સ્વયં વિષપાન કરીને અન્ય વ્યક્તિનું મૃત્યુ થશે એવી આશા સેવવા સમાન છે.” સમસ્યા એ છે કે અધિકાંશ લોકોને એ સમજાતું નથી કે તેમનું પોતાનું મન જ તેમની આટલી મહાન હાનિનું મૂળ કારણ છે. તેથી, જગદ્દગુરુ શ્રી કૃપાળુજી મહારાજ ઉપદેશ આપે છે:

        મન કો માનો શત્રુ ઉસકી સુનહુ જનિ કછુ પ્યારે (સાધના ભક્તિ તત્ત્વ)

“પ્રિય આધ્યાત્મિક સાધક! તમારા અનિયંત્રિત મનને શત્રુના રૂપમાં જુઓ. તેના પ્રભાવમાં ન આવો.”

આ પ્રમાણે, જો આધ્યાત્મિક સાધના દ્વારા આપણે આપણા મનને બુદ્ધિના નિયંત્રણમાં રાખીએ તો તેનામાં આપણા ઉત્તમ મિત્ર બનવાની ક્ષમતા રહેલી છે. જે તત્ત્વ જેટલું શક્તિશાળી હોય, તેટલું તેનો દુરુપયોગ થવાનું જોખમ પણ અધિક હોય છે; અને તેના સદુપયોગનો અવકાશ પણ એટલો જ અધિક હોય છે. મન એ આપણા શરીરમાં સ્થિત શક્તિશાળી યંત્ર હોવાથી તે બે-ધારી તલવાર જેવું કાર્ય કરે છે. જે લોકો અસુરી કક્ષા સુધી પતિત થઈ જાય છે તેનું કારણ તેમનું પોતાનું મન છે; અને જે લોકો ઉન્નત વિચારો પ્રાપ્ત કરે છે તેનું કારણ પણ તેમનું શુદ્ધ મન છે. તે અંગે અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ફ્રેન્કલીન ડી. રૂઝવેલ્ટે અતિ સુંદર અભિવ્યક્તિ કરી છે: “મનુષ્યો તેમનાં ભાગ્યના બંદીવાન હોતા નથી, પરંતુ કેવળ તેમના મનના બંદીવાન હોય છે.” આ શ્લોકમાં શ્રીકૃષ્ણ અર્જુનને આપણા મનની હાનિકારક અને લાભદાયક સુષુપ્ત શક્તિ અંગે જ્ઞાન આપે છે. નિમ્નલિખિત ત્રણ શ્લોકોમાં શ્રીકૃષ્ણ યોગ-આરૂઢ મનુષ્યના લક્ષણોનું વર્ણન કરે છે.