Bhagavad Gita: Chapter 6, Verse 43

તત્ર તં બુદ્ધિસંયોગં લભતે પૌર્વદેહિકમ્ । યતતે ચ તતો ભૂયઃ સંસિદ્ધૌ કુરુનન્દન ॥૪૩॥

તત્ર—ત્યાં; તમ્—તે; બુદ્ધિ-સંયોગમ્—તેમના જ્ઞાનની પુન:જાગૃતિ; લભતે—પામે છે; પૌર્વ-દેહિકમ્—પૂર્વજન્મમાંથી; યતતે—પ્રયાસ કરે છે; ચ—અને; તત:—ત્યાર પછી; ભૂય:—ફરીથી; સંસિદ્ધૌ—સિદ્ધિ માટે; કુરુ-નંદન—અર્જુન, કુરુવંશજ.

Translation

BG 6.43: હે કુરુપુત્ર! આવો જન્મ પામીને તેઓ તેમના પૂર્વજન્મનાં જ્ઞાનને પુન:જાગૃત કરે છે અને યોગમાં સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે અધિક કઠિન પરિશ્રમ કરે છે.

Commentary

સર્વ પ્રાણીઓના હૃદયમાં બિરાજમાન ભગવાન પૂર્ણ ન્યાયી છે. પૂર્વજન્મમાં આપણે જે કંઈ આધ્યાત્મિક પૂંજી—વિરક્તિ, જ્ઞાન, ભક્તિ, શ્રદ્ધા, સહિષ્ણુતા, દૃઢ સંકલ્પ વગેરે—અર્જિત કરી હોય છે તે સર્વ અંગેનું જ્ઞાન ભગવાનને હોય છે. તેથી, ઉચિત સમયે તેઓ આપણને આપણા અતીતના પ્રયાસોનું ફળ પ્રદાન કરે છે અને આપણી અગાઉની સંસિદ્ધિ અનુસાર આપણી આધ્યાત્મિકતામાં આંતરિક રીતે વૃદ્ધિ કરે છે. આ સ્પષ્ટ કરે છે કે, કેટલાક લોકો કે જેઓ ભૌતિકતાવાદી મત ધરાવતા હોય છે તેઓ અચાનક શા માટે ગહન રીતે આધ્યાત્મિક થઈ જાય છે? જયારે તેઓના આધ્યાત્મિક સંસ્કાર જાગૃત થાય છે ત્યારે તેમની પૂર્વજન્મની સાધનાનો લાભ પ્રાપ્ત કરે છે.

કોઈ પ્રવાસી આરામ કરવાના હેતુથી માર્ગમાં આવતા કોઈ વિશ્રામગૃહમાં રાત્રિ રોકાણ કરે છે. પરંતુ જયારે તે ઉઠે છે ત્યારે તેણે જે અંતર કાપી લીધું છે, તે પુન: પસાર કરવું પડતું નથી. તે કેવળ શેષ અંતર પૂર્ણ કરવા આગળ વધે છે. સમાનરૂપે, નિંદ્રામાંથી જાગૃત થયેલી વ્યક્તિની સમાન પૂર્વજન્મનો યોગી ભગવાનની કૃપાથી અતીતની સંચિત સંપત્તિ પ્રાપ્ત કરે છે અને જ્યાં તેની યાત્રા અધૂરી રહી ગઈ હતી ત્યાંથી તેનો પુન: આરંભ કરવા માટે પાત્ર બને છે. તેથી આવા યોગીનું પતન થતું નથી.