Bhagavad Gita: Chapter 6, Verse 41-42

પ્રાપ્ય પુણ્યકૃતાં લોકાનુષિત્વા શાશ્વતીઃ સમાઃ ।
શુચીનાં શ્રીમતાં ગેહે યોગભ્રષ્ટોઽભિજાયતે ॥૪૧॥
અથવા યોગિનામેવ કુલે ભવતિ ધીમતામ્ ।
એતદ્ધિ દુર્લભતરં લોકે જન્મ યદીદૃશમ્ ॥૪૨॥

પ્રાપ્ય—પ્રાપ્ત કરીને; પુણ્ય-કૃતમ્—પુણ્યશાળીઓનાં; લોકાન્—લોક; ઉષિત્વા—નિવાસ કરીને; શાશ્વતી:—અનેક; સમા:—વય; શુચીનામ્—પવિત્ર આત્માઓના; શ્રી-મતામ્—સમૃદ્ધશાળીઓના; ગેહે—ઘરમાં; યોગ-ભ્રષ્ટ:—અસફળ યોગીઓ; અભિજાયતે—જન્મ લે છે; અથ વા—અથવા; યોગિનામ્—દિવ્ય જ્ઞાનથી સંપન્ન; એવ—નિશ્ચિત; કુલે—કુળમાં; ભવતિ—જન્મે છે; ધીમતામ્—અત્યંત જ્ઞાનીઓના; એતત્—આ; હિ—નિશ્ચિત; દુર્લભતરમ્—અતિ દુર્લભ; લોકે—આ લોકમાં; જન્મ—જન્મ; યત્—જે; ઈદૃશમ્—આના સમાન.

Translation

BG 6.41-42: અસફળ યોગી, મૃત્યુ પશ્ચાત્,અસફળ યોગી પુણ્યશાળીઓના લોકમાં જાય છે. ત્યાં અનેક વર્ષો સુધી નિવાસ કરીને તેઓ પુન: પૃથ્વી પર પવિત્ર અને સમૃદ્ધ કુળમાં જન્મ લે છે. અથવા જો તેમનામાં અધિક યોગિક સાધનાને કારણે ઉદાસીનતાનો વિકાસ થયો હોય તો તેઓ દિવ્ય જ્ઞાનથી સંપન્ન કુળમાં જન્મ લે છે. આ જગતમાં આવો જન્મ પ્રાપ્ત કરવો અત્યંત દુર્લભ છે.

Commentary

સ્વર્ગલોકમાં એવા લોકોને નિવાસ પ્રાપ્ત થાય છે કે જેઓ લૌકિક સત્કર્મો અને વેદો પ્રદત્ત સકામ કર્મકાંડનું પાલન કરતા હોય. તો અસફળ યોગી શા માટે સ્વર્ગલોકમાં જાય છે? તેનું કારણ એ છે કે, યોગ (ભગવાન સાથે એકત્વ)નું વિપરીત ભોગ (માયિક સુખ) છે. મનુષ્ય ભોગની કામનાને કારણે યોગથી ભ્રષ્ટ થાય છે. તેથી ભગવાન દયાળુ પિતાની સમાન, ભ્રષ્ટ યોગીને બીજા જન્મમાં ભોગમાં વ્યસ્ત થવાનો અને તેની નિરર્થકતાની અનુભૂતિ કરવાનો અવસર પ્રદાન કરે છે કે ભોગ તેનાં આત્માની સ્થિર પરમાનંદની ઝંખનાને તૃપ્ત કરી શકતો નથી. તેથી યોગભ્રષ્ટ આત્માને કેટલીકવાર સ્વર્ગલોકમાં દીર્ઘકાળ સુધી મોકલવામાં આવે છે અને પશ્ચાત્ પૃથ્વી પર જન્મ આપવામાં આવે છે.

પશ્ચાત્ આવા આત્માઓને એવા કુળમાં જન્મ આપવામાં આવે છે કે જ્યાં તેમની આધ્યાત્મિક યાત્રામાં નિરંતર પ્રગતિ કરવા માટે તેમને સુગમ અવસર પ્રાપ્ત થાય છે. શુચિ અર્થાત્ તેઓ કે જે પવિત્ર ને શુદ્ધ ચરિત્ર ધરાવે છે; શ્રી અર્થાત્ તેઓ કે જે શ્રીમંત છે. અસફળ યોગી કાં તો પવિત્ર કુળમાં જન્મે છે કે જે પરિવારમાં એ બાળકની આધ્યાત્મિકતાનું બાળપણથી પોષણ કરવામાં આવે છે અથવા તો ધનાઢય પરિવારમાં જન્મે છે કે જ્યાં તેની સર્વ શારીરિક આવશ્યકતાઓની પૂર્તિનું ધ્યાન રાખવામાં આવે છે અને તે જીવે તેના અસ્તિત્વ માટે સંઘર્ષ કરવો પડતો નથી. આ પ્રકારનું પારિવારિક વાતાવરણ જીવાત્માની રુચિ અનુસાર તેની આધ્યાત્મિકતામાં વૃદ્ધિ કરવા માટે સુગમતા પ્રદાન કરે છે.

આપણા જન્મનાં સંજોગો, પરિસ્થિતિઓ અને પરિવાર આપણા જીવનની દિશા ઉપર અતિ મહત્ત્વપૂર્ણ પ્રભાવ પાડે છે. આપણા શારીરિક માતા-પિતા પાસેથી આપણને શારીરિક લક્ષણોનો વારસો પ્રાપ્ત થાય છે. આ આનુવાંશિક પ્રક્રિયા છે. પરંતુ, સામાજિક આનુવાંશિકતાની પણ એક મહત્ત્વપૂર્ણ પ્રક્રિયા છે. આપણા ઉછેરના સામાજિક વાતાવરણ અનુસાર આપણે અનેક પરંપરાઓનું આંધળું અનુકરણ કરીએ છીએ. આપણે ભારતીય,અમેરિકન કે બ્રિટીશ વગેરે બનવાનું પસંદ કરતા નથી. આપણે આપણા જન્મ અનુસાર આપણી રાષ્ટ્રીયતા સાથે તાદાત્મ્ય સાધી લઈએ છીએ અને તે હદ સુધી પહોંચી જઈએ છીએ કે અન્ય રાષ્ટ્રીયતા ધરાવતા લોકો સાથે શત્રુતાનો ભાવ પણ વિકસિત કરી લઈએ છીએ. આ પ્રમાણે, હંમેશા સામાજિક આનુવાંશિકતાને આધારે આપણા માતા-પિતાના ધર્મનું અનુસરણ કરીએ છીએ.

આ પ્રમાણે, આપણા જન્મનું સ્થાન અને કુળનો આપણા જીવનની દિશા અને ઉપલબ્ધિ ઉપર અતિ ગહન પ્રભાવ રહેલો છે. જો જન્મ સ્થાન અને કુળની પસંદગી સ્વચ્છંદી રીતે નિર્ણિત કરવામાં આવતી હોત તો સંસારમાં ક્યાંય ન્યાય રહેત નહીં. પરંતુ ભગવાન પાસે આપણાં અનંત જન્મોના સર્વ વિચારો અને કર્મોનો હિસાબ છે. કર્મના સિદ્ધાંત અનુસાર, અસફળ યોગીને તેના પૂર્વજન્મની અર્જિત આધ્યાત્મિક સંપત્તિના ફળ પ્રાપ્ત થાય છે. તદ્દનુસાર, જે યોગીઓ અધિક યાત્રા પસાર કરી ચૂક્યા છે અને ઉદાસીન થઈ ગયા હોય, તેઓને સ્વર્ગલોકમાં મોકલવામાં આવતા નથી. તેઓને આધ્યાત્મિક દૃષ્ટિએ ઉન્નત કુળમાં જન્મ આપવામાં આવે છે કે જેથી તેમની યાત્રાને નિરંતર આગળ વધારવામાં સુગમતા પ્રાપ્ત થાય. આવો જન્મ પ્રાપ્ત કરવો એ ભાગ્યની મહાનતા છે, કારણ કે આવા માતા-પિતા પ્રારંભથી જ બાળકનાં અંતરમાં દિવ્ય જ્ઞાનનું આરોપણ કરે છે.