Bhagavad Gita: Chapter 6, Verse 9

સુહૃન્મિત્રાર્યુદાસીનમધ્યસ્થદ્વેષ્યબન્ધુષુ ।
સાધુષ્વપિ ચ પાપેષુ સમબુદ્ધિર્વિશિષ્યતે ॥૯॥

સુહ્રત—શુભેચ્છકો; મિત્ર—મિત્ર; અરિ—શત્રુ; ઉદાસીન—તટસ્થ મનુષ્ય; મધ્ય-સ્થ—મધ્યસ્થી કરનાર; દ્વેષ્ય—ઈર્ષાળુ; બન્ધુષુ—સંબંધીઓ; સાધુષુ—પવિત્ર; અપિ—જેમ; ચ—અને; પાપેષુ—પાપીઓ; સમ-બુદ્ધિ:—નિષ્પક્ષ બુદ્ધિ; વિશિષ્યતે—વિશિષ્ટ.

Translation

BG 6.9: યોગીઓ સર્વને—શુભેચ્છકો, મિત્રો, શત્રુઓ, પવિત્ર લોકો અને પાપીઓને—નિષ્પક્ષ બુદ્ધિથી જોવે છે. તે યોગી કે જે મિત્ર, સાથી અને શત્રુ પ્રત્યે સમાન બુદ્ધિ ધરાવે છે, શત્રુ અને સંબંધીઓ પ્રત્યે તટસ્થ રહે છે અને પુણ્યશાળી અને પાપી પ્રત્યે સમદર્શી રહે છે, તેને મનુષ્યોમાં વિશિષ્ટ ગણવામાં આવે છે.

Commentary

મનુષ્યના મનની એ પ્રકૃતિ છે કે તે મિત્ર અને શત્રુ પ્રત્યે ભિન્ન-ભિન્ન રીતે પ્રતિક્રિયા આપે છે. પરંતુ યોગ આરૂઢ મનુષ્યનો સ્વભાવ અલગ હોય છે. ભગવાનના અનુભૂત જ્ઞાનથી સંપન્ન સિદ્ધ યોગી સમગ્ર સર્જનને ભગવાન સાથેના ઐક્ય સ્વરૂપે જોવે છે. આ પ્રમાણે, તેઓ સર્વ જીવંત પ્રાણીઓને સમાન દૃષ્ટિથી જોવે છે. આ સમદર્શિતા પણ વિવિધ સ્તરો ધરાવે છે:

૧. “બધા પ્રાણીઓ દિવ્ય આત્મા છે, તેથી ભગવાનનો અંશ છે.” આ પ્રમાણે તેમને એક સમાન જોવામાં આવે છે. આત્મવત્ સર્વભૂતેષુ ય: પશ્યતિ સ પંડિતા:  “સાચો પંડિત એ છે કે જે દરેકને આત્મા સ્વરૂપે જોવે છે અને એ રીતે સર્વને સ્વયંની સમાન ગણે છે.”

૨. ઉચ્ચતર દૃષ્ટિ: “ભગવાન પ્રત્યેક જીવમાં બિરાજમાન છે અને તેથી સર્વ એક સમાન માનને પાત્ર છે.”

૩. ઉચ્ચતમ કક્ષાએ યોગીની દૃષ્ટિનો વિકાસ આ પ્રમાણે થાય છે: “દરેક પ્રાણી ભગવાનનું રૂપ છે.”

વૈદિક ગ્રંથો પુન: પુન: વર્ણન કરે છે કે, સમગ્ર વિશ્વ એ ભગવાનનું સાક્ષાત સ્વરૂપ છે: ઈશાવાસ્યમ્ ઇદં સર્વં યત્ કિઞ્ચ જગત્યાં જગત્ (ઇશોપનિષદ્ ૧) “સમગ્ર બ્રહ્માંડ તેના સર્વ ચેતન અને અચેતન પ્રાણીઓ સહિત પરમાત્માનું પ્રગટીકરણ છે, કે જેઓ તેમની અંદર વિદ્યમાન છે.” પુરુષ એવેદં સર્વં  (પુરુષ સૂક્તમ્, ઋગ વેદ) “ભગવાન આ વિશ્વમાં સર્વત્ર છે અને સર્વ પદાર્થો તેમની શક્તિ છે.” આમ, સર્વોત્કૃષ્ટ યોગી દરેકને ભગવાનના પ્રાગટ્ય રૂપે જોવે છે. આવી દૃષ્ટિથી સંપન્ન હનુમાન કહે છે: સિય રામ મય સબ જગ જાની (રામાયણ) “હું દરેક પ્રાણીમાં સીતા રામનું મુખ જોવું છું.”

આ શ્રેણીઓની વિસ્તૃત ચર્ચા ૬.૩૧ શ્લોકના ભાષ્યમાં કરવામાં આવી છે. ઉપરોક્ત ત્રણેય શ્રેણીઓના સંદર્ભમાં શ્રીકૃષ્ણ કહે છે કે, જે યોગી સર્વ મનુષ્યો પ્રત્યે સમદર્શિતા જાળવી રાખે છે, તે અગાઉના શ્લોકમાં વર્ણિત યોગી કરતાં પણ અધિક ઉન્નત છે. યોગ અવસ્થાનું વર્ણન કરીને, આગળના શ્લોકના પ્રારંભથી શ્રીકૃષ્ણ એ સાધનાનું વર્ણન કરે છે કે જેના દ્વારા આપણે આ અવસ્થા પ્રાપ્ત કરી શકીએ.