તપસ્વિભ્યોઽધિકો યોગી જ્ઞાનિભ્યોઽપિ મતોઽધિકઃ ।
કર્મિભ્યશ્ચાધિકો યોગી તસ્માદ્યોગી ભવાર્જુન ॥૪૬॥
તપસ્વિભ્ય:—તપસ્વીઓ કરતાં; અધિક:—શ્રેષ્ઠ; યોગી—યોગી; જ્ઞાનિભ્ય:—જ્ઞાનીજનો કરતાં; અપિ—પણ; મત:—માનવામાં આવે છે; અધિક:—શ્રેષ્ઠ; કર્મિભ્ય:—કર્મકાંડીઓ કરતાં; ચ—અને; અધિક:—શ્રેષ્ઠ; યોગી—યોગી; તસ્માત્—માટે; યોગી—યોગી; ભવ—થા; અર્જુન—અર્જુન.
Translation
BG 6.46: યોગી તપસ્વી કરતાં શ્રેષ્ઠ હોય છે, જ્ઞાની કરતાં શ્રેષ્ઠ હોય છે અને કર્મી કરતા પણ શ્રેષ્ઠ હોય છે. તેથી, હે અર્જુન, તું યોગી બનવાનો પ્રયાસ કર.
Commentary
તપસ્વી એ છે કે જે મોક્ષ પ્રાપ્ત કરવાના સાધન સ્વરૂપે સ્વેચ્છાએ વૈરાગ્યનો સ્વીકાર કરે છે અને ઇન્દ્રિયોના સુખો અને સંપત્તિના સંગ્રહથી દૂર રહીને, નિતાંત આત્મસંયમી જીવન વ્યતીત કરે છે. જ્ઞાની એ અભ્યાસી મનુષ્ય છે કે જે સક્રિય રીતે જ્ઞાનની વૃદ્ધિ માટે વ્યસ્ત રહે છે. કર્મી એ છે કે જે સંસારી ઐશ્વર્ય અને સ્વર્ગલોકની પ્રાપ્તિ માટે વૈદિક કર્મકાંડોનું પાલન કરે છે. શ્રીકૃષ્ણ ઘોષિત કરે છે કે યોગી આ સર્વની તુલનામાં શ્રેષ્ઠ છે. આ માટેનું કારણ અતિ સરળ છે. કર્મી, જ્ઞાની અને તપસ્વીનું લક્ષ્ય લૌકિક સિદ્ધિની પ્રાપ્તિ છે; તેઓ હજી અસ્તિત્વના શારીરિક સ્તરે છે. યોગી સંસાર માટે પ્રયાસ કરતો નથી પરંતુ ભગવાન માટે કરે છે. પરિણામ સ્વરૂપે, યોગીની સિદ્ધિ આધ્યાત્મિક સ્તરે હોય છે અને તે અન્ય સર્વ કરતાં અધિક શ્રેષ્ઠ છે.