Bhagavad Gita: Chapter 6, Verse 31

સર્વભૂતસ્થિતં યો માં ભજત્યેકત્વમાસ્થિતઃ ।
સર્વથા વર્તમાનોઽપિ સ યોગી મયિ વર્તતે ॥૩૧॥

સર્વ-ભૂત-સ્થિતમ્—સર્વ પ્રાણીઓમાં સ્થિત; ય:—જે; મામ્—મને; ભજતિ—ભજે છે; એકત્વમ્—તાદાત્મ્યમાં; આસ્થિત:—સ્થિત; સર્વથા—સર્વ પ્રકારે; વર્તમાન:—વિદ્યમાન; અપિ—છતાં; સ:—તે; યોગી—યોગી; મયિ—મારામાં; વર્તતે—રહે છે.

Translation

BG 6.31: જે યોગી મારી સાથેના જોડાણમાં સ્થિત થઈને સર્વ પ્રાણીઓમાં વિદ્યમાન પરમાત્મા તરીકે મને ભજે છે, તે સર્વ પ્રકારની પ્રવૃત્તિઓમાં વ્યસ્ત હોવા છતાં મારામાં સ્થિત રહે છે.

Commentary

ભગવાન સંસારમાં સર્વ-વ્યાપક છે. તેઓ પરમાત્મા સ્વરૂપે પ્રત્યેક પ્રાણીના હૃદયમાં બિરાજમાન છે. શ્લોક ૧૮.૬૧માં શ્રીકૃષ્ણ કહે છે: “હું સર્વ જીવંત પ્રાણીઓના હૃદયમાં બિરાજમાન છું.” આ પ્રમાણે, પ્રત્યેક જીવંત પ્રાણીઓમાં બે વિભૂતિઓ નિવાસ કરે છે—આત્મા અને પરમાત્મા.

૧. જે લોકો માયિક ચેતના ધરાવે છે, તેઓ પ્રત્યેક જીવને શરીર તરીકે જોવે છે અને જાતિ, વર્ગ, પંથ, વય, સામાજિક પદને આધારે તેમનામાં ભેદ કરે છે.

૨. ઉચ્ચતર ચેતના ધરાવતા લોકો પ્રત્યેકને આત્મા સ્વરૂપે જોવે છે. શ્લોક ૫.૧૮માં શ્રીકૃષ્ણ કહે છે: “વિદ્વાન વ્યક્તિ, દિવ્ય જ્ઞાનચક્ષુ દ્વારા બ્રાહ્મણ, ગાય, હાથી, શ્વાન અને શ્વાન-ભક્ષીને સમદૃષ્ટિથી જોવે છે.”

૩. દિવ્ય ચેતનાયુક્ત સિદ્ધ યોગીઓ ભગવાનને પ્રત્યેક જીવમાં પરમાત્મા સ્વરૂપે બિરાજેલા જોવે છે. તેઓ સંસારનું દર્શન પણ કરે છે પરંતુ તે અંગે અલિપ્ત રહે છે. તેઓ હંસ સમાન છે કે, જેઓ નીર-ક્ષીરનાં મિશ્રણમાંથી દુગ્ધપાન કરે છે અને જળ છોડી દે છે.

૪. સર્વોચ્ચ સિદ્ધાવસ્થા પ્રાપ્ત યોગીઓને પરમહંસ કહેવામાં આવે છે. તેઓ કેવળ ભગવાનનું જ દર્શન કરે છે અને તેમને સંસારનો બોધ હોતો નથી. શ્રીમદ્ ભાગવતમ્ નાં વર્ણન અનુસાર મહર્ષિ વેદવ્યાસના પુત્ર શુકદેવની અનુભૂતિ આ અવસ્થાની હતી:

              યં પ્રવ્રજન્તમનુપેતમપેતકૃત્યં

             દ્વૈપાયનો વિરહ-કાતર આજુહાવ

            પુત્રેતિ તન્મયતયા તરવોઽભિનેદુ-

           સ્તં સર્વભૂતહૃદયં મુનિમાનતોઽસ્મિ (૧.૨.૨)

જયારે શુકદેવ બાળપણમાં જ સંન્યાસની વિરક્ત અવસ્થામાં તેમના ઘરેથી ચાલી નીકળ્યા ત્યારે તેઓ એવી સિદ્ધાવસ્થાએ હતા કે તેમને સંસારનો કોઈ બોધ જ ન હતો. જયારે તેઓ પસાર થઈ રહયા હતા ત્યારે સરોવરમાં સુંદર સ્ત્રીઓ નગ્નાવસ્થામાં સ્નાન કરી રહી હતી. તેમણે એ તરફ પણ ધ્યાન ન આપ્યું. તેમણે કેવળ ભગવાનને જોયા; ભગવાનને સાંભળ્યા અને ભગવાન અંગે જ ચિંતન કર્યું.

આ શ્લોકમાં શ્રીકૃષ્ણ આવા પૂર્ણ સિદ્ધ યોગીની ચર્ચા કરે છે કે જેઓ ઉપરોક્ત વર્ણિત સાક્ષાત્કારની અનુભૂતિની તૃતીય અને ચતુર્થ  અવસ્થામાં સ્થાન ધરાવે છે.