Bhagavad Gita: Chapter 6, Verse 20

યત્રોપરમતે ચિત્તં નિરુદ્ધં યોગસેવયા ।
યત્ર ચૈવાત્મનાત્માનં પશ્યન્નાત્મનિ તુષ્યતિ ॥૨૦॥

યત્ર—જયારે; ઉપરમતે—આંતરિક સુખની અનુભૂતિ; ચિત્તમ્—મન; નિરુદ્ધમ્—અંકુશિત; યોગ-સેવયા—યોગના અભ્યાસ દ્વારા; યત્ર—જયારે; ચ—અને; એવ—નિશ્ચિત; આત્મના—વિશુદ્ધ મનથી; આત્માનામ્—આત્મા; પશ્યમ્—જોવું; આત્મનિ—પોતાની અંદર; તુષ્યતિ—તુષ્ટ થાય છે.

Translation

BG 6.20: જયારે મન માયિક પ્રવૃત્તિઓથી દૂર રહીને યોગ સાધના દ્વારા સ્થિર થાય છે, ત્યારે યોગી વિશુદ્ધ મનથી આત્મતત્ત્વને જોઈ શકે છે અને તે આંતરિક આનંદને માણે છે.

Commentary

ધ્યાનની પ્રક્રિયા તથા તેની પૂર્ણાવસ્થાની પ્રસ્તુતિ કર્યા પશ્ચાત્ હવે શ્રીકૃષ્ણ આવા પ્રયાસોના પરિણામો પ્રગટ કરે છે. જયારે મન વિશુદ્ધ થઈ જાય છે ત્યારે મનુષ્ય સ્વયંને શરીર, મન અને બુદ્ધિથી ભિન્નરૂપે જોઈ શકે છે. ઉદાહરણ તરીકે, જો પ્યાલામાં માટીવાળું જળ ભરેલું હોય તો આપણે તેની આરપાર જોઈ શકતા નથી. પરંતુ, જો તે જળમાં આપણે ફટકડી નાખીએ તો માટી નીચે બેસી જાય છે અને જળ સ્વચ્છ થઈ જાય છે. એ જ પ્રમાણે, જયારે મન અશુદ્ધ હોય છે ત્યારે તે આત્માની વિભાવનાને અસ્પષ્ટ કરી દે છે અને કોઈપણ પ્રકારનું આત્મા અંગેનું પ્રાપ્ય આધ્યાત્મિક જ્ઞાન કેવળ સૈદ્ધાંતિક કક્ષાએ જ રહે છે. પરંતુ, જયારે મન શુદ્ધ થઈ જાય છે ત્યારે પ્રત્યક્ષ અનુભૂતિ દ્વારા આત્માનો બોધ થઈ શકે છે.