Bhagavad Gita: Chapter 6, Verse 34

ચઞ્ચલં હિ મનઃ કૃષ્ણ પ્રમાથિ બલવદ્ દૃઢમ્ ।
તસ્યાહં નિગ્રહં મન્યે વાયોરિવ સુદુષ્કરમ્ ॥૩૪॥

ચંચલમ્—ચંચળ; હિ—નિશ્ચિત; મન:—મન; કૃષ્ણ—શ્રીકૃષ્ણ; પ્રમાથિ—વિચલિત કરનારું; બલ-વત્—બળવાન; દૃઢમ્—દુરાગ્રહી; તસ્ય—તેનું; અહમ્—હું; નિગ્રહમ્—નિયમન; મન્યે—માનું છું; વાયો:—વાયુની; ઈવ—જેમ; સુ-દુષ્કરમ્—પાલન કરવા માટે દુષ્કર.

Translation

BG 6.34: મન અતિ ચંચળ, ઉપદ્રવી, બળવાન અને દુરાગ્રહી છે. હે કૃષ્ણ! મને તો તે વાયુને વશ કરવા કરતાં પણ અધિક દુષ્કર લાગે છે.

Commentary

જ્યારે અર્જુન મનને ઉપદ્રવી વર્ણિત કરે છે ત્યારે તે આપણા સૌ માટે ઉચ્ચારણ કરે છે. મન ચંચળ છે,કારણ કે તે ભિન્ન-ભિન્ન દિશાઓમાં એક વિષય પરથી બીજા વિષય પર ભટક્યા કરે છે. તે અશાંત છે કારણ કે, તે ઘૃણા, ક્રોધ, વાસના, લોભ, ઈર્ષ્યા, ચિંતા, ભય, આસક્તિ વગેરે સ્વરૂપે મનુષ્યની ચેતનામાં ઉથલપાથલ કર્યા કરે છે. બળવાન છે, કારણ કે તે બુદ્ધિને શક્તિશાળી પ્રવાહોથી પ્રભાવિત કરીને વિવેકની ક્ષમતા નષ્ટ કરી દે છે. મન દુરાગ્રહી પણ છે, કારણ કે તે જયારે હાનિકારક વિચારો ગ્રહણ કરે છે ત્યારે તેમાંથી મુક્ત થવાના બદલે તેનું પુન: પુન: ચિંતન કરીને બુદ્ધિને હતાશ કરી દે છે. આ પ્રમાણે, તેના હાનિકારક લક્ષણોની ગણના કરીને અર્જુન ઘોષિત કરે છે કે વાયુ કરતાં પણ મનને વશમાં કરવું અધિક દુષ્કર છે. આ એક અતિ ઉચિત ઉપમા છે, કારણ કે આકાશમાં વ્યાપ્ત પ્રચંડ વાયુને નિયંત્રિત કરવાની કોઈ કલ્પના પણ કરી શકે નહીં.

આ શ્લોકમાં, અર્જુન ભગવાનને કૃષ્ણ તરીકે સંબોધે છે. કૃષ્ણનો અર્થ છે, “કર્ષતિ યોગિનાં પરમહંસાનાં ચેતાંસિ ઇતિ કૃષ્ણ:”  “કૃષ્ણ અર્થાત્ જે બળપૂર્વક દૃઢ મનોબળ ધરાવતા યોગીઓ અને પરમહંસોના મનને પણ આકર્ષિત કરે છે.” અર્જુન આ રીતે સૂચવે છે કે, શ્રીકૃષ્ણે તેના અશાંત, ઉપદ્રવી, દૃઢ અને હઠીલા મનને પણ પોતાના પ્રત્યે આકર્ષી લેવું જોઈએ.