Bhagavad Gita: Chapter 6, Verse 39

એતન્મે સંશયં કૃષ્ણ છેત્તુમર્હસ્યશેષતઃ ।
ત્વદન્યઃ સંશયસ્યાસ્ય છેત્તા ન હ્યુપપદ્યતે ॥૩૯॥

એતત્—આ; મે—મારો; સંશયમ્—સંદેહ; કૃષ્ણ—શ્રીકૃષ્ણ; છેત્તુમ્—દૂર કરવા; અર્હસિ—તમે કરી શકો છે; અશેષત:—પૂર્ણપણે; ત્વત્—આપનાથી; અન્ય:—અન્ય; સંશયસ્ય—સંદેહનો; અસ્ય—આ; છેત્તા—નિવારણ કરનાર; ન—કદાપિ નહીં; હિ—નિશ્ચિત; ઉપપદ્યતે—ઉચિત છે.

Translation

BG 6.39: હે શ્રીકૃષ્ણ! કૃપા કરીને મારા આ સંદેહનું પૂર્ણપણે નિવારણ કરો, કારણ કે આપના અતિરિક્ત અન્ય કોણ તે કરી શકે તેમ છે?

Commentary

સંદેહ અજ્ઞાનમાંથી ઉત્પન્ન થાય છે અને સંદેહનું નિવારણ કરવાની શક્તિ જ્ઞાનમાંથી આવે છે. શાસ્ત્રોનાં જ્ઞાતાઓ સૈદ્ધાંતિક જ્ઞાન ધરાવતા હોય છે, જે સંદેશનું નિવારણ કરવા માટે પર્યાપ્ત નથી, કારણ કે શાસ્ત્રોમાં અનેક વિરોધાભાસ રહેલા છે જેનું સમાધાન કેવળ અનુભૂતિ દ્વારા જ થઈ શકે છે. ભગવદ્-પ્રાપ્ત સંતો આવા અનુભૂત જ્ઞાનથી સંપન્ન હોય છે, જે સીમિત માત્રામાં હોય છે. તેઓ સર્વજ્ઞ હોતા નથી. આવા ભગવદ્-પ્રાપ્ત સંતો સંશયના નિવારણ માટેની શક્તિ ધરાવતા હોય છે પરંતુ તેઓ ભગવાન કે જે સર્વજ્ઞ છે, તેમની સાથે સ્પર્ધા કરી શકતા નથી. કેવળ ભગવાન સર્વજ્ઞ અને સર્વશક્તિમાન છે અને તેથી જેમ સૂર્ય અંધકારનું નિવારણ કરવા માટે સક્ષમ છે તેવી જ રીતે ભગવાન સર્વ અજ્ઞાનને દૂર કરવા માટે પરમ સમર્થ છે.