Bhagavad Gita: Chapter 6, Verse 40

શ્રીભગવાનુવાચ ।
પાર્થ નૈવેહ નામુત્ર વિનાશસ્તસ્ય વિદ્યતે ।
ન હિ કલ્યાણકૃત્કશ્ચિદ્ દુર્ગતિં તાત ગચ્છતિ ॥૪૦॥

શ્રીભગવાન ઉવાચ—પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા; પાર્થ—અર્જુન, પૃથાપુત્ર; ન એવ—કદાપિ એવું નથી; ઇહ—આ ભૌતિક જગતમાં; ન—કદી નહીં; અમુત્ર—બીજા જન્મમાં; વિનાશ:—નાશ; તસ્ય—તેનો; વિદ્યતે—થાય છે; ન—કદી નહીં; હિ—નિશ્ચિત; કલ્યાણ-કૃત્—જે ભગવદ્-પ્રાપ્તિ માટે પ્રયાસ કરે છે; કશ્ચિત્—કોઈપણ; દુર્ગતિમ્—દુર્ગતિ; તાત—હે મિત્ર; ગચ્છતિ—જાય છે.

Translation

BG 6.40: પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા: હે પાર્થ! જેઓ આધ્યાત્મિક માર્ગનું અનુસરણ કરે છે તેમનો આ લોકમાં કે પરલોકમાં વિનાશ થતો નથી. મારા પ્રિય મિત્ર! જે ભગવદ્દ-પ્રાપ્તિ માટે પ્રયાસ કરે છે, તેની કદાપિ અધોગતિ થતી નથી.

Commentary

તાત શબ્દ સ્નેહપૂર્ણ શબ્દ છે, જેનો શબ્દશ: અર્થ છે ‘પુત્ર’. આ શ્લોકમાં અર્જુનને તાત તરીકે સંબોધન કરીને શ્રીકૃષ્ણ પ્રતિ સ્વયંનો પ્રેમ વ્યક્ત કરે છે. પુત્રને સ્નેહપૂર્વક તાત સંબોધન કરવામાં આવે છે. ગુરુ તેના શિષ્ય માટે પિતા સમાન છે અને તેથી ગુરુ પણ કેટલીક વાર શિષ્યને સ્નેહવશ તાત તરીકે સંબોધન કરે છે. અહીં, અર્જુન પ્રત્યે પિતાનો સ્નેહ અને કૃપા પ્રદર્શિત કરીને શ્રીકૃષ્ણ સૂચિત કરવા માંગે છે કે ભગવાન તેમની સહાય કરે છે, જે લોકો તેમના માર્ગનું અનુસરણ કરે છે. તેઓ ભગવાનને પ્રિય છે કારણ કે તેઓ ઉચ્ચતમ પવિત્ર પ્રવૃત્તિઓમાં પરોવાયેલા હોય છે અને “ભલાઈ કરનારને કદાપિ કષ્ટ આવતું નથી.” આ શ્લોક એ વાતની પુષ્ટિ કરે છે કે, ભગવાન આ લોકમાં અને પરલોકમાં તેમના ભક્તની રક્ષા કરે છે. આ ઉદ્દઘોષણા સર્વ આધ્યાત્મિક સાધકો માટે મહાન આશ્વાસન છે. પશ્ચાત્ શ્રીકૃષ્ણ સ્પષ્ટ કરે છે કે ભગવાન કેવી રીતે એ યોગીનાં પ્રયાસોનો સંચય કરે છે કે જે વર્તમાન જીવનમાં તેની યાત્રા પૂર્ણ કરી શકતો નથી.