Bhagavad Gita: Chapter 6, Verse 27

પ્રશાન્તમનસં હ્યેનં યોગિનં સુખમુત્તમમ્ ।
ઉપૈતિ શાન્તરજસં બ્રહ્મભૂતમકલ્મષમ્ ॥૨૭॥

પ્રશાન્ત—પ્રશાંત; મનસમ્—મન; હિ—નિશ્ચિત; એનમ્—આ; યોગીનમ્—યોગી; સુખમ્-ઉત્તમમ્—સર્વશ્રેષ્ઠ આનંદ; ઉપૈતિ—પ્રાપ્ત થાય છે; શાંત-રજસમ્—જેની વાસના શાંત થયેલી છે; બ્રહ્મ-ભૂતમ્—ભગવદ્-પ્રાપ્તિની અનુભૂતિથી યુક્ત; અકલ્મષમ્—પાપરહિત.

Translation

BG 6.27: જે યોગીનું મન શાંત છે, જેની કામનાઓ વશમાં છે, જે પાપરહિત છે અને જે પ્રત્યેક વસ્તુને ભગવાનના અનુસંધાનમાં જોવે છે; તેને સર્વોચ્ચ દિવ્ય આનંદની પ્રાપ્તિ થાય છે.

Commentary

જેમ જેમ યોગી મનને ઇન્દ્રિયજન્ય વિષયોમાંથી હટાવીને ભગવાનમાં કેન્દ્રિત કરવાની સાધનામાં નિપુણતા પ્રાપ્ત કરતો જાય છે, તેમ તેમ તેની કામનાઓ નિયંત્રિત થતી જાય છે અને મન તદ્દન શાંત થતું જાય છે. શરૂઆતમાં, મનને ભગવાનમાં કેન્દ્રિત કરવા માટે પ્રયાસો આવશ્યક હતા, પરંતુ હવે તે સહજતાથી ભગવાન તરફ દોડી જાય છે. આ સ્તરે, ઉન્નત સાધક પ્રત્યેક પદાર્થને ભગવાનના અનુસંધાનમાં જોવે છે. નારદ મુનિ કહે છે:

તત્પ્રાપ્ય તદેવાવલોકયતિ, તદેવ શૃણોતિ, તદેવ ભાષયતિ તદેવ ચિન્તયતિ

(નારદ ભક્તિ દર્શન, સૂત્ર ૫૫)

“જે ભક્તનું મન ભગવદ્ પ્રેમમાં એક થઈ ગયું છે, તેની ચેતના સદા ભગવાનમાં લય રહે છે. આવો ભક્ત સદા તેને જોવે છે, સાંભળે છે, તેમના વિષે બોલે છે અને તેમના વિષે વિચારે છે.” જયારે આ પ્રમાણે મન ભગવાનમાં લીન થઈ જાય છે ત્યારે આત્મા અંદર સ્થિત ભગવાનના અસીમિત આનંદની ઝાંખીનો અનુભવ કરવા લાગે છે.

સાધકો અનેક વાર પ્રશ્ન કરે છે કે, તેઓ કઈ રીતે જાણે કે તેઓ પ્રગતિ કરી રહ્યા છે? આનો ઉત્તર આ શ્લોકમાં વણાયેલો છે. જયારે આપણને એવી પ્રતીતિ થાય કે આપણા આંતરિક અલૌકિક આનંદમાં વૃદ્ધિ થઈ રહી છે ત્યારે આપણે તેને મન નિયંત્રિત થઈ રહ્યું હોવાના અને આધ્યાત્મિક દૃષ્ટિએ ચેતના ઉન્નત થઈ રહી હોવાના લક્ષણ તરીકે સ્વીકારી શકીએ. અહીં, શ્રીકૃષ્ણ કહે છે કે, આપણે જયારે શાંત-રજસમ્ (કામનાઓથી મુક્ત) અને અક્લ્મષમ્ (પાપરહિત) થઈશું, પશ્ચાત્ આપણે બ્રહ્મ ભૂતમ્ (ભગવદ્-પ્રાપ્તિની અનુભૂતિથી યુક્ત) થઈ જઈશું. તે અવસ્થામાં, આપણે સુખમ્ ઉત્તમમ્ (સર્વશ્રેષ્ઠ આનંદ)ની અનુભૂતિ કરીશું.