Bhagavad Gita: Chapter 3, Verse 12

ઈષ્ટાન્ભોગાન્હિ વો દેવા દાસ્યન્તે યજ્ઞભાવિતાઃ ।
તૈર્દત્તાનપ્રદાયૈભ્યો યો ભુઙ્ક્તે સ્તેન એવ સઃ ॥ ૧૨॥

ઈષ્ટાન્—ઈચ્છિત; ભોગાન્—જીવનની જરૂરિયાતો; હિ—નક્કી; વ:—તમને; દેવા:—દેવો; દાસ્યન્તે—આપશે; યજ્ઞ-ભાવિતા:—યજ્ઞો કરવાથી પ્રસન્ન થઈને; તૈ:—તેમના વડે; દત્તાન્—આપેલી વસ્તુઓ; અપ્રદાય—અર્પણ કર્યાં વિના; એભ્ય:—તેમને; ય:—જે; ભુંક્તે—ભોગવે છે; સ્તેન:—ચોર; એવ—નક્કી; સ:—તેઓ.

Translation

BG 3.12: યજ્ઞ સંપન્ન કરવાથી પ્રસન્ન થઈને સ્વર્ગીય દેવતાઓ તમારા  જીવન નિર્વાહ માટે ઈચ્છિત સર્વ આવશ્યકતાઓની પૂર્તિ કરશે. પરંતુ જેઓ આ પ્રાપ્ત ઉપહારોને દેવતાઓને અર્પણ કર્યા વિના ભોગવે છે, તેઓ નિ:શંક ચોર છે.

Commentary

બ્રહ્માંડની વિવિધ ગતિવિધિઓના પ્રશાસક તરીકે દેવતાઓ આપણને વર્ષા, વાયુ, અન્ન, વનસ્પતિ, ખનીજો, ફળદ્રુપ જમીન વગેરે પ્રદાન કરે છે. દેવતાઓથી પ્રાપ્ત આ સર્વ ઉપહારો માટે આપણે સમગ્ર માનવજાતિ તેમની ઋણી છીએ. દેવતાઓ તેમનાં કર્તવ્યોનું પાલન કરે છે અને બદલામાં અપેક્ષા રાખે છે કે આપણે મનુષ્યો પણ યથોચિત ચેતનાવસ્થામાં રહીને નિષ્ઠાપૂર્વક આપણા કર્તવ્યોનું પાલન કરીએ. આ સર્વ સ્વર્ગીય દેવતાઓ પરમ શક્તિમાન ભગવાનના દાસ હોવાથી, જયારે કોઈ ભગવાન માટે યજ્ઞ કરે છે ત્યારે તે દેવતાઓ તેના પર પ્રસન્ન થાય છે અને બદલામાં લાભદાયક ભૌતિક પરિસ્થિતિઓનું નિર્માણ કરીને આવા જીવાત્માને સહાયરૂપ થાય છે. તેથી, એમ કહેવાય છે કે જયારે આપણે ભગવાનની સેવા કરવાનો દૃઢ સંકલ્પ કરીએ છીએ ત્યારે સમગ્ર બ્રહ્માંડ આપણને સહયોગ કરવાનો પ્રારંભ કરી દે છે.

પરંતુ, જો આપણે પ્રકૃતિ તરફથી મળેલા ઉપહારોને ભગવાનની સેવા કરવાના પદાર્થોના નિમિત્ત તરીકે નહિ પરંતુ આપણા પોતાના ભોગના સાધન માનીએ છીએ, તો શ્રીકૃષ્ણ આવી માનસિકતાને ચોરવૃત્તિ કહે છે. લોકો ઘણીવાર પ્રશ્ન પૂછે છે: “હું સદાચારી જીવન વ્યતીત કરું છે; હું કોઈનું અહિત કરતો નથી કે હું ક્યારેય ચોરી કરતો નથી. પરંતુ હું ન તો ભગવાનની સાધના કરવામાં માનું છું કે ન તો ભગવાનના અસ્તિત્વમાં માનું છે. શું હું કંઈ અનુચિત કરું છું?” આ પ્રશ્નનો ઉત્તર ઉપરોક્ત શ્લોકમાં આપવામાં આવ્યો છે. આવા લોકો સામાન્ય મનુષ્યોની દૃષ્ટિએ કદાચ કંઈ અનુચિત કરતા નથી પરંતુ ભગવાનની દૃષ્ટિએ તેઓ ચોર છે. જેમ કે, આપણે કોઈના ઘરમાં જઈએ અને તેના માલિકને જણાવ્યા વિના, આપણે એના સોફા પર બેસી જઈએ, ફ્રિજમાંથી ખાવાના પદાર્થોનું સેવન કરવા લાગીએ, તેમના વિશ્રામખંડનો ઉપયોગ કરીએ અને પછી આપણે કદાચ એવો દાવો કરીએ કે આપણે કશું અનુચિત કરી રહ્યા નથી પરંતુ કાયદાની દૃષ્ટિએ આપણને ચોર માનવામાં આવશે, કારણ કે આ ઘર આપણું નથી. એ જ પ્રમાણે, જે વિશ્વમાં આપણે નિવાસ કરીએ છીએ, તેનું સર્જન ભગવાન દ્વારા કરવામાં આવ્યું છે અને તેની પ્રત્યેક વસ્તુઓ ભગવાનની જ છે. જો તેમના આધિપત્યનો સ્વીકાર કર્યા વિના આપણે તેમના સર્જનનો આપણા સુખ-ભોગ માટે ઉપયોગ કરીએ છીએ તો દૈવીય દૃષ્ટિકોણથી આપણે નિશ્ચિતરૂપે ચોરી જ કરીએ છીએ.

ભારતના ઇતિહાસના પ્રસિદ્ધ રાજા ચંદ્રગુપ્તે તેમના ગુરુ, ચાણક્ય પંડિતને પૂછયું: “વૈદિક શાસ્ત્રો અનુસાર, એક રાજાનું તેની પ્રજા પ્રત્યે શું કર્તવ્ય છે?” ચાણક્ય પંડિતે ઉત્તર આપ્યો કે, “રાજા તેની પ્રજાનો સેવક માત્ર છે અને અન્ય કંઈ નથી. તેનું ભગવાન-દત્ત કર્તવ્ય છે કે તેના રાજ્યના નાગરિકોને સહાય કરે કે જેથી તેઓ ભગવદ્-પ્રાપ્તિની તેમની યાત્રામાં પ્રગતિ કરી શકે.” કોઈપણ વ્યક્તિ ભલે તે રાજા હોય, ઉદ્યોગપતિ હોય, ખેડૂત હોય કે કાર્યકર હોય, ભગવાનના સંસારના અભિન્ન સભ્ય તરીકે પ્રત્યેક મનુષ્ય પાસે અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ તેમના કર્તવ્યોનું પાલન ભગવાનની સેવા તરીકે કરે.