Bhagavad Gita: Chapter 3, Verse 25

સક્તાઃ કર્મણ્યવિદ્વાંસો યથા કુર્વન્તિ ભારત ।
કુર્યાદ્વિદ્વાંસ્તથાસક્તશ્ચિકીર્ષુર્લોકસઙ્ગ્રહમ્ ॥ ૨૫॥

સક્તા:—આસક્ત; કર્મણિ—કર્મો; અવિદ્વંસ:—અજ્ઞાની; યથા—જેટલું; કુર્વન્તિ—કરે છે; ભારત—ભરતના વંશજ (અર્જુન); કુર્યાત્—કરવું જોઈએ; વિદ્વાન—વિદ્વાન; તથા—એ રીતે; અસક્ત:—અનાસક્ત; ચિકીર્ષું—ઈચ્છતો; લોક-સંગ્રહમ્—વિશ્વનું કલ્યાણ.

Translation

BG 3.25: જેવી રીતે અજ્ઞાની મનુષ્યો ફળ પ્રતિ આસક્તિ રાખીને તેમનાં કર્તવ્યોનું પાલન કરે છે, તેવી રીતે હે ભરતવંશી! વિદ્વાનજનોએ સામાન્ય લોકોને સાચા માર્ગે દોરવા માટે અનાસક્ત રહીને કર્મો કરવાં જોઈએ.

Commentary

અગાઉ, શ્લોક સં. ૩.૨૦માં, શ્રીકૃષ્ણે લોક-સઙ્ગ્રહમ્ એવાપિ સમ્પશ્યન્ અર્થાત્ ‘જનસમુદાયના કલ્યાણના દૃષ્ટિકોણથી’ શબ્દોથી અભિવ્યક્તિ કરી હતી. આ શ્લોકમાં, લોક-સઙ્ગ્રહમ્ ચિકીર્ષુઃ  અર્થાત્ ‘વિશ્વ કલ્યાણની ઈચ્છા’ એમ અભિવ્યક્તિ કરી છે. આ પ્રમાણે, શ્રીકૃષ્ણ પુન: ભારપૂર્વક જણાવે છે કે વિદ્વાનજનોએ સદા માનવજાતિનાં કલ્યાણાર્થે કાર્ય કરવા જોઈએ.

આ શ્લોકમાં સક્તાઃ અવિદ્વાન્સઃ જેવા શબ્દોની અભિવ્યક્તિનો પ્રયોગ એવા લોકો માટે કરવામાં આવ્યો છે કે જેઓ હજી દૈહિક ચેતનામાં સ્થિત છે અને પરિણામે સાંસારિક સુખો પ્રત્યે આસક્ત છે પરંતુ તેઓને શાસ્ત્ર-સંમત વૈદિક કર્મકાંડમાં પૂર્ણ શ્રદ્ધા છે. આવા લોકોને અજ્ઞાની કહેવામાં આવે છે, કારણ કે તેમની પાસે શાસ્ત્રોનું પુસ્તકિયું જ્ઞાન હોવા છતાં તેઓ ભગવદ્-પ્રાપ્તિના પરમ લક્ષ્યને મનથી ગ્રહણ કરી શકતા નથી. આવા અલ્પજ્ઞાની લોકો આળસ અને સંદેહથી રહિત, સંનિષ્ઠતાથી, શાસ્ત્રીય કર્મકાંડોને અનુસરીને પોતાના કર્તવ્યોનું પાલન કરે છે. તેઓને દૃઢ વિશ્વાસ હોય છે કે વૈદિક કર્તવ્યો અને વિધિઓનું પાલન કરવાથી તેમની કામનાને અનુરૂપ સાંસારિક સુખોની પ્રાપ્તિ થશે. જો આ લોકોનો કર્મકાંડમાંથી વિશ્વાસ તૂટી જાય તો ભક્તિના ઉચ્ચતર સિદ્ધાંતોમાં શ્રદ્ધાનાં ઉદય વિના તેઓ દિશાવિહીન થઈ જાય છે. શ્રીમદ્ ભાગવતમ્ કહે છે:

                         તાવત્ કર્માણિ કુર્વીત ન નિર્વિદ્યેત યાવતા

                        મત્કથાશ્રવણાદૌ વા શ્રદ્ધા યાવન્ન જાયતે (૧૧.૨૦.૯)

“મનુષ્યે ત્યાં સુધી કર્મનું પાલન કરવાનું નિરંતર ચાલુ રાખવું જોઈએ જ્યાં સુધી ઇન્દ્રિય વિષયોમાંથી વિરક્તિ અને ભગવાન પ્રત્યે અનુરક્તિનો વિકાસ ન થાય.”

શ્રીકૃષ્ણ અર્જુનને આગ્રહ કરે છે કે જેવી રીતે અજ્ઞાની લોકો શ્રદ્ધાપૂર્વક કર્મકાંડનું પાલન કરે છે, તેવી રીતે વિદ્વાન મનુષ્યોએ સાંસારિક સુખો માટે નહિ પરંતુ શેષ સમાજ માટે એક આદર્શ પ્રસ્થાપિત કરવા માટે નિષ્ઠાપૂર્વક તેમના કર્મોનું પાલન કરવું જોઈએ. તદ્દઉપરાંત, અર્જુન સ્વયં જે વિશેષ પરિસ્થિતિમાં છે તે ધર્મયુદ્ધ છે. આથી, સમાજના કલ્યાણાર્થે અર્જુને એક યોદ્ધા તરીકે તેના કર્તવ્યનું પાલન કરવું જોઈએ.